રુબેલ શેખ અને અનિલ ખાન ગાડી હંકારી રહ્યા છે...પણ તેઓ (કે તેમની ગાડી) જમીનની નજીક ક્યાંય નથી. તેઓ લગભગ લંબરૂપ 80 ડિગ્રી ઢોળાવ પર આશરે 20 ફૂટ ઊંચે છે. અગરતલાના મેળામાં લોકોની મોટી ભીડ તાળીઓ પાડીને, બૂમો પાડીને તેમને પ્રોત્સાહિત કરી રહી છે. રુબેલ અને અનિલ ગાડીની બારીમાંથી બહાર નીકળી (ભીડને પ્રતિસાદ આપવા) હાથ હલાવે છે.
તેઓ મૌત-કા-કુઆં (મોતનો કૂવો) ના ખેલમાં રજૂઆત કરી રહ્યા છે - અહીં ગાડીઓ અને મોટર-સાઈકલોને 'દિવાલ' અથવા મંચની બાજુઓ પર ઊભી ચલાવી લોકોના મનોરંજન માટે જુદા જુદા ખતરનાક ખેલ કરવામાં આવે છે.
આ ખેલને 10-10 મિનિટના શોમાં વહેંચવામાં આવે છે, અને એ કલાકો સુધી ચાલુ રહે છે. આ મોતનો કૂવો એ લાકડાના પાટિયા વડે બનેલું કૂવા જેવું એક માળખું હોય છે અને મેળાઓમાં આ મોતનો કૂવો ઊભો કરવામાં ઘણા દિવસો લાગે છે. મોતના કૂવામાં (ગાડીઓમાં કે મોટર-સાઈકલો પર સવારી કરનાર) મોટા ભાગના સવારો આ કૂવો ઊભો કરવામાં પણ સામેલ હોય છે, આ માળખાની રચના ખેલ માટે અને તેમની સલામતી માટે ખૂબ મહત્ત્વની હોય છે.
ત્રિપુરાના અગરતલા ખાતે ઓક્ટોબર 2023 માં દુર્ગા પૂજા દરમિયાન યોજાયેલ આ મેળામાં 'મૌત-કા-કુઆં' નું અપશુકનિયાળ નામ ધરાવતો આ ખેલ આ મેળાના ઘણા આકર્ષણોમાંનો એક છે. મેળાના બીજા આકર્ષણોમાં ચકડોળ (ફેરિસ વ્હીલ), મેરી-ગો-રાઉન્ડ, ટોય-ટ્રેનોનો સમાવેશ થાય છે.

(મોતના કૂવામાં વાહન ચલાવનાર) સવારો જ આ કૂવા જેવું માળખું ઊભું કરતા હોય છે. અહીં પંકજ કુમાર (ડાબે) અને રુબેલ શેખ (જમણે) ત્રિપુરાના અગરતલામાં ઓક્ટોબર 2023 માં દુર્ગા પૂજા મેળા માટે મોતના કૂવાનું માળખું ઊભું કરવાનું કામ કરી રહ્યા છે

મેળો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં હોવાથી છેલ્લી ઘડીની થોડી ગોઠવણો કરવામાં આવી રહી છે
ખતરનાક ખેલ કરનાર (સ્ટંટમેન) રુબેલ કહે છે, "અમે દિવાલ પર કોઈપણ ગાડી ચલાવી શકીએ છીએ, પરંતુ મારુતિ 800 ગાડી અમને વધારે પસંદ છે કારણ કે એની બારીઓ મોટી છે અને [ખેલ દરમિયાન] એમાંથી બહાર નીકળવું સરળ છે." તેઓ કહે છે કે તેઓ ચાર યામાહા આરએક્સ-135 મોટર-સાઈકલોનો પણ ઉપયોગ કરે છે: "અમે જૂની મોટર-સાઈકલોનો ઉપયોગ કરીએ છીએ પણ તેને સારી સ્થિતિમાં જાળવીએ છીએ."
પશ્ચિમ બંગાળના માલદાના રુબેલ (વાહનચાલકોના) જૂથનું નેતૃત્વ કરે છે અને વાહનોના માલિક છે. રુબેલ કહે છે કે તેઓ છેલ્લા 10 વર્ષોથી પણ વધુ સમયથી આ જ મોટર-સાઈકલોનો ઉપયોગ કરે છે, પણ "તેની નિયમિત રીતે સર્વિસ થાય છે."
આ ખેલ ગ્રામીણ વિસ્તારોના કિશોરોને આકર્ષે છે. આ ખેલમાં પોતે કેવી રીતે આવ્યા તેનું વર્ણન કરતા ઝારખંડના ગોડ્ડા જિલ્લાના મોહમ્મદ જગ્ગા અંસારી કહે છે, “હું નાનો હતો ત્યારે મારા નગરમાં આવા મેળાઓ આવતા ત્યારે મને આ ખેલ ગમતો હતો,” અને તેથી તેઓ કિશોરવયે જ એક સર્કસમાં જોડાઈ ગયા હતા, શરૂઆતમાં તેઓ નાના-નાના કામોમાં મદદ કરતા હતા. 29 વર્ષના મોહમ્મદ કહે છે, "ધીમે ધીમે મેં સવારી કેવી રીતે કરવી તે શીખવાનું શરૂ કર્યું." તેઓ ઉમેરે છે, "આ કામને કારણે મને ઘણી બધી જગ્યાએ મુસાફરી કરવાની મળે છે એ મને ગમે છે."
બિહારના નાવદા જિલ્લાના વારિસઅલીગંજ ગામના પંકજ કુમારે પણ કિશોરવયે જ આ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. (તેઓ કહે છે): "મેં 10 મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી અને સવારી કરવાનું શીખવાનું શરૂ કર્યું હતું."
અંસારી અને પંકજની જેમ બીજા પ્રદર્શકો અને મોતના કૂવાનું માળખું અને મંચ બનાવનાર બીજાઓ સમગ્ર ભારતના જુદા જુદા ભાગોમાંથી આવે છે અને જૂથ સાથે જુદા જુદા મેળાઓમાં જાય છે. તેઓ સામાન્ય રીતે જ્યાં તેઓ રજૂઆત કરતા હોય ત્યાં જ મેળાની નજીકના તંબુઓમાં રહે છે. રુબેલ અને અંસારી જેવા કેટલાક તેમના પરિવાર સાથે મુસાફરી કરે છે, જ્યારે પંકજ કોઈ કામ ન હોય ત્યારે પોતાને ગામ પાછા ફરે છે.

ઝારખંડના ગોડ્ડા જિલ્લાના ઓગણત્રીસ વર્ષના અંસારી ખેલ દરમિયાન દર્શકના હાથમાંથી પૈસા એકઠા કરે છે અને એકઠી કરેલી નોટોની થપ્પી મોંમાં પકડી રાખે છે. તેઓ કહે છે, 'ખેલ દરમિયાન લોકો અમને જે આપે છે તે અમારી આવકનો મુખ્ય સ્ત્રોત છે'
મૌત-કા-કુઆં માટેનું કામ કૂવા જેવું માળખું ઊભું કરવાની સાથે શરૂ થાય છે. રુબેલ કહે છે, "તેને ઊભું કરવામાં 3 થી 6 દિવસ લાગે છે પરંતુ આ વખતે અમારી પાસે વધુ સમય નહોતો તેથી અમારે એ કામ ત્રણ દિવસમાં પૂરું કરી દેવું પડ્યું." તેઓ ઉમેરે છે કે જો તેમની પાસે સમય હોય તો તેઓ ધીમે ધીમે કામ કરે છે.
અંતે શોનો સમય થઈ ગયો છે અને લગભગ સાંજે 7 વાગે અગરતલામાં ઊમટી પડેલી ભીડ ટિકિટ ખરીદવા માટે લાઈન લગાવવા માંડે છે - (પુખ્ત વયના લોકો માટે) ટિકિટની કિંમત 70 રુપિયા છે અને બાળકો માટે મફત છે. દરેક શો 10 મિનિટ સુધી ચાલે છે, તેમાં ઓછામાં ઓછા ચાર લોકો બે ગાડીઓ અને બે મોટર-સાઈકલો પર ખતરનાક ખેલ કરે છે. તેઓ (બે ખેલ વચ્ચે) 15-20 મિનિટના વિરામ સાથે એક રાતમાં ઓછામાં ઓછા 30 વખત ખેલ કરે છે.
અગરતલાના આ મેળામાં આ ખેલ એટલો બધો લોકપ્રિય થઈ ગયો કે તેઓએ તેમનો આ ખેલ પાંચ દિવસને બદલે સાત દિવસ સુધી લંબાવ્યો હતો.
અંસારી કહે છે, "અમારું રોજનું મહેનતાણું 600 થી 700 રુપિયા હોય છે, પરંતુ ખેલ દરમિયાન લોકો અમને જે આપે છે તે અમારી આવકનો પ્રાથમિક સ્ત્રોત છે." ઘણા ખેલ થયા હોય તેવા મહિનામાં તેઓ 25000 રુપિયા સુધીની કમાણી કરી શકે છે.
રુબેલ જણાવે છે કે આ ખેલ આખા વર્ષ દરમિયાન યોજી શકાતો નથી: "વરસાદની મોસમમાં આ ખેલ કરવો મુશ્કેલ છે." જ્યારે આ કામ થઈ શકે તેમ ન હોય ત્યારે રુબેલ તેમના ગામ અને ખેતરોમાં પાછા ફરે છે.
પંકજ આ ખતરનાક ખેલના જોખમોને નકારતા કહે છે: “હું જોખમોથી ડરતો નથી. જો તમારા મનમાં ડર ન હોય તો ડરવા જેવું કંઈ નથી.” તેઓએ જેટલો સમય કામ કર્યું છે તે સમય દરમિયાન કોઈ પણ જીવલેણ અકસ્માતો થયા હોય એવું આ જૂથને યાદ નથી.
રુબેલ કહે છે, “અમે ખેલ કરીએ છીએ ત્યારે લોકોને જે આનંદ થાય છે તે મને ગમે છે.”

' કૂવા’ ની દિવાલ બનાવતા લાકડાના પાટિયા મેળાના મેદાનમાં બિછાવેલા છે. તેને લગભગ લંબરૂપ 80 ડિગ્રી ઢોળાવ પર 20 ફીટ ઊંચે ઊભા કરવામાં આવે છે

જગ્ગા અંસારી ( જમણે) પૂજા પંડાલ ( મંડપ) ની પાછળ તંબુ લગાવે છે. મેળા દરમિયાન સમગ્ર જૂથ આ તંબુમાં રહે છે

બિહારના નાવદા જિલ્લાના વારિસઅલીગંજ ગામના પંકજ કુમાર ( કાળું ટીશર્ટ) પ્રેક્ષકો માટેની ગેલેરી ઉભી કરે છે અને રુબેલ શેખ તેમને મદદ કરે છે

લોકોનું એક જૂથ થાંભલાને ખેંચે છે, આખું માળખું તૈયાર થઈ જાય પછી તંબુનું કવર આ થાંભલા પર રહે છે

ખેલમાં વપરાતી ચાર યામાહા આરએક્સ-135 મોટર- સાઈકલો કામચલાઉ કેમ્પની બાજુમાં રાખવામાં આવી છે, મેળાના દિવસોમાં સવારો અહીં રહે છે. રુબેલ શેખ કહે છે કે તેઓ છેલ્લા 10 વર્ષોથી પણ વધુ સમયથી આ જ મોટર- સાઈકલોનો ઉપયોગ કરે છે પરંતુ તેની સારી રીતે જાળવણી કરાય છે અને ' તેની નિયમિત રીતે સર્વિસ થાય છે'

જગ્ગા અંસારી ( ડાબે) અને પંકજ કુમાર ( જમણે) ખેલ દરમિયાન તેઓ જેના પર સવારી કરે છે તેમાંની એક મોટર- સાઈકલ સાથે પોટ્રેટ માટે ' મોતના કૂવા' ની અંદર પોઝ આપી રહ્યા છે

મેળાના મેદાનના પ્રવેશદ્વાર તરફ જતા રસ્તા પર જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું વેચાણ કરતા જુદા જુદા કામચલાઉ સ્ટોલ છે

ત્રિપુરાના અગરતલા ખાતે ઓક્ટોબર 2023 માં દુર્ગા પૂજા દરમિયાન યોજાયેલ આ મેળામાં ' મૌત- કા- કુઆં' એ આ મેળાના ઘણા આકર્ષણોમાંનો એક છે. ( મેળાના) બીજા આકર્ષણોમાં ચકડોળ ( ફેરિસ વ્હીલ), મેરી- ગો- રાઉન્ડ, ટોય- ટ્રેનોનો સમાવેશ થાય છે

મૌત- કા- કુઆંની ટિકિટો 70 થી 80 રુપિયામાં વેચાય છે, તેઓ ભીડના આધારે ટિકિટની કિંમત નક્કી કરે છે, પરંતુ બાળકોને મફતમાં ખેલ જોવાની છૂટ છે

મૌત- કા- કુઆંની પ્રેક્ષક ગેલેરીમાંથી દેખાતું મેળાનું મેદાન

દરેક ખેલ 10 મિનિટ સુધી ચાલે છે, જેમાં દિવાલ પર ઓછામાં ઓછી બે મોટર- સાઈકલો અને ગાડીઓ ચલાવવામાં આવે છે; ક્યારેક ત્રણ મોટર- સાઈકલોનો ઉપયોગ પણ થાય છે

એક પ્રેક્ષક આ ખેલનો વીડિયો લે છે. હંમેશ લોકોનો મનગમતો આ ખેલ આ મેળામાં એટલો તો લોકપ્રિય બન્યો કે તેઓએ તેમના ખેલને પાંચ દિવસને બદલે સાત દિવસ સુધી લંબાવ્યો હતો

ખેલ પછી એક પરિવાર પંકજ કુમાર, જગ્ગા અંસારી અને અનિલ ખાન સાથે ફોટો લે છે

રુબેલ શેખ એક ખેલ પછી તેમના દીકરા સાથે રમે છે. સામાન્ય રીતે સવારો બે ખેલ વચ્ચે 15 થી 20 મિનિટનો વિરામ લે છે. એક રાતમાં તેઓ ઓછામાં ઓછા 30 વખત ખેલ કરે છે

ખેલ દરમિયાન પંકજ કુમાર. તેઓ કહે છે, ' મેં 10 મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી અને સવારી કરવાનું શીખવાનું શરૂ કર્યું હતું'

ખેલ પછી પંકજ કુમાર એક નાના દરવાજામાંથી મોટર- સાઈકલ બહાર કાઢે છે

રુબેલ કહે છે, ' અમે ખેલ કરીએ છીએ ત્યારે લોકોને જે આનંદ થાય છે તે મને ગમે છે'

રુબેલ
જણાવે
છે
કે
આ
ખેલ
આખા
વર્ષ
દરમિયાન
યોજી
શકાતો
નથી.
જ્યારે
આ
કામ
થઈ
શકે
તેમ
ન
હોય
ત્યારે
રુબેલ
તેમના
ગામ
અને
ખેતરોમાં
પાછા
ફરે
છે
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક