ખેતરોમાં ચાલો, કે પછી તળાવમાં તરો, જુઓ આકાશમાંથી ઊતરી આવતું એક ત્રાંસુ કિરણ અને બદલાતા રંગો, જમીન પર કાન માંડો…સાંભળો. અને લોકોને તેમના જીવન અને પ્રેમ, આનંદ અને ઊંડા દુઃખ વિશે વાત કરતા સાંભળો. આ લાગણીઓને ફોટોગ્રાફમાં કેદ કરી લો, વાચકને ખેંચી જાઓ તે સ્થળની જમીન અને ત્યાંના લોકોના ચહેરાઓ સુધી.
આ છ ફોટો નિબંધો તમને ગ્રામીણ ભારત, શહેરી ભારત અને નાના નગરોના ભારતના હૃદય સુધી લઈ જાય છે. પશ્ચિમ બંગાળમાં લુપ્ત થતા કલા સ્વરૂપ અને અંતહીન ભૂખની, હિમાચલ પ્રદેશમાં ક્વિયર સમુદાયના આનંદ અને પ્રતિકારની, તમિળનાડુમાં તેમના પોતાના અનુભવોનું દસ્તાવેજીકરણ કરતા છેવાડાના સમુદાયોની અને તટીય કર્ણાટકમાં થતા લોકનૃત્યમાં ડ્રમના તાલે ગુલાંટિયા ખાતા લોકોની છબીઓ અસંખ્ય વાર્તાઓ કહી જાય છે - વિશાળ વૈવિધ્યસભર ભારતની – એના અલગ અલગ ભૂપ્રદેશોની, અલગ અલગ સમુદાયોની અને અલગ અલગ આજીવિકાઓની.
કેમેરા એ એક શક્તિશાળી સાધન છે, આત્મ-પ્રતિબિંબનો એક સ્ત્રોત જે આખરે બહારની તરફ ફેરવાય છે, અન્યાયને કચકડે કેદ કરવા માટે, અને કદાચ તેના નિવારણનો માર્ગ બનવા માટે પણ.
નીચેની વાર્તાઓ તમારા હૃદયને આનંદથી તરબતર કરી દેશે કે પછી એને હચમચાવી દેશે.
*****
' મારા વિદ્યાર્થીઓ તસવીરો દ્વારા તેમની વાર્તાઓ કહે છે' - એમ. પલની કુમાર
કેમેરા સાથેના શિક્ષક, પારી ફોટોગ્રાફર એમ. પલની કુમારના વર્ગો અને કાર્યશાળામાં હાથમાં પહેલી વાર કેમેરા પકડે છે સ્વચ્છતા કામદારોના બાળકો, માછીમાર મહિલાઓ અને બીજાઓ.

પલની કહે છે, ‘મારા વિદ્યાર્થીઓ તેમની પોતાની ઓછી જાણીતી વાર્તાઓ કહે એમ હું ઈચ્છતો હતો. આ કાર્યશાળામાં તેઓ તેમના રોજિંદા જીવનની ઘટનાઓની તસવીરો લઈ રહ્યા છે’

ઝીંગા પકડવા માટેની જાળ ખેંચવા તૈયાર ઈન્દિરા ગાંધી (ફોકસમાં)

પી. ઈન્દ્રાના પિતા પાંડીને 13 વર્ષની ઉંમરે સફાઈ કામદાર તરીકેનું કામ કરવાની ફરજ પડી હતી કારણ કે તેમના માતા-પિતાને પાંડીને ભણાવવાનું પોસાતું નહોતું – પાંડીના માતાપિતા પણ સફાઈ કામદારો હતા. તેમના જેવા બીજા કામદારો પણ યોગ્ય હાથ-મોજા અને બૂટના અભાવે ચામડીના રોગો અને સ્વાસ્થ્યને લગતી બીજી સમસ્યાઓથી પીડાય છે
*****
' માછલીઓએ મને સારો ફોટોગ્રાફર બનાવ્યો' - એમ. પલની કુમાર
તળાવમાંથી માછલીઓ પકડવામાં માહેર માછીમારોના સમુદાયમાં ઉછરેલા એક પારી ફોટોગ્રાફરની કલમે માછીમારોના રોજિંદા જીવનની વાત.

મને મારો કેમેરા મળ્યો ત્યારે મેં માછલીઓ પકડવા માટે તળાવોમાં જાળ ફેંકતા માછીમારો - પિચાઈ અન્ના, મોક્કા અન્ના, કાર્તિક, મારુદુ, સેંદિલ કલઈ (ફોટામાં) - ની તસવીરો લેવાનું પણ શરૂ કર્યું

માછીમારો મોટી સંખ્યામાં માછલીઓ પકડવા માટે મદુરાઈમાં જવાહરલાલપુરમમાં મોટા તળાવની આસપાસ ફરતા રહે છે

જવાહરલાલપુરમના મોટા તળાવમાં પાણીમાંથી જાળ કાઢતા માછીમારો. મોક્કા (છેક ડાબે) કહે છે કે તળાવના તળિયે પથ્થરો અને કાંટા હોય છે. 'જો કાંટો વાગી જાય તો અમે બરાબર ચાલી પણ શકતા નથી તેથી જાળ ફેંકતી વખતે અમારે ખૂબ કાળજી રાખવી પડે છે'
*****
ભૂખે મરતા સાબર લોકો - રિતાયન મુખર્જી
9 મી ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ પર, પશ્ચિમ બંગાળના સાબર આદિવાસી સમુદાયનો સંક્ષિપ્ત પરિચય. 70 વર્ષ પહેલાં તેમને બિન−સૂચિત કરાયા હોવા છતાં, હાંસિયામાં ધકેલી દેવાયેલા આ આદિવાસીઓ લાંછનનો સામનો કરવાનું ચાલુ રાખે છે, સંઘર્ષ કરે છે અને ભૂખે મરે છે. તેઓ તેમના ખોરાક અને આજીવિકા માટે ઘટતા જતા જંગલો પર નિર્ભર છે.

કમાણીની તકો ઓછી હોવાથી પશ્ચિમ મેદિનીપુર અને ઝાડગ્રામ જિલ્લાના સાબર સમુદાયમાં ભૂખમરો સ્પષ્ટપણે દેખાઈ આવે છે

કોનોક કુટાલનો હાથ (ડાબે) કાયમ માટે વિકૃત થઈ ગયો છે, કારણ કે જ્યારે તેમનો હાથ તૂટી ગયો હતો ત્યારે તેમને તબીબી મદદ મળી શકી ન હતી. તેમના ગામ, સિંગધુઇમાં ડોક્ટરો અને આરોગ્યસંભાળની પહોંચ બહુ ઓછી છે

કુપોષણના લક્ષણો દર્શાવતું બાળક
*****
મા બનબીબીના પાલ ગાન પર તોળાતો ખતરો - રિતાયન મુખર્જી
સુંદરવનમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા અનેક સંગીત નાટકોમાં બનબીબી પાલ ગાનનો પણ સમાવેશ થાય છે. ઘટતી જતી આવકે ઘણાંને સ્થળાંતર કરવા મજબૂર કર્યા છે, જેના કારણે આ લોક રંગભૂમિને જીવંત રાખતા કલાકારોની અછત સર્જાઈ છે.

એક પડદાની મદદથી શેરીથી અલગ કરાયેલ વેશભૂષા ખંડ, બનબીબી પાલ ગાનના સંગીત નાટક માટે એકઠા થયેલા પ્રેક્ષકો અને કલાકારોથી ધમધમી રહ્યો છે

કલાકારો મા બનબીબી, મા મનસા અને શિબ ઠાકુરને સમર્પિત પ્રાર્થના સાથે પાલ ગાનની શરૂઆત કરે છે

યુવાન બનબીબી અને નારાયણ વચ્ચે લડાઈનું દૃશ્ય ભજવતા કલાકારો
*****
ધર્મશાલામાં આત્મસન્માન ખાતર કૂચ - શ્વેતા ડાગા
હિમાચલ પ્રદેશની પ્રાઈડ માર્ચે ક્વિયર સમુદાયના અધિકારોની હિમાયત કરતી હતી, તેમાં સામેલ થવા રાજ્યના ગામડાઓ અને નાના-નાના નગરોમાંથી ઘણા લોકો આવ્યા હતા.

30 મી એપ્રિલ, 2023 ના રોજ હિમાલયની ધૌલાધર પર્વતમાળાનું ધર્મશાલા (જેને ધરમશાલા પણ કહેવાય છે) નગર તેની પહેલવહેલી પ્રાઈડ માર્ચનું સાક્ષી બન્યું હતું

આયોજકોમાંના એક અનંત દયાલે ટ્રાન્સ અધિકારોના પ્રતીકરૂપ ધ્વજ પકડ્યો છે

મનીષ થાપા (માઈક સાથે) પ્રાઈડ માર્ચ દરમિયાન ભાષણ કરે છે
*****
પિલી વેશા લોક કલા: તાલ પર નૃત્ય - નિતેષ મટ્ટુ
કર્ણાટકના દરિયાકાંઠાના યુવાનો આ જોશભર્યું લોકનૃત્ય કરે છે. સ્થાનિક સ્તરે પરસ્પર આર્થિક સહયોગથી આયોજિત થતું આ લોકનૃત્ય દશેરા અને જન્માષ્ટમીની આસપાસ યોજાતી તહેવારોની ઉજવણીનું અભિન્ન અંગ છે.

પિલી વેશા એ દશેરા અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રજૂ કરવામાં આવતું લોક નૃત્ય છે

જયકર પૂજારી એક નર્તકના શરીર પર વાઘના પટ્ટાઓ દોરે છે ત્યારે ( ડાબેથી જમણે) નિખિલ, ક્રિષ્ના, ભુવન અમીન અને સાગર પૂજારી પોતાના વારાની રાહ જુએ છે

કાળા વાઘના રૂપમાં રંગાયેલ પ્રજ્વલ આચાર્ય પોતાની શારીરિક દાવપેચની કુશળતા બતાવે છે. આ નૃત્યમાં હવે પરંપરાગત શૈલીને સ્થાને મુશ્કેલ શારીરિક દાવપેચો પર વધુ ભાર મૂકવામાં આવે છે
*****
અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને contact@ruralindiaonline.org પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો, શિક્ષકો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
પારી એ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે અને અમે (અમારા કામ માટે) અમારી બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની પ્રશંસા કરતા લોકોના દાન પર આધાર રાખીએ છીએ. જો તમે પારીમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક