વીડિયો, દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ક્લિપ્સ અને ગ્રામીણ ભારતના લોકો પરની ફીચર ફિલ્મો સાથે - વર્ષ 2023 પારીના ફિલ્મ વિભાગ માટે સૌથી વધુ સંતોષકારક રહ્યું.
એક ઓનલાઈન જર્નલ તરીકે અમે આપણી આસપાસના સમાચારો અને ઘટનાઓનો કાળજીપૂર્વક વિગતવાર અભ્યાસ કરતી ફિલ્મોને પ્રોત્સાહિત કરીએ છીએ. બિહારમાં મદરેસા અઝીઝિયા પરની અમારી ફિલ્મ કોમી રમખાણો ફેલાવવાના ઈરાદાથી પ્રેરાઈને બિહાર રાજ્યના બિહારશરીફ નગરમાં 113 વર્ષ જૂની લાઇબ્રેરીને આગ ચાંપી દેવાની અપ્રિય ઘટનાના પરિણામની વાત કરે છે. જેસલમેર જિલ્લામાં સેક્રેડ ગ્રુવ્સ (પવિત્ર ઉપવનો) - ઓરણો - પર કબજો જમાવી રહેલી અક્ષય ઊર્જા (ઉત્પન્ન કરતી કંપનીઓ) પરની અમારી ફિલ્મે આ ઝાડી-ઝાંખરાવાળા જંગલોને 'વેસ્ટલેન્ડ' (બંજર જમીન) તરીકે વર્ગીકૃત કરી સૌર ઊર્જા અને પવન ઊર્જા પ્લાન્ટ્સને હવાલે કરી દેવા સામે પડકાર ફેંક્યો હતો.
આસામમાં બ્રહ્મપુત્રા નદીને કિનારે એક આદિવાસી ભેંસ-પાલક ના હલકભર્યા પ્રેમ-ગીત સાથે અમે વર્ષની શરૂઆત કરી. વર્ષ દરમિયાન અમે દેશના વિવિધ ભાગો - પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, કર્ણાટક, રાજસ્થાન વિગેરે - માંથી ગીતો અને નૃત્યો ઉમેરવાનું ચાલુ રાખ્યું.
અને પારીના ગ્રાઈન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ - કંઈ કેટલાય દાયકાઓ દરમિયાન થયેલ આ અસાધારણ કામની સફરના દસ્તાવેજીકરણ - પરની એક ફિલ્મ સાથે અમે વર્ષ પૂરું કરી રહ્યા છીએ.
આ વર્ષે અમે એક મહત્વની ફિલ્મ ઉમેરી, વર્થ , આ ફિલ્મ પૂણેમાં કચરો વીણતી મહિલાઓની વાત લઈને આવે છે, તેઓ સવાલ ઉઠાવે છે, "જો કચરો તમે પેદા કરી રહ્યા છો, તો 'કચરેવાલી' ['કચરાવાળી'] અમે કેવી રીતે થયાં?" અને આબોહવા પરિવર્તનની અસર પરની અમારી ફિલ્મોમાં અમે પ્રકાશિત કરી હાફુસ , કમોસમી હવામાનથી પરેશાન હાફુસ ઉગાડનારા
વર્ષ દરમિયાન અમે સમુદાયો પરની ફિલ્મોના અમારા આર્કાઇવમાં વધુ ફિલ્મો ઉમેરતા રહ્યા છીએ: મડિગા સમુદાયના લોકો દ્વારા મેડાપુરમમાં ઉગાદી ની ઉજવણી પરની આ ફિલ્મે એક નવી દલિત પરંપરાના અવાજ અને રંગને જીવંત કર્યો. તો મલબાર પ્રદેશમાં વિવિધ જાતિઓ અને સમુદાયોના કલાકારો દ્વારા કરવામાં રજૂ કરવામાં આવતી (લુપ્ત થઈ જવાના સંકટ સામે) સંઘર્ષ કરી રહેલી તોલ્પાવકૂતની કળા પરની આ લાંબી ફિલ્મ છાયા-કઠપૂતળીના ખેલ દ્વારા બહુસાંસ્કૃતિક વાર્તાઓ કહે છે. અને પડોશી રાજ્ય કર્ણાટકમાંથી તુલુનાડુમાં ભૂત પૂજા ના અભિન્ન અંગ સમા નાદસ્વરમ-વાદકના જીવનનું વિગતે વર્ણન રજૂ થયું છે. તો પશ્ચિમ બંગાળની આ ફિલ્મમાં ધાતુના પૂતળા બનાવવાની લગભગ ખોવાઈ ગયેલી વેક્સ કાસ્ટિંગ પદ્ધતિ - ડોકરા - ને કચકડે કેદ કરવામાં આવી છે.
આ ફિલ્મો જરૂર જોજો!

મદરેસા અઝીઝિયાની યાદમાં
બિહારશરીફમાં તોફાની તત્વોએ 113 વર્ષ જૂની મદરેસા અને 4000 થી વધુ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરીને આગ ચાંપી દીધી હતી.
મે 12, 2023 | શ્રેયા કાત્યાયિની

ઓરણો બચાવવા માટેની લડાઈ
સૌર ઊર્જા અને પવન ઊર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓ રાજસ્થાનના ઓરણો પર સતત અતિક્રમણ કરી રહી છે - ઘાસના મેદાનોમાં આવેલા આ ઓરણો - સેક્રેડ ગ્રુવ્સને સરકારી રેકોર્ડમાં 'વેસ્ટલેન્ડ' (બંજર જમીન) તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઊર્જા-ઉત્પાદન કંપનીઓની ઝડપથી વધતી જતી હાજરી આ વિસ્તારની ઈકોલોજીમાં ધરખમ ફેરફાર કરી રહી છે અને આ વિસ્તારના લોકોની આજીવિકાના સાધનોને ભારે નુકસાન પહોંચાડી રહી છે.
જુલાઈ 25, 2023 | ઊર્જા

એક ભેંસ-પાલક પ્રેમ-ગીત ગાય છે
સત્યજિત મોરાંગ આસામના મિસિંગ સમુદાયમાંથી છે. આ વીડિયોમાં તેઓ ઓનિટોમ શૈલીમાં એક પ્રેમ-ગીત ગાય છે, અને બ્રહ્મપુત્રા નદી પર બનેલા ટાપુઓ પર ભેંસોના પશુપાલન વિશે વાત કરે છે.
જાન્યુઆરી 2, 2023 | હિમાંશુ ચૂટિયા સાયકિયા

ગ્રામીણ ભારતના રસોડામાંથી આવતા ગીતો
મહારાષ્ટ્રના (ખૂણેખૂણે) સેંકડો ગામડાઓના 3000 થી વધુ (મહિલા) કલાકારોએ ગાયેલા 100000 થી વધુ ગીતો સાથેનો આ ગ્રાઈન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (જીએસપી) એ સામાન્ય મહિલાઓ - ખેડૂત, શ્રમિક કે માછીમાર મહિલાઓ જ નહિ પણ દીકરીઓ, પત્નીઓ, માતાઓ અને બહેનો પથ્થરની ઘંટી વડે દળણું દળતી વખતે ગીતો - જાત્યાવરચ્યા ઓવ્યા - ગાતા હોય ત્યારે તેમના અવાજને સાચવવાનો એક અસાધારણ પ્રયાસ છે. જીએસપીના કાવ્યાત્મક વારસા અને તેની ઉત્પત્તિ અંગે પારીનું દસ્તાવેજી ચિત્રપટ.
ડિસેમ્બર 7, 2023 | પારી ટીમ

મૂલ
2 જી ઓક્ટોબરના રોજ, સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે, પૂણેમાં કચરો વીણનાર મહિલાઓ પરની એક ફિલ્મ.
ઓક્ટોબર 2, 2023 | કવિતા કાર્નેઇરો

કેરીનો ખેલ ખતમ થઈ જશે?
મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં હાફુસ કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે પરિણામે ખેડૂતોની ચિંતા વધી રહી છે.
ઓક્ટોબર 13, 2023 | જયસિંગ ચવ્હાણ

મેડાપુરમમાં ઉગાદી: પરંપરા, શક્તિ અને ઓળખ
આંધ્રપ્રદેશના મેડાપુરમમાં વાર્ષિક ઉગાદી ઉત્સવ એ આ નગરમાં દેવતાની મૂર્તિ લાવનાર મડિગા સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવતો ભવ્ય પ્રસંગ છે.
ઓક્ટોબર 27, 2023 | નાગા ચરણ

છાયા-કઠપૂતળીની વાર્તાઓ: મલબારના તોલ્પાવકૂત કઠપૂતળીના ખેલ
કેરલાના મલબાર પ્રદેશના ગામડાઓના છાયા-કઠપૂતળીના ખેલ વિષયક ફિલ્મ.
મે 29, 2023 | સંગીત શંકર

તુલુનાડુના ભૂત
અરબી સમુદ્રના કિનારે આવેલા કર્ણાટકના આ પ્રદેશમાં ભૂત પૂજા માટે વિવિધ સમુદાયો ભેગા થાય છે. આ વિધિઓ દરમિયાન પ્રસ્તુતિ કરનાર સૈયદ નાસિર અને તેમની સંગીત મંડળીના સાંસ્કૃતિક વારસા વિષયક ફિલ્મ.
એપ્રિલ 26, 2023 | ફૈઝલ અહેમદ

ડોકરા: પરિવર્તનની કળા
પીજુષ મોંડાલ લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને ધાતુના પૂતળા બનાવે છે. આ કુશળ ડોકરા કારીગર પોતાની કલા માટે જરૂરી કાચા માલ અને આબોહવા વિશે ચિંતિત છે, જે બંને કાસ્ટિંગની આ પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે
ઓગસ્ટ 26, 2023 | શ્રેયશી પોલ
જો તમે અમને ફિલ્મ
અથવા વીડિયો મોકલવા માગતા હો
તો
contact@ruralindiaonline.org
પર લખો
અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને contact@ruralindiaonline.org પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
પારી એ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે અને અમે (અમારા કામ માટે) અમારી બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની પ્રશંસા કરતા લોકોના દાન પર આધાર રાખીએ છીએ. જો તમે પારીમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક