અબ્દુલ વહબ થોકર ઉત્સાહિત મુસાફરોને પોતાની સ્લેજમાં ગુલમર્ગના બરફીલા ઢોળાવો પર લઈ જવા માટે તૈયાર હતા. જોકે 14 મી જાન્યુઆરી, 2024 ના રોજ હતાશ થોકર તેમના વાહનની ઉપર બેઠા, નિરાશાની ગર્તામાં ધકેલી દેતું દૃશ્ય જોઈ રહ્યા હતા - ભૂખરી અને ઉજ્જડ ભૂમિ.
નવાઈ પામેલા 43 વર્ષના અબ્દુલ કહે છે, "આ ચિલા-ઈ-કલાન છે [શિયાળાની ઋતુનો સૌથી વધુ ઠંડીનો સમય છે] અને ગુલમર્ગમાં જરાય બરફ નથી." 25 વર્ષથી સ્લેજ ખેંચી રહેલા થોકર કહે છે કે તેમણે આવું ક્યારેય જોયું નથી અને તેઓ ડરેલા છે: "જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો તો ટૂંક સમયમાં અમારે માથે દેવું થઈ જશે."
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (જે એન્ડ કે) ના બારામુલ્લા જિલ્લાના પ્રખ્યાત ગિરિ મથક - ગુલમર્ગના હિમાચ્છાદિત પર્વતો દર વર્ષે દુનિયાભરમાંથી લાખો લોકોને આકર્ષે છે. લગભગ 2000 લોકો (વસ્તીગણતરી 2011) ની સ્થાનિક અર્થવ્યવસ્થાને અને કામ માટે અહીં સુધીની મુસાફરી કરતા થોકર જેવા બીજા લોકોને સહાય કરવામાં આ પ્રવાસન ઉદ્યોગ જ મુખ્ય ભૂમિકા ભજવે છે.
બારામુલ્લા કલંતર ગામના રહેવાસી અબ્દુલ કામ મળી રહે એ આશામાં સ્થાનિક પરિવહન દ્વારા દરરોજ 30 કિલોમીટરની મુસાફરી કરીને ગુલમર્ગ જાય છે. તેઓ કહે છે, "હવે આજકાલ મને ગ્રાહક મળે તો પણ હું માત્ર 150-200 રૂપિયા કમાઉ છું કારણ કે ગ્રાહકોને સવારી કરાવવા માટે બરફ જ નથી. હાલ તો અમે ગ્રાહકોને ફક્ત [અગાઉ ઓગળેલા બરફના] થીજી ગયેલા પાણી પર સવારી કરાવી શકીએ છીએ."
જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર વેબસાઇટ કહે છે, "શિયાળામાં ગુલમર્ગ એક ‘અદભૂત’ અનુભવ છે, બરફના સફેદ ધાબળાથી સંપૂર્ણપણે ઢંકાયેલ ગુલમર્ગ સ્કીઅર્સ (બરફ પર સરકનાર) માટે સ્વર્ગ બની રહે છે. અહીંના કુદરતી ઢોળાવ કોઈ ખરાબ પરિસ્થિતિથી અસરગ્રસ્ત થયા નથી અને ચુનંદા સ્કીઅર્સ માટે એક પડકાર છે!'”
હિમવર્ષાને ન થવાને કારણે ગુલમર્ગમાં સ્લેજ ખેંચનારાઓ ગ્રાહકોને થીજી ગયેલા પાણી પર સવારી માટે લઈ જાય છે
હકીકતમાં ગુલમર્ગમાં ઉપરનામાંથી કંઈ જ સાચું નથી. આ શિયાળામાં આબોહવા પરિવર્તને હિમાલયના આ ઢોળાવ પરની આજીવિકાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમવર્ષા ન થાય તો તેની અસરો પર્યાવરણીય અને આર્થિક બંને રીતે દૂરગામી હોય છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેમની પશુઓ ચરાવવા સાથે સંકલાયેલી આજીવિકા, ગોચરને પુનર્જીવિત કરવા માટે હિમવર્ષા થાય તેની પર આધારિત છે. કાશ્મીર યુનિવર્સિટીના પર્યાવરણ અને વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડો. મોહમ્મદ મુસ્લિમ કહે છે, "વૈશ્વિક સ્તરે આબોહવામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે, અને તેની અસર કાશ્મીર પ્રદેશ પર પણ જોવા મળી રહી છે."
થોકરની કમાણીની જ વાત કરીએ તો: તેઓ કહે છે કે વધુ સારા વર્ષોમાં તેઓ દિવસના 1200 રુપિયા કમાતા. આજકાલ મુસાફરી અને પારિવારિક જવાબદારીઓ પાછળનો ખર્ચ તેમની કમાણી કરતા વધી ગયો છે. તેઓ દુઃખ વ્યક્ત કરતા કહે છે, "અહીં હું ફક્ત 200 રુપિયા કમાઉ છું, પણ મારે (અહીં સુધી પહોંચવા માટે) 300 [રુપિયા] ખરચવા પડે છે." થોકર અને તેમના પત્નીને પોતાનું અને કિશોરવયના પોતાના બે બાળકોનું ગુજરાન ચલાવવા પોતાની નજીવી બચત વાપરવી પડે છે.
ડો. મુસ્લિમ કહે છે આ વર્ષે હિમવર્ષા ન થવા માટે પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) માં થયેલ ફેરફાર કારણભૂત છે. પશ્ચિમી વિક્ષોભ એ એક હવામાનશાસ્ત્રીય ઘટના છે, જે ભૂમધ્ય પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડા તરીકે શરૂ થાય છે, જેટ સ્ટ્રીમ્સ (તેજ પવનના પટ્ટા) દ્વારા પૂર્વ તરફ આગળ વધે છે અને આખરે પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં બરફ અને વરસાદમાં પરિણમે છે. પશ્ચિમી વિક્ષોભ આ પ્રદેશમાં જળ સુરક્ષા, ખેતી અને પ્રવાસન માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
રાજધાની શ્રીનગરમાં મહત્તમ તાપમાન 13 મી જાન્યુઆરીએ 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા બે દાયકામાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. તે જ સમયે ઉત્તર ભારતનો બાકીનો હિસ્સો કેટલાક ડિગ્રી વધુ ઠંડો હોવાનું નોંધાયું હતું.
શ્રીનગરના હવામાન કેન્દ્રના નિયામક (ડાયરેક્ટર મિટિરોલોજીકલ સેન્ટર શ્રીનગર) ડી. મુખ્તાર અહેમદ કહે છે, “હજી સુધી કાશ્મીરમાં ક્યાંય ભારે હિમવર્ષા થઈ નથી અને હવામાન વધુ ગરમ થઈ રહ્યું છે. પહેલગામમાં 15 મી જાન્યુઆરીએ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યાં આ અગાઉ 2018 માં સૌથી વધુ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું."
સોનમર્ગ અને પહેલગામમાં ખાસ નોંધપાત્ર હિમવર્ષા થઈ નથી. ચારે તરફ તાપમાન વધી રહ્યું છે, પરિણામે આ પ્રદેશમાં શિયાળો સામાન્ય કરતા ગરમ થઈ રહ્યો છે. છેલ્લા દાયકામાં થયેલા વિવિધ અભ્યાસો દર્શાવે છે કે હિમાલયમાં તાપમાનના વધારાનો દર વૈશ્વિક સરેરાશ કરતા વધુ છે, જેને કારણે હિમાલય આબોહવા પરિવર્તન માટે વિશ્વના સૌથી સંવેદનશીલ સ્થળોમાંનું એક બને છે.
ડાબે: જાન્યુઆરી 2024માં ગુલમર્ગ; સામાન્ય રીતે આ સમયે આ વિસ્તારને આવરી લેતો 5-6 ફૂટ બરફ અહીં હોય છે. જમણે: મુદાસિર અહમદ બરફથી ઢંકાયેલા પર્વતોનો જાન્યુઆરી 2023 નો ફોટો બતાવે છે
સ્થાનિકો હવે શિયાળાની ભૂમિને 'રણ' કહી રહ્યા છે અને પ્રવાસન ઉદ્યોગ પર તેની કારમી અસર પડી છે. હોટેલ ચલાવનારાઓ, ભોમિયાઓ (ગાઇડ્સ), સ્લેજ-ખેંચનારાઓ, સ્કીઈંગ પ્રશિક્ષકો અને એટીવી (ઓલ-ટેરીન વાહન) ચાલકો, અને બીજાઓ સંઘર્ષ કરી રહ્યા છે.
ગુલમર્ગની હોટેલ ખલીલ પેલેસના મેનેજર મુદાસિર અહમદ કહે છે, "જાન્યુઆરીમાં જ 150 બુકિંગ રદ થયા હતા. જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આ સંખ્યા વધી શકે છે." 29 વર્ષના અહમદ કહે છે, "મેં મારી આખી જિંદગીમાં આટલું ખરાબ હવામાન ક્યારેય જોયું નથી." અહમદનો અંદાજ છે કે આ સિઝનમાં તેમની અત્યાર સુધીની ખોટ જ લગભગ 15 લાખ રુપિયા જેટલી થઈ ગઈ હશે.
હિલટોપ હોટેલમાં કર્મચારીઓએ નોંધ્યું છે કે પ્રવાસીઓ વહેલું ચેક-આઉટ કરી રહ્યા છે. હિલટોપના 35 વર્ષના મેનેજર એજાઝ ભટ કહે છે, "બરફ જોવા માટે અહીં આવતા મહેમાનો નિરાશ થાય છે. દર બીજા દિવસે તેઓ અહીંથી ધાર્યા કરતા વહેલા નીકળી જાય છે." ગુલમર્ગની મોટાભાગની હોટલોની આ જ હાલત છે, તેઓ કહે છે, "ગયા વર્ષે આ સમય સુધીમાં લગભગ 5-6 ફૂટ બરફ પડ્યો હતો, પરંતુ આ વર્ષે માંડ થોડા ઈંચ બરફ પડ્યો છે."
એક સ્કીઈંગ માર્ગદર્શક જાવેદ અહમદ રીષિ આ અપ્રિય પર્યાવરણીય ફેરફારો માટે સ્થાનિકોને જવાબદાર ઠેરવે છે, 41 વર્ષના જાવેદ કહે છે, "ગુલમર્ગ આવીને તેને બરબાદ કરવા માટે હું કોઈ પ્રવાસીને દોષી ન ઠેરવી શકું. ગુલમર્ગની બરબાદી માટે અમે પોતે જ જવાબદાર છીએ."
જાવેદ રીષિ ગુલમર્ગમાં પોતાની ઝૂંપડીની બહાર સ્કીઈંગ માટેની સાધનસામગ્રી બતાવે છે. જાન્યુઆરીમાં બરફના અભાવને કારણે તેમની આજીવિકાને અસર પહોંચી છે
ડાબે: ગુલમર્ગના એક એટીવી ચાલક મુશ્તાક ભટ કહે છે, 'લોકો રસ્તા પર એટીવી પર સવારી કરવા માગતા નથી, તેઓ બરફ પર એટીવી પર સવારી કરવાનું પસંદ કરે છે.' જમણે: ધંધો ન હોવાને કારણે ઘણા ચાલકોએ તેમના વાહનોને પ્લાસ્ટિકમાં પેક કરીને ઢાંકી દીધા છે
એક એટીવી ચાલક મુશ્તાક અહમદ ભટ છેલ્લા એક દાયકાથી ઓફ-રોડ વાહનો ચલાવે છે. શિયાળા દરમિયાન ભારે હિમવર્ષા થાય ત્યારે પરિવહનનું એકમાત્ર માધ્યમ એટીવી જ હોય છે. એટીવી ચાલકો આશરે દોઢ કલાકની સવારીના 1500 રુપિયા લઈ શકે છે.
મુશ્તાકનો એવો પણ અભિપ્રાય છે કે વાહનોના વધારાથી આ પ્રદેશની માઈક્રો-ક્લાયમેટની સમસ્યા ગંભીર બની રહી છે. 40 વર્ષના મુશ્તાક કહે છે, "સત્તાવાળાઓએ ગુલમર્ગ બોલ (હવાઈ રીતે જોતા વાટકા (બોલ) જેવો આકાર ધરાવતા ગુલમર્ગ) માં વાહનોને પ્રવેશ આપવાનું બંધ કરવું જોઈએ કારણ કે વધુ પડતા વાહનો આ સ્થળની હરિયાળીને નષ્ટ કરી રહ્યા છે અને અહીં હિમવર્ષા ન થવા માટે પણ એ વાહનો જવાબદાર છે. આનાથી અમારી કમાણી પર ખરાબ અસર પડી છે."
ત્રણ દિવસથી વધુ સમયથી મુશ્તાકને એક પણ ગ્રાહક મળ્યો નથી, પરિણામે મુશ્તાક ચિંતિત છે, ખાસ કરીને જ્યારે તેમનું એટીવી 10 લાખ રુપિયાની લોન પર ખરીદવામાં આવ્યું છે ત્યારે. જ્યારે મુશ્તાકે વાહન ખરીદ્યું ત્યારે આગામી વર્ષોમાં સારો ધંધો થશે એમ વિચારેલું, તેઓ માનતા હતા કે તેઓ પોતે લીધેલી લોન ઝડપથી પાછી ચૂકવી શકશે. તેઓ કહે છે, "હવે મને લાગે છે કે હું લોન પાછી ચૂકવી શકીશ નહીં અને આ ઉનાળામાં કદાચ મારે મારું એટીવી વેચી પણ દેવું પડે."
કપડાં ભાડેથી આપતી દુકાનો પણ ખાલી છે, દુકાનોમાં કર્મચારીઓ સિવાય કોઈ નથી. ગુલમર્ગથી અડધા કલાકના અંતરે આવેલા ટંગમર્ગમાં કોટ અને બૂટ સ્ટોર્સ તરીકે જાણીતી સ્થાનિક કપડાં ભાડેથી આપતી દુકાનમાં કામ કરતા 30 વર્ષના ફયાઝ અહમદ દીદડ કહે છે, "અમારો ધંધો સંપૂર્ણપણે હિમવર્ષા પર નિર્ભર છે કારણ કે અમે ગુલમર્ગની મુલાકાત લેનારા પ્રવાસીઓને કોટ અને સ્નો બૂટ પૂરા પાડીએ છીએ. આજકાલ અમે 500-1000 રુપિયા પણ કમાતા નથી."
ડાબે: ટંગમર્ગમાં કોટ અને બૂટ સ્ટોર્સ તરીકે જાણીતી સ્થાનિક ગરમ કપડાં ભાડેથી આપતી દુકાનો ખાલી છે. જમણે: ફયાઝ અહેમદ (ડાબે) અને ફિરદૌસ અહમદ (જમણે) આશા રાખે છે કે બરફ પડશે (હિમવર્ષા થશે) અને ધંધામાં તેજી આવશે
કામની રાહ જોતા કપડાં ભાડેથી આપતી દુકાનના કર્મચારીઓ તેમના મોબાઈલ ફોન પર વીડિયો જુએ છે (ડાબે) અથવા નજીકના મેદાનમાં ક્રિકેટ રમે છે
દીદડ અને બીજા 11 કર્મચારીઓ આતુરતાથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ સારા દિવસોમાં જેટલું કમાતા હતા તેટલું કમાઈ શકે: 200 રુપિયાના એક લેખે રોજના 200 કોટ અને જેકેટ ભાડે આપીને રોજના 40000 રુપિયા. આજકાલ પ્રવાસીઓને શિયાળા માટેની ભારે રક્ષણાત્મક સામગ્રીની જરૂર પડતી નથી.
હિમવર્ષા ન થવાથી માત્ર પ્રવાસનની મોસમને જ અસર પહોંચે છે એવું નથી, પણ એ પછી પણ ઘણી સમસ્યાઓ ઊભીથાય છે. સ્કીઈંગ માર્ગદર્શક રીષિ કહે છે, "હિમવર્ષા ન થવાની અસર સમગ્ર ખીણમાં અનુભવાશે. પીવા માટે કે ખેતી માટે પાણી નહીં હોય. ટંગમર્ગમાં ગામોમાં તો અત્યારથી જ પાણીની તંગી અનુભવાઈ રહી છે."
શિયાળુ હિમવર્ષા સામાન્ય રીતે હિમશિલા અને દરિયાઈ બરફ જેવા (પૃથ્વી પરના સૌથી મોટા તાજા પાણીના ભંડાર ગણાતા) હિમમંડળ અનામત (ક્રાયોસ્ફિયર રિઝર્વસ) નું પુનર્ભરણ કરે છે. આ અનામત આ પ્રદેશની જળ સુરક્ષાનું સંચાલન કરે છે. મુસ્લિમ કહે છે, "હિમશિલા બરફની કોઈપણ અછત આપણી સિંચાઈ આધારિત ખેતી પર ગંભીર અસર કરશે. કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં ઉનાળામાં પીગળતો બરફ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ આજે આપણી પાસે પર્વતો પર બરફ જ નથી. ખીણમાં વસતા લોકોને મુશ્કેલી વેઠવી પડશે."
ટંગમર્ગમાં કપડાંની દુકાન પર દીદડ અને તેમના સાથીદારો તેમની ચિંતાઓ હળવી કરી શકતા નથી. "અહીં બાર લોકો કામ કરે છે, અને અમારા બધાના પરિવારમાં 3-4 સભ્યો છે." હાલના સંજોગોમાં તેઓ રોજના 1000 રુપિયા કમાય છે અને કમાણી સરખે ભાગે વહેંચવા પડે છે. સામાન વેચવા માટે નિયુક્ત માણસ (સેલ્સમેન) પૂછે છે, "અમે અમારા પરિવારોને ખવડાવીશું શી રીતે? આ હવામાન તો અમને મારી નાખે છે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક