'ખેલા હોબે' (રમત ચાલુ છે) અને 'અબકી બાર 400 પાર' (આ વખતે આપણે 400નો આંકડો પાર કરીશું) વચમાં ઝડપાયેલું અમારું રાજ્ય જાણે નાનું ભારત જોઈ લો. સરકારી યોજનાઓ, ઉદ્યોગપતિ માફિયા, સરકારી દાન અને અસંતુષ્ટોના આંદોલનોનું અજબનું મિશ્રણ
અહીં છે મજૂરીમાં ફસાયેલા બેઘર સ્થળાંતરીતો અને નિરાશાહીન વતનમાં રખડતાં બેરોજગાર યુવાનો, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની હુંસાતુંસીમાં ફસાયેલા સામાન્ય લોકો, હવામાન પરિવર્તનથી પરેશાન ખેડૂતો અને કટ્ટરવાદી વાતો સામે લડતા લઘુમતીઓ. નસો તૂટે છે, શરીર ભાંગી રહ્યું છે. જ્ઞાતિ, વર્ગ, લિંગ, ભાષા, વંશ, ધર્મ, ચારેબાજુ હાહાકાર કરી રહ્યા છે.
જેમ જેમ આપણે આ ઝનૂનમાં ખેંચાતા જઈએ છીએ તેમ તેમ અમે સાંભળીએ છીએ અવાજો, ખૂબ મૂંઝવણભર્યા, લાચાર, ગૂંચવાયેલા, તેમ જ પેલા સત્તામાં-કોણ-કોનું-સગું-છે-એની-પરવા-ના-કરનારા. સંદેશખલીથી હિમાલયના ચાના બગીચાઓ સુધી, કલકત્તાથી રારહના ભુલાઈ ગયેલા પ્રદેશો સુધી, અમે એક રિપોર્ટર અને ચારણ ફરતા જઈએ છીએ. અમે સાંભળીએ છીએ, અમે એકઠું કરીએ છીએ, અમે છબીઓમાં ભરીએ છીએ, અમે બોલીએ છીએ.
અમે પશ્ચિમ બંગાળના સુંદરબન ડેલ્ટા ક્ષેત્રમાં એક આમ તો કંઈ ખાસ ના કહેવાય એવા ટાપુ સંદેશખલીથી શરૂઆત કરી, જે જમીન અને મહિલાઓના શરીર પરના કાબૂને લઈને ઘણી વખત રાજકીય વિવાદોમાં ફસાઈ ગયું છે.
શતરંજ
જીતનો ફટકો
ઈડીનો ઝટકો
સંદેશખલીમાં
બગાસાંનો વટ જો
સ્ત્રીઓ બને પ્યાદા
રડે ટીવીના શહેજાદા
“રામ, રામ, અલી અલી,” રામ રામ જપજો

મુર્શિદાબાદમાં ત્રિણમૂલ કોંગ્રેસની ગ્રાફિટી કહે છે 'ખેલા હોબે' (રમત ચાલુ છે)

મુર્શિદાબાદમાં દિવાલ પરની રાજકીય ગ્રાફિટી: 'તમે કોલસાનો ગોટાળો કર્યો, તમે બધી ગાયો ચોરી લીધી, એ તો ચાલો સમજ્યા પણ તમે તો ના છોડી નદીના પટની રેતી, ના છોડી અમારી પત્નીઓ અને દીકરીઓ સુદ્ધાં - બોલે છે સંદેશખલી


ડાબે: ઉત્તર કોલકાતાના પૂજા પંડાલમાં મહિલાઓ સામેની હિંસા સામે અવાજ ઊઠાવતું આ ઈન્સ્ટોલેશન: ફોનદી કોરે બોનંદી કોરો (તમે મને ગુલામીમાં ફસાવી છે). જમણે: સુંદરવન ખાતે બાલી ટાપુ પરના પ્રદર્શનમાં પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી દ્વારા પોસ્ટર મહિલાઓ સામે હિંસાની વાત કરે છે. ઓમર નારી, ઓમર નારી-નિર્જતાન બંધો કોરતે પારી (અમે મહિલાઓ છીએ. અમે મહિલાઓ સામેની હિંસાનો અંત લાવી શકીએ છીએ)
*****
જંગલ મહેલ તરીકે જાણીતા પ્રદેશના બાંકુરા, પુરુલિયા, પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામ જિલ્લાઓમાંથી પસાર થતાં, અમે મહિલા ખેડૂતો અને સ્થળાંતરિત ખેતમજૂરોને મળીએ છીએ.
ઝુમુર
દૂર દેશથી આવ્યા મજૂરો
રેતીમાં દફનાવ્યાં
જો
લાલ માટીનો દેશ મારો
વારતા જરી સાંભળજો જો
રેતીમાં દફનાવવામાં આવેલ,
પાણી બોલતાં લાગે પાપ
કરીએ અહીં બસ જળના જાપ
તરસ જંગલમહલની, ઓ મારા બાપ!


પુરુલિયામાં મહિલા ખેડૂતો પાણીની તીવ્ર અછત, ખેતીની આવકમાં ઘટાડો, આજીવિકાની સમસ્યાઓ જેવા સંઘર્ષો વચ્ચે જીવી રહ્યા છે
*****
દાર્જિલિંગ વિશ્વ માટે 'પહાડોની રાણી' ભલે હોય પરંતુ આ અત્યંત સુંદર બગીચાઓમાં પરિશ્રમ કરતીઆદિવાસી મહિલાઓ જેમની પાસે પોતાને રાહત આપવા માટે શૌચાલય નથી, એમને માટે તો એ કોઈ સ્વર્ગ નથી. આ વિસ્તારની મહિલાઓની અસમાનતા અને અસ્તિત્વ માટેનો સંઘર્ષ એટલે કે જ્યાં સુધી તેમના ભવિષ્યની વાત છે, તો એ તો સામે દીવાલ પર લખાયેલું છે!
કડક દેશી મસાલેદાર
બોલો, એકાદ કપ ચા લેશો?
વ્હાઈટ પીઓન, ઊલોન્ગ?
ભૂંજેલી? શેકેલી? ઊંચા ઘરાનાની લેશો?
કે પછી એકાદ કપ લોહી થઇ જાય?
કે પછી કોઈ આદિવાસી છોરી?
ઢસડાતી, ઉકળતી, "કેમ નહીં? હકથી લઈશું."

દાર્જીલિંગમાં સ્ત્રીઓની સ્થિતિ નિરૂપતું આ દીવાલચિત્ર જોવાનું ચૂકાય નહી
*****
મુર્શિદાબાદ માત્ર બંગાળના હાર્દમાં જ નથી, પણ બીજા અનેક ઝંઝાવાતોની વચમાં પણ છે, જે શાળા-નોકરીના કૌભાંડ સાથે ઊઠેલા. રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓમાં રાજ્યના શાળા સેવા આયોગ (એસએસસી) દ્વારા શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની મોટી સંખ્યામાં કરાયેલી ગેરકાનૂની નિમણૂકોને અમાન્ય બનાવતા ઉચ્ચ અદાલતના આદેશે યુવા દિમાગને શંકામાં મૂક્યા છે. બીડી બનાવતા એકમોમાં કામ કરતા હજુ 18 વર્ષના પણ નથી એવા યુવાનોને શિક્ષણની એમને માટે સારા ફળ લાવવાની ક્ષમતામાં ઓછો વિશ્વાસ છે. આવા શિક્ષણને બદલે તેઓ જેમ બને તેમ જલદી કામમાં જોડાવા અને કામની વધુ સારી તકો માટે સ્થળાંતર કરવા ઈચ્છે છે.
યોગ્ય વ્યક્તિ
ધરણામાં બેઠા
"નહીં ચાલે ભાઈ નહીં ચાલે, તાનાશાહી નહીં ચાલે"
પોલીસ મારે ડંડા, આવ્યા મિલિટરીના ઝંડા
જોઈએ સરકારી નોકરી
લાવો પૈસાની થોકરી
આ બાજુ ડંડાની માર, પણે મહોરોની બોછાર
ભેળસેળ ભેળસેળ ભેળસેળ

મુર્શિદાબાદમાં બીડી યુનિટમાં કામ કરતા ડ્રોપઆઉટ છોકરાઓ, જેમાં ઘણાખરા તો કિશોરો છે કહે છે, ‘મોટી-મોટી ડીગ્રી ધરાવતા લોકો બેકાર બેઠા છે. જેઓ પસંદગી પામ્યા હતા એમને પણ ક્યારેય પોસ્ટ્સ મળી નથી અને હવે તેઓ SSC હેઠળ જે નોકરીઓ મળવાની હતી તે માંગીને રસ્તા પર બેઠા છે. તો, આપણે ભણીને શું ઊંધું વાળવાના?'
*****
આખા વર્ષમાં ક્યારેય પણ જાઓ અમારા કોલકાતાની શેરીઓમાંથી ભીડ તો રહેવાની. વિરોધ કરતી મહિલાઓ મોટી સંખ્યામાં જોવા ય મળવાની. અને અન્યાયી કાયદાઓ અને મૂલ્યોના વિરોધમાં રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા લોકોના હાથ પણ દેખાવાના.
નાગરિક
અલ્યા એ ય કાગળના માણસ
ભાગ, ભાગ, દબાવી પૂંછડી ભાગ
ભાગ બાંગ્લાદેશી! બાંગ્લાદેશ ભાગ
જીવ વ્હાલો હોય તો અબઘડી તું ભાગ.
સીએએ મુર્દાબાદ
કહેજે કોઈ બીજાને ભાગ
બાંગ્લાદેશી! બાંગ્લાદેશી! ખાશે શીરો કે તું રોટી?

2019 માં કોલકાતામાં વિમેન્સ માર્ચ માટે વિવિધ મહિલા સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા કટઆઉટ્સ

કોલકાતામાં 2019 ની વિમેન્સ માર્ચ : વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિથી મહિલાઓ ધર્મ , જાતિ અને લિંગ પર આધારિત નફરત અને ભેદભાવને હરાવવાના આહ્વાન સાથે શેરીઓમાં સરઘસ લઇ આવી

CAA-NRC ના વિરોધમાં થયેલ રાષ્ટ્રવ્યાપી વિરોધ ચળવળ દરમ્યાન કોલકાતાના પાર્ક સર્કસ મેદાન ખાતે મુસ્લિમ મહિલાઓ દ્વારા યોજવામાં આવેલ પ્રદર્શન
*****
બીરભૂમમાં ખેતી પર નિર્ભર ગામડાઓમાં અમે ભૂમિહીન આદિવાસી મહિલાઓ સાથે રૂબરૂ થયા. કૌટુંબિક જમીન ધરાવતી કેટલીક સ્ત્રીઓનો પણ જમીનની બાબતમાં ઝાઝો અવાજ ન હતો.
શુન્દ્રાણી
ઓ બાબુ, આ જો મારો માટીનો પટ્ટો
જાણે ફાટ્યો-તૂટ્યો લાલ દૂપટ્ટો.
આપ એક મુઠ્ઠી ધાન તું, દઇદે જીવતરનું દાન તું
હું રહી ખેડૂત, ના ધણિયાણી ખેડૂતની
આવ્યો દુકાળ મૂઓ
ને ગયો મારો પટ્ટો જુઓ
હું હજુય ખેડૂત, કે વ્હેમ સરકારનો?


‘ અમારી પોતાની જમીન નથી . અમે ખેતરોમાં કામ કરીએ છીએ પણ મુઠ્ઠીભર અનાજની ભીખ માંગીએ છીએ ,' પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ડાંગર કાપતા સંતાલી ખેત કામદાર કહે છે
*****
અહીંના સામાન્ય લોકો સત્તામાં રહેલા લોકોને જવાબદાર બનાવવા માટે ચૂંટણીના સમયની રાહ જોતા નથી. મુર્શિદાબાદ, હુગલી, નાદિયાની મહિલાઓ અને ખેડૂતો દેશવ્યાપી ચળવળોને સમર્થન આપવા માટે વારંવાર બહાર આવ્યા છે.
હથોડા
વ્હાલીડા અશ્રુગેસ મારા
છોડ્યા હવામાં ઠાલા –
લાગ્યાં જો કારખાનાને તાળાં,
ભક્ષક માછલીઓનાં મોં ઉઘાડાં.
કાળી કાળી દીવાલો
ને કાળાં પરસેવાના પાણી
અમારી રોજી રોટી
ગયો રંગ કેસરિયો તાણી


ડાબે: 18 જાન્યુઆરી, 2021ના રોજ અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિ (AIKSCC) દ્વારા આયોજિત મહિલા કિસાન દિવસ રેલી . જમણે: ‘તેઓ અમારી પાસે આવતા નથી. તેથી, અમે અહીં તેમને કહેવા આવ્યા છીએ કે અમને શું જોઈએ છે!’ 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ અખિલ ભારતીય કિસાન સભા (AIKS) રેલીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો કહે છે
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા