પોતાના ઘરમાં ખુરશી પર શાંતિથી બેઠેલા ગોમા રામા હઝારે ઉદાસીનતાથી તેમના ગામના ખાલી મુખ્ય રસ્તા પર જોતા તેમનો સમય પસાર કરી રહ્યા છે.
ક્યારેક ક્યારેક તેઓ તેમના ખબરઅંતર પૂછવા તેમને ઘેર આવતા જતા-આવતા લોકો સાથે ગપસપ કરી લે છે. હઝારેએ લગભગ એક અઠવાડિયા પહેલા લાંબી માંદગીમાં તેમની પત્નીને ગુમાવ્યા હતા.
સાંજના 5 વાગ્યા છે, (2024 ના) એપ્રિલ મહિનાની મધ્યનો સમય છે અને ખૂબ જ ગરમી છે. ઉત્તર ગડચિરોલીના આર્મોરિ તાલુકાના વાંસ અને સાગના સમૃદ્ધ જંગલોની ગોદમાં વસેલું એક ગામ, પળસગાંવ, અસાધારણ રીતે શાંત છે. ગડચિરોલી-ચિમૂર લોકસભા મતવિસ્તાર માટે થોડા દિવસોમાં મતદાન થવાનું છે. બીજેપીના વર્તમાન સાંસદ અશોક નેતે આ બેઠક પર ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ કોઈ ઉત્સાહ, કોઈ ઉત્તેજના નથી. હકીકતમાં, ચિંતા છે.
છેલ્લા બે મહિનાથી ગોમા પાસે કોઈ કામ નથી. સામાન્ય રીતે આ સમય દરમિયાન બાસઠ-ત્રેસઠ વર્ષના આ ભૂમિહીન મજૂર અને તેમના જેવા ઘણા લોકો મહુઆ અથવા તેંદુ ભેગા કરતા હોય અથવા જંગલમાં વાંસ કાપતા હોય અથવા ખેતી સંબંધિત કામ કરતા હોય.
ગોમા કહે છે, "આ વર્ષે નહીં. પોતાના જીવનું જોખમ કોણ લે?"
ગોમા કહે છે, "લોકો પોતપોતાના ઘરમાં જ રહે છે." દિવસે ગરમી હોય છે. તમે બહાર જઈ શકતા નથી. ઘણા ગામો આવી સંચારબંધી માટે ટેવાયેલા છે કારણ કે ગડચિરોલી ચાર દાયકાઓથી સશસ્ત્ર સંઘર્ષથી પરેશાન છે અને સુરક્ષા દળો અને સશસ્ત્ર માઓવાદીઓ વચ્ચેના લોહિયાળ સંઘર્ષને કારણે ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. પરંતુ આ વખતે મહેમાનો અલગ છે અને જિંદગી અને આજીવિકા માટે સીધા ખતરારૂપ છે.
23 જંગલી હાથીઓના એક ઝૂંડે, જેમાં મોટાભાગે નાના મદનિયાંઓ સાથેની માદાઓ છે, પળસગાંવની નજીકમાં ધામા નાખ્યા છે.


એક તરફ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના પળસગાંવના એક ભૂમિહીન ખેડૂત ગોમા રામા હઝારે (ડાબે), ને આ ઉનાળામાં તેમના ગામની આજુબાજુમાં જંગલી હાથીઓના ઝૂંડની હાજરીને કારણે તેમની આજીવિકા જતી કરવી પડી છે. ગ્રામજનોને તેઓ સંસદમાં કોને ચૂંટશે તેના કરતાં વધારે ચિંતા આ જંગલી હાથીઓની છે. મહુઆ અને તેંદુ ભેગા ન કરી શકવાને કારણે બે મહિનામાં ગોમા અને તેમના પરિવારને માથાદીઠ સરેરાશ 25000 રુપિયા ગુમાવવાનો વારો આવશે


ડાબે: પળસગાંવમાં ખાલી શેરીમાં ચાલતા હજારે. જમણે: એપ્રિલની મધ્યમાં તાપમાનનો પારો ઊંચે ચડતા ગામ લગભગ વેરાન દેખાય છે. કેટલાક ઘરોમાં, મહુઆના ફૂલોને તડકામાં સૂકવવામાં આવી રહ્યા છે; આ ફૂલો નજીકના ખેતરોમાંથી એકઠા કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ સમયે ગામ મહુઆ અને તેંદુના પાનથી ભરેલું હોય. પણ આ વર્ષે એવું નથી
છેક ઉત્તર છત્તીસગઢથી એકાદ મહિનાથી ધીમે ધીમે, ભારે પગલે ચાલતું ચાલતું અહીં સુધી આવી પહોંચેલું આ હાથીઓનું ઝૂંડ અહીંના નાના નાના ઝાડવા અને વાંસના જંગલો અને ડાંગરનો પાક નિરાંતે આરોગી રહ્યું છે, અને ગ્રામજનો અને જિલ્લા વન અધિકારીઓને 'હવે શું થશે' એવા ભયથી ચિંતામાં મૂકી રહ્યું છે. ખાણકામ અને વનનાબૂદીને કારણે તેમના કુદરતી રહેઠાણ અને ઉત્તર તરફના કોરિડોરને અસર પહોંચતા લગભગ ચાર વર્ષ પહેલાં આ સસ્તન પ્રાણીઓ મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભ પ્રદેશમાં પ્રવેશ્યા હતા.
મહારાષ્ટ્રના ગોંદિયા, ગડચિરોલી અને ચંદ્રપુર એ ત્રણ જિલ્લાઓમાં અને છત્તીસગઢના બસ્તરમાં, જે અગાઉના 'દંડકારણ્ય'નો એક ભાગ હતો તેમાં થઈને આવેલું હાથીઓનું આ ઝૂંડ રાજ્યના વન્યજીવનમાં એક નવો ઉમેરો છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ હાથીઓ કદાચ છત્તીસગઢના એક મોટા ઝૂંડના છે, જેઓ કદાચ એ ઝૂંડથી છૂટા પડી ગયા છે.
ગડચિરોલી જીલ્લાના દક્ષિણના ભાગોમાં કેટલાક તાલીમબદ્ધ હાથીઓ હતા જે વન વિભાગને તેમના પરિવહન કાર્યમાં મદદ કરતા હતા, પરંતુ મહારાષ્ટ્રના પૂર્વીય ભાગોમાં દોઢ સદી અથવા કદાચ તેથીય વધુ સમય પછી જંગલી હાથીઓ પાછા ફરતા જોવા મળી રહ્યા છે. પશ્ચિમી ઘાટો માટે જંગલી હાથીઓની હાજરી નવી નથી.
વન અધિકારીઓએ પળસગાંવના ગ્રામજનો - મોટાભાગે આદિવાસી પરિવારો - ને જ્યાં સુધી આ મહાકાય મહેમાનો બીજા સ્થાને સ્થળાંતર ન કરે ત્યાં સુધી ઘરમાં જ રહેવા જણાવ્યું છે. અને તેથી (જનગણતરી 2011 અનુસાર) 1400 લોકોની વસ્તી ધરાવતા આ ગામ અને વિહિરગાંવ જેવા પડોશી ગામોના ભૂમિહીન લોકો અને નાના ખેડૂતોએ તેમની જંગલ આધારિત આજીવિકા જતી કરવી પડી છે.
રાજ્યનું વન વિભાગ પાકના નુકસાન માટે તાત્કાલિક વળતર આપે છે, પરંતુ વન પેદાશોમાંથી થતી આવકના નુકસાન માટે કોઈ વળતર મળતું નથી.
ગોમા કહે છે, “મારો પરિવાર આખાય ઉનાળા દરમિયાન મહુઆ અને તેંદુને આધારે જ જીવનનિર્વાહ ચલાવે છે."
આવકનો એ માર્ગ ન રહેતા પળસગાંવના લોકો જંગલી હાથીઓ આગળ વધે અને લોકોને કામ પર પાછા ફરવા દેવામાં આવે એ એકમાત્ર આશા રાખીને બેઠા છે.


ડાબે: વન અધિકારીઓએ પળસગાંવના રહેવાસીઓને કામ ફરીથી શરૂ કરવા માટે હાથીઓ બીજા સ્થાને સ્થળાંતર ન કરે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું છે. જમણે: પળસગાંવના ખેડૂત ફુલચંદ વાઘાડેને ગઈ મોસમમાં નુકસાન થયું હતું. તેઓ કહે છે કે તેમની ત્રણ એકરની ખેતીની જમીન પરનો ઊભો પાક હાથીઓએ પગતળે કચડી નાખ્યો હતો
ગડચિરોલીના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (સીસીએફ - મુખ્ય વન સંરક્ષક) એસ રમેશકુમાર કહે છે, "છેલ્લા ત્રણ ઉનાળાથી હાથીઓનું ઝૂંડ જે રીતે છત્તીસગઢની સીમા ઓળંગીને અહીં આવે છે એવું આ વખતે બન્યું નથી. કદાચ એક માદાએ (હાથણીએ) થોડા દિવસો પહેલા જ એક બચ્ચાને જન્મ આપ્યો છે એ કારણે."
તેઓ કહે છે કે હાથીઓના આ ઝૂંડમાં થોડાં બચ્ચાં (મદનિયાં) છે. હાથી સમાજ માતૃસત્તાક છે.
ગયા વર્ષે (2023 માં) આ જ ઝૂંડ પળસગાંવથી લગભગ 100 કિમી દૂર આવેલા ગોંદિયા જિલ્લાના નજીકના અર્જુનિ મોરગાંવ તહેસીલમાં આવેલ 11-પરિવારોની વસ્તી ધરાવતા નાંગલ-ડોહ વસાહતમાં ફરતું હતું, ત્યાં ગાઢ જંગલોમાં તે થોડા મહિના રોકાયું હતું.
વિજય મડાવી યાદ કરે છે કે હાલ ભર્નોલી ગામ નજીક અતિક્રમિત જમીન પર રહેતા લોકોમાંથી "તે રાત્રે કોઈનુંય ઝૂંપડું આ હાથીઓના પ્રકોપથી બચી શક્યું નહોતું." તેઓ યાદ કરે છે, "તેઓ મધરાતે અચાનક આવી ચડ્યા હતા."
તે રાત્રે નાંગલ-ડોહ વસાહત ખાલી કરાવવામાં આવી હતી અને લોકો ભર્નોલીની જિલ્લા પરિષદ શાળામાં સ્થળાંતરિત થયા હતા, 2023 ના આખા ઉનાળા દરમિયાન તેઓ ત્યાં જ રહ્યા હતા. ઉનાળાની રજાઓ પછી શાળા ફરી શરૂ થઈ ત્યારે તેઓએ ગામની સીમમાં જંગલની જમીનનો એક ભાગ સાફ કરીને ત્યાં વીજળી કે પાણીની સુવિધા વિનાની કામચલાઉ ઝૂંપડીઓ બાંધી હતી. મહિલાઓ એક ખેતરના કૂવામાંથી પાણી ભરવા માટે થોડા માઈલ ચાલીને જાય છે. પરંતુ તમામ ગ્રામવાસીઓએ એક સમયે ઝાડી-જંગલો સાફ કરીને તેઓ ખેડતા હતા એ, તેમની ખેતીની જમીનના નાના ટુકડા, ગુમાવી દીધા છે.
બીજા એક સ્થળાંતર કરનાર ઉષા હોળી પૂછે છે, "અમને અમારું પોતાનું ઘર ક્યારે મળશે?" તેઓ પુનર્વસન પેકેજ અને કાયમી ઘરની રાહ જોઈ રહ્યા છે.
આ ત્રણેય જિલ્લાઓમાં હાથીઓ તેમનું સ્થાન બદલે છે ત્યારે ખેડૂતો પાકના નુકસાનથી પીડાય છે, અગાઉ ક્યારેય આવી સમસ્યા નહોતી.


ગયા (2023 ના) ઉનાળામાં જંગલી હાથીઓએ ગોંદિયા જિલ્લાના અર્જુનિ મોરગાંવ તાલુકામાં નાંગલ-દોહ વસાહતના તમામ રહેવાસીઓની ઝૂંપડીઓ તોડી નાખી હતી. 11 પરિવારોએ નજીકના ભર્નોલી ગામમાં જંગલની જમીન પર કામચલાઉ ઝૂંપડીઓ ઊભી કરી છે. તેઓ રાજ્ય સરકાર તરફથી પુનર્વસન અને વળતર પેકેજ મળે તેની રાહ જોઈ રહ્યા છે
ઉત્તર ગડચિરોલી પ્રદેશમાં જંગલી હાથીના ઝૂંડને સાંભળવાની જટિલતા પર ભાર મૂકતા રમેશકુમાર કહે છે કે દક્ષિણ ભારતથી વિપરીત ઉત્તર ભારત ખૂબ ગીચ વસ્તી ધરાવે છે. સૌથી મોટી સમસ્યા પાકના નિકંદનની છે. આ હાથીઓ સાંજે તેમના વિસ્તારમાંથી બહાર આવે છે અને ભલે કદાચ ખાય નહીં તો પણ, ઊભા પાકને તેમના પગતળે કચડી નાખે છે.
વન અધિકારીઓ પાસે એક ઝડપી પ્રતિસાદ ટ્રેકિંગ ટીમ અને પ્રારંભિક ચેતવણી આપતા જૂથો કાર્યરત છે, જેઓ ડ્રોન અને થર્મલ ઇમેજિંગની મદદથી ચોવીસ કલાક આ હાથીઓના ઝૂંડનો પીછો કરે છે. હાથીઓ આગળ વધી રહયા હોય ત્યારે કોઈ સંઘર્ષ અથવા આકસ્મિક મુકાબલો ટાળવા માટે તેઓ ગ્રામજનોને ચેતવણી આપે છે.
સાંજે પડ્યે પળસગાંવમાં સાત એકર જમીન ધરાવતા ખેડૂત નીતિન માને અને પાંચ ગ્રામજનોનું જૂથ રાત્રિ જાગરણ માટેની હુલ્લા ગેંગમાં જોડાય છે. વન રક્ષક યોગેશ પંદરામની આગેવાની હેઠળ, માને જંગલી હાથીઓ પર નજર રાખતા જંગલોની ચારેતરફ ફરે છે. સ્થાનિક અધિકારીઓને મદદ કરવા અને ગામના યુવાનોને હાથીઓના આ ઝૂંડ પર નજર રાખવાની તાલીમ આપવા માટે જંગલી હાથીઓને સંભાળવામાં નિષ્ણાતોની હુલ્લા ગેંગને પશ્ચિમ બંગાળથી બોલાવીને પગાર આપીને કામે રાખવામાં આવી છે. નીતિન કહે છે કે, આ હાથીઓ પર હવાઈ નજર રાખવા માટે તેઓ બે ડ્રોન કાર્યરત રાખે છે અને હાથીઓનું ચોક્કસ સ્થાન ખબર પડ્યા પછી તેઓ તેમની આસપાસ ચાલે છે.
પળસગાંવના પહેલા મહિલા સરપંચ, એક માના આદિવાસી, જયશ્રી દડમલ કહે છે, " હાથીઓ ગામમાં ઘુસવાનો પ્રયાસ કરે તો તેમને ભગાડી મૂકવા માટે કેટલાક ગ્રામવાસીઓને હુલ્લા ગેંગમાં કામે લગાડવામાં આવ્યા છે." તેઓ કહે છે, "પણ આ મારે માટે માથાના દુખાવા જેવું થઈ ગયું છે; લોકો મને હાથીઓની ફરિયાદ કરે છે અને તેમની હતાશા મારા પર કાઢે છે. હાથીઓ માટે હું શી રીતે જવાબદાર છું?"


ડાબે: પળસગાંવનો એક યુવાન ખેડૂત, અનિલ માને, ઝડપી પ્રતિસાદ ટીમ હુલ્લા ગેંગનો ભાગ છે, આ ટીમને વન વિભાગ દ્વારા ડ્રોનની મદદથી જંગલી હાથીઓ પર નજર રાખવાના અને જો હાથીઓનું ઝૂંડ ગામની અંદર ઘુસવાનો પ્રયાસ કરે તો તેમને ભગાડી દેવાના કામે લગાડવામાં આવી છે. જમણે: વન અધિકારીઓની ટીમ અને હુલ્લા ગેંગના સભ્યો રાત્રિ જાગરણ માટે તૈયારી કરી રહ્યા છે


પળસગાંવના સરપંચ જયશ્રી દડમલ તેમના ખેતરમાંથી ટોપલી ભરીને મહુઆ લાવે છે, પરંતુ જંગલી હાથીઓની હાજરીથી ઊભા થયેલા જોખમને કારણે કોઈપણ ઉપજ એકત્રિત કરવા જંગલમાં જઈ શકતા નથી
મુસીબત એ છે કે જ્યારે પળસગાંવમાં ફરી એકવાર સામાન્ય સ્થિતિ થશે ત્યારે જે ગામોની આસપાસ જંગલી હાથીઓ ધામા નાખશે એ ગામો બંધનમાં આવશે. વન અધિકારીઓ કહે છે કે આ પ્રદેશે જીવનની અને જીવન જીવવાની નવી રીત તરીકે જંગલી હાથીઓથી ટેવાતા શીખવું પડશે.
જયશ્રીને ગ્રામજનો પ્રત્યે સહાનુભૂતિ છે કારણ કે આ વર્ષે તેમને પોતાને જંગલમાંથી મહુઆ ભેગા કરવાનું જતું કરવું પડ્યું છે. તેઓ કહે છે, "હાથીઓને કારણે અમને કદાચ તેંદુના પાંદડા ભેગા કરવા ન પણ મળે." પોતાની કમાણીને આધારે તેમનો અંદાજ છે કે બે મહિનામાં દરેક પરિવારને ઓછામાં ઓછું 25000 રુપિયાનું નુકસાન થશે.
ગોમા પૂછે છે, "પહિલેચ મહાગાઈ ડોક્યાવર આહે, આતા હત્તી આલે, કા કરાવે આમ્હી?" "મોંઘવારીની મુસીબત તો પહેલેથી જ હતી, હવે આ હાથી આવ્યા, અમારે કરવું શું?"
અહીં તેમના સવાલના કોઈ સરળ જવાબો નથી, છે ફક્ત વધુ ને વધુ સવાલો.
તેમાં સૌથી મહત્ત્વનો સવાલ એ નથી કે સંસદમાં કોણ આવશેઆવશે છોડશે, મહત્ત્વનો સવાલ એ છે કે જંગલો કોણ જલ્દી છોડશે.
(અનુસૂચિત જનજાતિ (શિડયુલ્ડ ટ્રાઈબ - એસટી) માટે અનામત ગડચિરોલી-ચિમુર લોકસભા મતવિસ્તારે 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન કર્યું હતું, મતદાનની ટકાવારી 71.88 ટકા રહી હતી).
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક