અંજલિએ હંમેશા તુલસીને તેની અમ્મા (મા) તરીકે ઓળખાવી છે. એક સંતુષ્ટ મા તુલસી અમને આનંદથી આ વાત કરે છે, તેમણે વાળનો અંબોડો બાંધ્યો છે, સુઘડ રીતે ગુલાબી સાડી પહેરી છે. તુલસી એક ટ્રાન્સ મહિલા છે અને તેમની નવ વર્ષની દીકરીના માતા છે.
તુલસી જ્યારે સત્તર-અઢાર વર્ષના હતા ત્યારે તેમણે પોતાને 'કાર્તિગા' તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. પછીથી એક અધિકારીએ તેમના રેશન કાર્ડમાં ભૂલ કરી અને તેમનું નામ – 'તુલસી' લખી નાખ્યું - તમિળમાં આ નામ પુરુષ અને મહિલા બંને માટે વપરાય છે. પછીથી તેમણે એ નામ ખુશીથી અપનાવી લીધું અને આજે તેમને બેમાંથી ગમે તે નામે બોલાવો તો તેઓ જવાબ વાળે છે.
તેઓ તેમની દીકરી અંજલિ સાથે તમિળનાડુના તિરુપુરુર તાલુકામાં આવેલા ઇરુલા કસ્બા દરગસમાં એક નાનકડી, ઘાસ છાયેલી ઝૂંપડીમાં રહે છે. જ્યારે અંજલિ સાવ નાની હતી ત્યારે તુલસીના પત્ની તેમનાથી અલગ થઈ ગયા હતા અને તેથી તેમણે તેને એકલે હાથે (સિંગલ પેરન્ટ તરીકે) ઉછેરી હતી. વર્ષ 2016માં વરદા ચક્રવાતમાં આ દંપતીએ તેમનું પહેલું જન્મેલું નવ વર્ષનું બાળક ગુમાવ્યું હતું.
તુલસી હવે ઉંમરના ચાલીસના દાયકામાં છે, તેઓ ઘણા વર્ષોથી તિરુનંગઈ (ટ્રાન્સ મહિલા માટેનો તમિળ શબ્દ) જૂથનો ભાગ છે. પોતાના ખોળામાં બેઠેલી અંજલિ તરફ પ્રેમથી જોઈને તેઓ આગળ કહે છે, "હું તેના હાથમાં દૂધની બોટલ આપીને તેને અમારી [તિરુનંગઈ] મીટિંગોમાં સાથે લઈ જતી."


ડાબે: તમિળનાડુના તિરુપુરુર તાલુકામાં આવેલા ઇરુલર કસ્બા દરગસમાં પોતાના ઘરમાં પોતાની દીકરી અંજલિ સાથે તુલસી. જમણે: તુલસીનો એક ફોટો જેમાં તેમણે નાનકડી અંજલિને ઊંચકી છે


ડાબે: કોવિડ રોગચાળા દરમિયાન તેનમોળીનું અવસાન થયું તે પહેલાં તુલસીની સાથે ગાઈ રહેલા તેનમોળી (વાદળી સાડીમાં)
જ્યારે અંજલિ લગભગ ચાર વર્ષની હતી ત્યારે તુલસી તેની માતા તરીકે ઓળખાવા ઉત્સુક હતા અને તેથી તેમણે વેષ્ટિ (પુરુષો દ્વારા પહેરવામાં આવતાં વસ્ત્રો) છોડીને ફક્ત સાડી જ પહેરવાનું શરુ કર્યું. તેઓ કહે છે કે તેમણે 50 વર્ષના તિરુનંગઈ, કુમુદિની સલાહ પર આમ કર્યું હતું, તુલસી તેમને આયા (દાદી) માને છે.
જ્યારથી તુલસીએ એક મહિલા તરીકે પોતાની લૈંગિક ઓળખ આપવાનું શરૂ કર્યું એ ક્ષણનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે, "વિળંબારમાવે વંદટ્ટેં [હું ખુલ્લેઆમ બહાર આવી]."
આ સંક્રમણને ચિહ્નિત કરવા માટે તુલસીએ તિરુવલ્લુર જિલ્લાના વિદૈયુરના 40 વર્ષના એક સંબંધી રવિ સાથે ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હતા. તમિળનાડુમાં ટ્રાન્સ મહિલાઓમાં પ્રચલિત આ પ્રથામાં લગ્ન માત્ર પ્રતીકાત્મક હોય છે. રવિના પરિવારે - તેમના પત્ની ગીતા અને કિશોરવયની બે દીકરીઓએ તુલસીને તેમના પરિવારમાં આશીર્વાદરૂપે સ્વીકાર્યા હતા. ગીતા કહે છે, "મારા પતિ સહિત અમે બધા તેમને 'અમ્મા' કહીને બોલાવીએ છીએ. તેઓ અમારે માટે ભગવાન સમાન છે."
તુલસી આજે પણ દરગસમાં રહેવાનું ચાલુ રાખે છે અને ખાસ પ્રસંગોએ પોતાના નવા પરિવારને મળે છે.
લગભગ એ જ અરસામાં, તેમણે રોજેરોજ સાડી પહેરવાનું શરૂ કર્યું એ પછી, તેમના સાત ભાઈ-બહેનોએ તેમને 'અમ્મા' અથવા 'સક્તિ' (દેવી) કહેવાનું શરૂ કર્યું હતું. તેઓ માને છે કે તેમનું સંક્રમણ દેવીની કૃપા (અમ્મન અરુળ) સાથે સંકળાયેલું છે.


ડાબે: તુલસીએ રોજ સાડી પહેરવાનું શરુ કર્યું ત્યારે તેમના એ સંક્રમણને ચિહ્નિત કરવા માટે તુલસી અને રવિએ ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હતા. જમણે: રવિના પત્ની ગીતા તુલસીના માથામાં ફૂલ નાખી આપે છે, અંજલિ, રવિ અને રવિની દીકરી એ જુએ છે


તુલસી અને રવિ અંજલિ (ડાબે) સાથે. તુલસીનો પરિવાર તેમને આશીર્વાદ માને છે. તેમની સ્વર્ગસ્થ માતા સિંદામરઈએ કહ્યું હતું 'એવું લાગે છે જાણે અમ્મન [દેવી] ઘેર આવ્યાં છે'
તુલસી કહે છે કે તેમના ગાઢ રીતે સંકળાયેલા ઇરુલા સમુદાયમાં બધા જ તુલસીના લિંગથી વાકેફ હતા અને તેથી તેમને એ છુપાવવાની કોઈ જરૂર નહોતી. તુલસી કહે છે, “મારી પત્ની પણ અમારા લગ્ન પહેલાં મારા વિશે સારી રીતે જાણતી હતી." તેઓ ઉમેરે છે, "મારે અમુક રીતે વર્તવું ન જોઈએ કે અમુક પ્રકારનો ન પોશાક પહેરવો જોઈએ એવું મને કોઈએ ક્યારેય કહ્યું નથી, ન તો જ્યારે મેં કુડુમિ [નાનો ગાંઠ અંબોડો] વાળ્યો ત્યારે કે ન તો મેં સાડી પહેરવાનું શરૂ કર્યું ત્યારે."
તુલસીના એક મિત્ર, પૂંગાવનમ યાદ કરે છે કે મિત્રો પૂછતા કે તુલસી કેમ 'છોકરીની જેમ' વર્તતા હતા. તેઓ કહે છે, “અમારું ગામ જ અમારી દુનિયા હતી. અમે એમના [તુલસી] જેવા કોઈને જોયા નહોતા. આવા લોકો પણ હોય એવું વિચારીને અમે એ સ્વીકારી લીધું હતું." કોઈએ ક્યારેય તુલસી અથવા અંજલિનું અપમાન કર્યું હોય અથવા તેમને ચીડવ્યા હોય, તેમની મશ્કરી કરી હોય એ વાતને તેઓ નકારી કાઢે છે.
તુલસીના માતા-પિતા, સિંદામરઈ અને ગોપાલ, જેઓ હવે તેમના સિત્તેરના દાયકાના અંતમાં છે, તેમણે પણ તુલસીને તે જેવી હતી તેવી સ્વીકારી લીધી હતી. તુલસી નાની હતી ત્યારે તેના સંવેદનશીલ સ્વભાવને જોઈને તેઓએ નક્કી કર્યું હતું, "અવન મનસ પુંપડત કુડાદુ [આપણે તેની લાગણીઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ]."
સિંદામરઈ કહે છે, “[તુલસી સાડી પહેરે છે] એ સારી વાત છે. એવું લાગે છે કે અમ્મન ઘેર આવ્યાં છે." તેઓ હાથ જોડીને અને મૌન પ્રાર્થના કરતા હોય તેમ આંખો મીંચી દે છે. તુલસી તેમના દેવીનું સ્વરૂપ છે એવી પરિવારની લાગણીને તેઓ દોહરાવે છે. 2023ના અંતમાં સિંદામરઈનું અવસાન થયું હતું.
દર મહિને તુલસી તેમના તિરુનંગઈ સમુદાય સાથે 125 કિલોમીટરની મુસાફરી કરીને વિલુપુરમ જિલ્લાના મંદિરોના નગર મેલમલયનુરની મુલાકાત લે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. તેઓ કહે છે, "લોકો માને છે કે તિરુનંગઈના શબ્દો સાચા પડે છે. હું ક્યારેય લોકોને શાપ આપતી નથી, ફક્ત તેમને આશીર્વાદ જ આપું છું અને તેઓ જે આપે તે સ્વીકારી લઉં છું." દરરોજ સાડી પહેરવાની તેમની પસંદગીએ તેમના આશીર્વાદને વધુ અસરકારક બનાવ્યા છે એમ પણ તેઓ માને છે અને તેઓએ એક પરિવારને આશીર્વાદ આપવા માટે કેરળની મુસાફરી પણ કરી છે.


ડાબે: તુલસી મેલમલયનુર મંદિર ઉત્સવ માટે તૈયાર થાય છે. જમણે: ઉજવણી માટેની તુલસીના તિરુનંગઈ પરિવારની ટોપલીઓ. ટ્રાન્સ મહિલાઓ લોકોને આશીર્વાદ આપવા મંદિરની સામે ભેગી થાય છે


ડાબે: ફેબ્રુઆરી 2023માં મેલમલયનુર મંદિર ઉત્સવમાં તેમના તિરુનંગઈ પરિવાર અને રવિ સહિત તેમના વિસ્તૃત પરિવારના સભ્યો સાથે તુલસી. જમણે: પ્રાર્થના કરતા અને એક ભક્તને આશીર્વાદ આપતા તુલસી. તેઓ કહે છે, 'હું ક્યારેય લોકોને શાપ આપતી નથી, ફક્ત તેમને આશીર્વાદ જ આપું છું અને તેઓ જે આપે તે સ્વીકારી લઉં છું'
સામાન્ય બિમારીઓના ઉપચાર માટેની જડીબુટ્ટીઓ વિશેની તેમની જાણકારીથી થોડીઘણી કમાણી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઘટી રહી છે. તેઓ નિસાસો નાખતા કહે છે, “મેં ઘણા લોકોને સાજા કર્યા છે. પણ હવે તેઓ બધા પોતાનો મોબાઈલ જોઈને જાતે જ પોતાની સારવાર કરે છે! એક સમય એવો હતો કે હું 50000 [રુપિયા] પણ કમાતી હતી. એ પછી 40000 ને પછી 30000 થઈ ગયા, હવે તો હું વર્ષમાં માંડ 20000 કમાઈ શકું છું." કોવિડના વર્ષો સૌથી મુશ્કેલ હતા.
ઇરુલર દેવી કન્નીઅમ્મા માટે મંદિરનું સંચાલન સંભાળવાની સાથે સાથે તુલસીએ પાંચ વર્ષ પહેલાં નૂર નાળ વેલઈ (એમજીએનઆરઈજીએ - મનરેગા) નું કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ દરગસમાં બીજી મહિલાઓ સાથે ખેતરોમાં કામ કરે છે, તેઓ દિવસના લગભગ 240 રુપિયા કમાય છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ (ધ મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી) ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસની રોજગારીની ખાતરી આપે છે.
અંજલિ કાંચીપુરમ જિલ્લાની નજીકની સરકારી નિવાસી શાળામાં દાખલ થયેલ છે. તુલસી કહે છે કે તેનું શિક્ષણ એ પ્રાથમિકતા છે. તેઓ કહે છે, "હું તેને ભણાવવા માટે મારાથી શક્ય તમામ પ્રયાસ કરી રહી છું. કોવિડ દરમિયાન તેને છાત્રાલયમાં દૂર રહેવું ગમતું ન હતું. તેથી મેં તેને મારી પાસે રાખી હતી. પરંતુ [તેને] ભણાવવા માટે અહીં કોઈ નહોતું." 2023 ની શરૂઆતમાં જ્યારે તુલસી, જેઓ પોતે માત્ર 2 ચોપડી જ ભણ્યા છે તેઓ, અંજલિને શાળામાં દાખલ કરવા ગયા ત્યારે તેમને (પોતાના બાળકને આ શાળામાં દાખલ કરનાર) સૌથી પહેલા ટ્રાન્સજેન્ડર વાલી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
તુલસીના કેટલાક તિરુનંગઈ મિત્રોએ લિંગ પુષ્ટિ કરતી શસ્ત્રક્રિયાઓમાંથી પસાર થવાનું પસંદ કર્યું છે ત્યારે તુલસી કહે છે, "બધા મને હું જેવી છું તેવી સ્વીકારે છે, (તો પછી) આ ઉંમરે શસ્ત્રક્રિયા કરાવવાની શી જરૂર છે?"
પરંતુ તેમના જૂથમાં આ વિષય પર સતત ચર્ચાઓ ચાલતી હોઈ આડઅસરોની આશંકા હોવા છતાં તેઓ આ બાબતે ફેરવિચારણા કરે છે: “શસ્ત્રક્રિયા કરાવવા માટે ઉનાળાનો સમય સારો પડે. રૂઝ ઝડપથી આવે."


ડાબે: તુલસી કુદરતી જડીબુટ્ટીઓની મદદથી રોગની સારવાર પણ કરે છે. તેઓ દરગસમાં પોતાના ઘરની આસપાસ ઔષધીય છોડ શોધી રહ્યા છે જેથી કાઢામાં તેનો ઉપયોગ કરી શકાય. જમણે: મેલમલયનુર મંદિરમાં તુલસી અને અંજલિ


મંદિરના ઉત્સવ દરમિયાન હસતા હસતા અને ક્યારેક યારેક નૃત્યમાં પણ ભાગ લેતા તુલસી કહે છે, 'હું અત્યારે સૌથી વધારે ખુશ છું!'
શસ્ત્રક્રિયા માટેના ખર્ચ ની રકમ કંઈ નાનીસૂની નથી - ખાનગી હોસ્પિટલોમાં શસ્ત્રક્રિયા અને હોસ્પિટલમાં દાખલ થવાના 50000 રુપિયા થાય. તેઓ ટ્રાન્સ વ્યક્તિઓ માટે લિંગ પુષ્ટિ માટેની મફત શસ્ત્રક્રિયાઓ માટે તમિળનાડુ સરકારની નીતિ અંગે તપાસ કરવા માગે છે અને તેમને રાજ્ય સરકાર તરફથી સહાય મળી શકે કે કેમ તે જાણવા માગે છે.
ફેબ્રુઆરી 2023 માં તુલસીએ સિંદામરઈ અને અંજલિ સાથે મસાન કોલ્લઈ (જે મયાન કોલ્લાઈ તરીકે પણ ઓળખાય છે) નામના લોકપ્રિય તહેવારની ઉજવણી માટે મેલમલયનુર મંદિરની મુલાકાત લીધી હતી.
પોતાની માતાનો હાથ પકડીને અંજલિ મંદિરની ભીડવાળી શેરીઓમાં જૂના મિત્રોને મળવા દોડી ગઈ હતી. રવિ અને ગીતા તેમના વિસ્તૃત પરિવારો સાથે આવ્યા હતા. તુલસીનો તિરુનંગઈ પરિવાર - તેમના ગુરુ, બહેનો અને બીજા ઘણા લોકો તેમની સાથે જોડાયા હતા.
કપાળ પર સિંદૂરનો લાલ મોટો ચાંલ્લો અને લાંબા ચોટલાવાળી વિગ પહેરેલા તુલસી બધા સાથે ગપસપ કરી રહ્યા હતા. હસતા હસતા અને ક્યારેક યારેક નૃત્યમાં પણ ભાગ લેતા તેમણે કહ્યું હતું, "હું અત્યારે સૌથી વધારે ખુશ છું!"
તુલસીએ એક કૌટુંબિક ઉત્સવમાં મને કહ્યું હતું, "તમે અંજલિને પૂછી જુઓ તેને કેટલી મા છે."
મેં પૂછ્યું હતું અને અંજલિએ હસીન તુલસી અને ગીતા બંને તરફ ઈશારો કરીને તરત જ જવાબ આપ્યો હતો, “બે”.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક