મારી સામે તેમના ફોનમાં વૉટ્સઍપ પર એક સંદેશ બતાવતાં 30 વર્ષીય શાહિદ હુસૈન મને કહે છે, “યે બારાહ લાખવાલા ના? ઇસી કી બાત કર રહે હૈ ના?” તે આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને રૂ. 12 લાખ થઈ તેની વાત કરે છે. શાહિદ બેંગલુરુમાં મેટ્રો લાઇન પર કામ કરતી નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપનીમાં ક્રેન ઓપરેટર છે.
તે જ સાઇટ પર કામ કરતા બ્રિજેશ યાદવ થોડા તુચ્છકાર સાથે કહે છે, “અમે આ 12 લાખ પર કરમુકિતવાળા બજેટ વિશે ઘણું સાંભળી રહ્યા છીએ. અહીં વર્ષે કોઈ 3.5 લાખ રૂપિયાથી વધુ કમાતું જ નથી.” 20 વર્ષીય બ્રિજેશ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના ડુમરિયા ગામના એક બિનકુશળ સ્થળાંતરિત મજૂર છે.
બિહારના કૈમૂર (બબુઆ) જિલ્લાના બિઉરના શાહિદ કહે છે, “જ્યાં સુધી આ કામ ચાલશે, ત્યાં સુધી અમે દર મહિને લગભગ 30,000 રૂપિયા કમાઈશું.” તેઓ કામની શોધમાં ઘણા રાજ્યોમાં ગયા છે. “આ નોકરી પછી, કાં તો કંપની અમને બીજે મોકલે છે, કાં અમે અન્ય કામ શોધીએ છીએ જેમાં 10-15 રૂપિયા કમાઈ શકીએ.”


ક્રેન ઓપરેટર શાહિદ હુસૈન (નારંગી શર્ટમાં), બ્રિજેશ યાદવ (વાદળી શર્ટમાં સજ્જ અકુશળ કામદાર) રાજ્યની અંદર અને બહારના અન્ય ઘણા સ્થળાંતરિત કામદારો સાથે બેંગલુરુમાં NH44 સાથે મેટ્રો લાઇન પર કામ કરે છે. તેઓ કહે છે કે આ સાઇટ પર કામ કરનાર કોઈ પણ વ્યક્તિ વર્ષમાં 3.5 લાખથી વધુ કમાતી નથી


ઉત્તર પ્રદેશના નફીસ બેંગલુરુમાં ફેરિયા તરીકે કામ કરીને રોજી રળતા શ્રમિક મજૂર છે. આજીવિકા મેળવવા માટે તેમણે પોતાના ગામથી 1,700 કિલોમીટર દૂર આવવું પડ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહેલા તેમની પાસે બજેટની ચિંતા કરવા માટે વધુ સમય નથી
રસ્તાની આજુબાજુના ટ્રાફિક જંક્શન પર, યુપીના અન્ય એક પ્રવાસી વિન્ડો શીલ્ડ, કાર નેક સપોર્ટ, માઇક્રોફાઇબર ડસ્ટર અને અન્ય વસ્તુઓ વેચી રહ્યા છે. તેઓ દરરોજ નવ કલાક રસ્તા ઉપર લોકોને આ વસ્તુઓ વેચતા રહે છે, જંક્શન પર રાહ જોઈ રહેલી કારની બારીઓ ખખડાવે છે. નફીસ મારા પ્રશ્નોથી દેખીતી રીતે નારાજ છે, “અરે કા બજેટ બોલે? કા ન્યૂસ? [અરે, હું કયા બજેટની વાર કરું ને કેવા સમાચાર વળી?]”
સાત સભ્યોના પરિવારમાં તેઓ અને તેમના ભાઈ જ કમાય છે. તેઓ અહીંથી 1,700 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ભરતગંજના છે. “અમે કેટલું કમાઈએ છીએ એ અમારા કામ પર નિર્ભર કરે છે. આજ હુઆ તો હુઆ, નહીં હુઆ તો નહીં હુઆ. [આજે કંઈ કમાઉં તો કમાઉં; નહીં, તો નહીં.]” જ્યારે હું કમાઉં છું ત્યારે હું લગભગ 300 રૂપિયા જેટલી આવક થાય છે. શનિ-રવિવારે 600 સુધી કમાણી થઈ શકે છે.
“ગામમાં અમારી પાસે જમીનની ટુકડો સુધ્ધાં નથી. જો અમે કોઈના ખેતરને ગણોતિયા તરીકે ભાડે લઈએ, તો તે ‘50:50ની સિસ્ટમ’ છે.” એટલે કે, તેમણે તમામ ખર્ચમાં અડધો ભાગ આપવો પડે છે — પાણી, બીજ અને બધામાં. “મહેનત મજૂરી અમે જ કરીએ છીએ — છતાં અમારે અડધો પાક આપી દેવો પડે છે. આ રીતે અમે ગુજરાન ચલાવી શકતા નથી. શું કહું બજેટ વિશે, કહો?” નફીસ જરાક અધીરા થાય છે. ટ્રાફિક સિગ્નલ ફરીથી લાલ થઈ જાય છે અને તેઓ રસ્તા વચ્ચે પોતાની ઇન્સ્યુલેટેડ કારમાં થોભેલ સંભવિત ગ્રાહકોને સિગ્નલ લીલા થવાની રાહ જોતા જોઈ રહે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ