તમિળનાડુના વડનમ્મેલી ગામમાં મોડી સાંજનો સમય છે. શ્રી પુન્નીઅમ્મન તેરુક્કૂત મન્ડ્રમના સભ્યો કારિયક્કૂતની રજૂઆત માટે તૈયાર થઈ રહ્યા છે. હંમેશની જેમ, આ પણ અનેક પાત્રો અને બહુવિધ વેશભૂષાના બદલાવ સાથેનો એક સાંજથી શરુ કરીને સવાર સુધી ચાલનારો ખેલ છે.
નેપથ્યમાં 33 વર્ષના શર્મીએ મેક-અપ કરવાનું શરૂ કરી દીધું છે. પોતાની લિપસ્ટિક બનાવવા તેલમાં લાલ પાવડર ભેળવતી વખતે તેઓ અરિદારમ (મેક-અપ) ના કેટલાક મૂળભૂત નિયમો સમજાવે છે: “પુરુષો અને મહિલાઓ માટેના અરિદારમ અલગ-અલગ હોય છે. પાત્ર અને ભૂમિકાની લંબાઈ પ્રમાણે પણ તે અલગ-અલગ હોય છે.”
શર્મી, તમિળનાડુના સૌથી જૂના પર્ફોર્મિંગ આર્ટ સ્વરુપોમાંના એક મનાતા તેરુક્કૂતને સમર્પિત રંગભૂમિ કંપની શ્રી પુન્નીઅમ્મન તેરુક્કૂત મન્ડ્રમ ખાતે 17-સભ્યોની ટીમના ચાર પરલૈંગિક કલાકારોમાંના એક છે. શર્મી કહે છે, “મારી પહેલાની પેઢીના લોકો પણ તેરુક્કૂત કરતા હતા. એ કેટલું જૂનું છે એનો મને ચોક્કસ ખ્યાલ નથી."
તેરુક્કૂત અથવા શેરી નાટક, મહાકાવ્યોની, સામાન્ય રીતે મહાભારત અને રામાયણની વાર્તાઓ પર આધારિત હોય છે, તેના ખેલ આખી રાત ચાલતા હોય છે. તેરુક્કૂતની સીઝન સામાન્ય રીતે પંગુનિ (એપ્રિલ) અને પુરટ્ટાસિ (સપ્ટેમ્બર) મહિનાની વચ્ચે આવે છે. આ સમયગાળા દરમિયાન શર્મી અને તેમની ટુકડી લગભગ દર અઠવાડિયે તેરુક્કૂતના ખેલ કરે છે, એક મહિનામાં તેઓ લગભગ 15-20 ખેલ કરે છે. એક ખેલના 700-800 રુપિયા લેખે કલાકાર દીઠ 10000-15000 ની આવક થાય.
જો કે, એકવાર સીઝન પૂરી થઈ જાય પછી આ કલાકારોને આવકના વૈકલ્પિક સ્ત્રોતો શોધવાની ફરજ પડે છે, જેમાં તેરુક્કૂતની ધાર્મિક વિધિ-આધારિત આવૃત્તિ, કારિયક્કૂત, જેના ખેલ માત્ર અંતિમ સંસ્કાર વખતે જ કરવામાં આવે છે તેનો પણ સમાવેશ થાય છે. શર્મી કહે છે, “કોઈનું મૃત્યુ થાય તો અમને અઠવાડિયાના એક કે બે ખેલ મળે." તેઓ તિરુવલ્લુર જિલ્લામાં પટ્ટરઈપેરુમ્બુદુરમાં આવેલા તેમની નાટક કંપનીના ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર વડનમ્મેલીમાં કારિયક્કૂતના ખેલની તૈયારી કરી રહ્યા હતા.


શર્મી વડનમ્મેલી ગામમાં તેમના તેરુક્કૂતના ખેલ માટે તૈયાર થઈ રહ્યા છે. તેમણે મહાકાવ્યોની, સામાન્ય રીતે મહાભારત અને રામાયણની વાર્તાઓ પર આધારિત શેરી નાટકનું એક સ્વરૂપ તેરુક્કૂત ભજવવાનું શરૂ કર્યું એ વાતને ચાર વર્ષ થઈ ગયા છે


પોતાની લિપસ્ટિક બનાવવા માટે તેલમાં લાલ પાવડર ભેળવતી વખતે તેઓ અરિદારમ (મેક-અપ) ના કેટલાક મૂળભૂત નિયમો સમજાવે છે: 'પુરુષો અને મહિલાઓ માટેના અરિદારમ અલગ-અલગ હોય છે. પાત્ર અને ભૂમિકાની લંબાઈ પ્રમાણે પણ તે અલગ-અલગ હોય છે'
કૂત માટે 'મંચ' તૈયાર છે. મૃતકના ઘરની બહાર કાપડનો તંબુ લગાવવામાં આવ્યો છે અને શેરીમાં કાળી ચાદર પાથરી દેવામાં આવી છે. ઘરની સામે મૂકવામાં આવેલો ચિરવિદાય પામેલ વ્યક્તિનો ફોટો તેની આસપાસ રાખેલા નાના દીવાઓમાંથી ઝળહળતા પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. શેરીમાં ગોઠવેલ પાટલીઓ, વાસણો અને ટેબલ ભોજન માટેની ગોઠવણ સૂચવે છે.
શર્મી કહે છે, “જ્યારે આખું ગામ શાંત થઈ ગયું હોય ત્યારે અમે વાદ્યો તૈયાર કરવાનું શરૂ કરીએ છીએ, અમે ખાતરી કરી લઈએ છીએ કે બધા વાદ્યો બરોબર ટ્યુન્ડ છે અને સાંભળી શકાય છે. અમે મેક-અપ લગાવવાનું પણ શરૂ કરીએ છીએ." મુડી (તાજ, ખેલ માટે પહેરવામાં આવતા આભૂષણોમાંનું એક) માટે પૂસઈ (આહુતિ) ની સાથે રાત્રે 10 વાગ્યાની આસપાસ કૂત શરૂ થાય છે. તેઓ સમજાવે છે, “પૂસઈ એ નાટકને માન આપવા માટે છે. નાટક સફળ થાય અને કલાકારો સહીસલામત પોતાને ઘેર પાછા ફરે એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ."
આજે સાંજનું નાટક, મિન્નલોલી શિવ પૂજા, મહાભારતના પાંડવ રાજકુમાર અર્જુનન (અર્જુન) અને તેમની આઠ પત્નીઓ વિશેની વાર્તા પર આધારિત છે. મહાકાવ્યના પાત્રોના નામો અને તેમના એકબીજા સાથેના સંબંધો વિષે ઝડપભેર વાત કરતા શર્મી કહે છે, “હું તમામ આઠ ભૂમિકાઓ ભજવી શકું છું [પણ] આજે હું ભોગવતીની ભૂમિકા ભજવી રહી છું,"
તેઓ સમજાવે છે, રાજા મેગરાસન (વાદળોના રાજા) અને રાણી કોડિક્કલાદેવીના દીકરી મિન્નલોલી (વીજળી) અર્જુનની આઠ પત્નીઓમાંના એક હતા, જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમના લગ્ન અર્જુન સાથે કરાવવામાં આવ્યા હતા. તરુણાવસ્થામાં પહોંચ્યા પછી તેમણે પોતાના માતા-પિતાને પોતાના પતિ વિશે પૂછ્યું ત્યારે તેઓ તેમના પતિને મળી શકે એ પહેલા 48 દિવસ સુધી તેમને શિવપૂસઈ કરવાનું (ભગવાન શિવને આહુતિ આપવાનું) કહેવામાં આવ્યું. મિન્નલોલીએ 47 દિવસ સુધી આ વિધિનું ખંતપૂર્વક પાલન કર્યું. 48 મા દિવસે તેઓ પૂસઈ કરે તે પહેલાં અર્જુન તેમને મળવા પહોંચ્યા. તેમણે અર્જુનને મળવાનું ટાળ્યું, અને પૂસઈ પૂરું થતા સુધી રાહ જોવાની વિનંતી કરી; પરંતુ અર્જુને તેમની વિંનતી કાને ન ધરી. આખું નાટક આ ઘટનાની આસપાસ અને એ ઘટના પછી ભગવાન કૃષ્ણના આગમન પહેલાં આવતા વળાંકોની આસપાસ ફરે છે, છેવટે વાર્તાનો સુખદ અંત સુનિશ્ચિત કરવા ભગવાન કૃષ્ણ આવે છે અને મિન્નલોલી અને અર્જુન ફરીથી એક થાય છે.


ડાબે: નાટક માટે પહેરવામાં આવતા આભૂષણોમાંના એક મુડી (તાજ) માટે આહુતિની સાથે ખેલ રાત્રે 10 વાગ્યે શરૂ થાય છે. જમણે: તેરુક્કૂત માટે મંચ તૈયાર છે
શર્મી તેમના હોઠ પર મઈ (કાળી શાહી) લગાવવા માંડે છે. તેઓ કહે છે, "મને હોઠ પર મઈ લગાવતી જોઈને ઘણા લોકોએ એવું કરવાનું શરૂ કર્યું છે. લોકો હવે મને શું હું મારા મેકઓવરને કારણે મહિલા છું? એવું પૂછે છે. [હું ઇચ્છું છું કે] જ્યારે મેકઓવર કરીને બહાર જાઉં ત્યારે પુરુષોની નજર મારા પરથી હટવી ન જોઈએ.’’
શર્મીને "મેકઅપનો એટલો બધો શોખ" છે કે કેટલાક વર્ષો પહેલા તેમણે બ્યુટિશિયનનો છ મહિનાનો અભ્યાસક્રમ પણ પૂરો કર્યો હતો. "પરંતુ [લિંગ સંક્રમણ] પહેલાં મને મહિલાઓનો મેક-અપ કરવા દેવામાં આવતો નહોતો."
શર્મીને અરિદારમ કરવામાં લગભગ દોઢ કલાક જેટલો સમય લાગે છે. તેઓ સાડી પહેરીને ભોગવતી ‘લુક’ પૂરો કરે છે. તેઓ કહે છે, “સાડી કેવી રીતે પહેરવી તે મને કોઈએ શીખવ્યું નથી. હું જાતે જ સાડી પહેરતા શીખી છું. મેં જાતે જ મારા નાક અને કાન વીંધ્યા છે. હું બધું જાતે જ શીખી છું."
23 વર્ષની ઉંમરે કરાવેલી લિંગ સમર્થનની શસ્ત્રક્રિયા વિષે તેઓ કહે છે, “માત્ર શસ્ત્રક્રિયા ડૉક્ટર દ્વારા કરવામાં આવી હતી. જો મને શસ્ત્રક્રિયા કેવી રીતે કરવી એ આવડતું હોત, તો મેં એ પણ જાતે કરી લીધી હોત. પરંતુ એને માટે મારે દવાખાનામાં 50000 રુપિયા ખર્ચવા પડ્યા હતા."
તેઓ કહે છે, "પરલૈંગિક મહિલા સાડી પહેરે એ હજી સામાન્ય નથી. બીજી મહિલાઓની જેમ અમે સાડી પહેરીને શેરીઓમાં સરળતાથી ચાલી શકતા નથી." જોકે, પરલૈંગિક મહિલાઓને અવારનવાર વેઠવી પડતી દાદાગીરી અને હેરાનગતિથી તેમના વ્યવસાયને કારણે તેમને થોડું રક્ષણ મળી રહે છે. તેઓ ઉમેરે છે, "હું રંગભૂમિની કલાકાર છું એટલે લોકો મને માન આપે છે."


શર્મીને પોતાનો મેક-અપ કરવામાં (ડાબે) લગભગ દોઢ કલાક લાગે છે. તેઓ કહે છે, ‘મને હોઠ પર મઈ [કાળી શાહી] લગાવતી જોઈને ઘણા લોકોએ એવું કરવાનું શરૂ કર્યું છે. તેઓ બીજા સહાયક કલાકારોનો મેક-અપ કરવામાં મદદ કરે છે


ખેલની તૈયારી માટે મેક-અપ લગાવતા પુરૂષ કલાકારો
*****
શર્મી પોતાના ટોપા (વિગ) માં કાંસકો ફેરવતા કહે છે. "હું [તમિળનાડુના] તિરુવલ્લુર જિલ્લાના ઈક્કાડ ગામની છું." બાળપણમાં પણ તેમને ગાવાનું અને સંવાદ બોલવાનું કુદરતી રીતે જ આવડતું હોવાનું યાદ કરતા તેઓ કહે છે, “નાનપણમાં જ હું રંગભૂમિના પ્રેમમાં પડી ગઈ હતી. મને [રંગભૂમિનું] બધું જ ગમતું - મેક-અપ, વેશભૂષા. પરંતુ એક દિવસ હું રંગભૂમિની કલાકાર બનીશ એવું તો મેં સપનામાંય વિચાર્યું નહોતું.”
નૃત્ય અને તાલના સંયોજનથી રજૂ કરતા શેરી ખેલ, 'રાજા રાણી ડાન્સ' સાથે તેમની રંગભૂમિની સફર શી રીતે શરૂ થઈ એ તેઓ યાદ કરે છે. તેઓ ઉમેરે છે, “પછી, લગભગ દસ વર્ષ સુધી, મેં સમકાલીન વાર્તાઓના તેરુક્કૂત મંચ રૂપાંતરણોમાં અભિનય કર્યો. મેં તેરુક્કૂત કરવાનું શરૂ કર્યાને લગભગ ચાર વર્ષ થઈ ગયા છે.''
નેપથ્યમાં સહાયક કલાકારોએ અરિદારમ લગાવવાનું શરૂ કરી દીધું છે; શર્મી તેમના સંસ્મરણોની વાતો કરવાનું ચાલુ રાખે છે. તેઓ યાદ કરે છે, “મારા પરિવારે મારો ઉછેર એક છોકરી તરીકે કર્યો હતો. એ સાવ સ્વાભાવિક લાગતું હતું." તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે તેમને તેમની પરલૈંગિક ઓળખ વિશે જાણ થઈ. તેઓ ઉમેરે છે, "પરંતુ મને ખબર નહોતી પડતી કે બીજા લોકોને તેનો અહેસાસ કેવી રીતે કરાવવો."
એ એક સરળ સફર નહોતી, જેનો તેમને આગળ જતા ખ્યાલ આવવાનો હતો. શાળામાં દાદાગીરી સહન ન થતા તેમણે 10 મા ધોરણ પછી અધવચ્ચે ભણવાનું છોડી દીધું હતું. તેઓ કહે છે, “એ સમયે તિરુડા તિરુડી નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્ગના છોકરાઓ મારી આસપાસ ભેગા થતા અને વંડારકુળલી ગીત [પરલૈંગિક વ્યક્તિઓ માટેના અભદ્ર સંદર્ભોવાળું એક લોકપ્રિય ગીત] ની કડીઓ ગાઈને મને ચીડવતા. એ પછી મેં શાળાએ જવાનું બંધ કરી દીધું."
તેઓ કહે છે, “મેં શાળાએ જવાનું [શા માટે] બંધ કરી દીધું હતું એ હું મારા માતા-પિતાને કહી શકી નહીં. તેઓ એ સમજી શકે તેમ નહોતા. તેથી મેં કશું જ કહ્યું નહીં. કિશોરાવસ્થાની શરુઆતમાં હું ઘેરથી ભાગી ગઈ હતી અને 15 વર્ષ પછી પાછી ફરી હતી."
ઘર વાપસી ખાસ સરળ ન હતી. જ્યારે તેઓ ઘરથી દૂર હતા ત્યારે તેમના બાળપણના ઘરને ભારે નુકસાન થયું હતું અને તે રહેવાલાયક રહ્યું નહોતું, પરિણામે તેમને ભાડાનું ઘર શોધવાની ફરજ પડી હતી. શર્મી કહે છે, “હું આ ગામમાં મોટી થઈ હતી પણ અહીં મને ભાડા પર ઘર ન મળ્યું કારણ કે હું પરલૈંગિક વ્યક્તિ છું. તેઓ [મકાનમાલિકો] માને છે કે અમે ઘેર દેહ વ્યાપારનો વ્યવસાય કરીએ છીએ.’’ આખરે તેમને ગામથી દૂર ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું.


'નાનપણમાં જ હું રંગભૂમિના પ્રેમમાં પડી ગઈ હતી. મને [રંગભૂમિનું] બધું જ ગમતું - મેક-અપ, વેશભૂષા. પરંતુ એક દિવસ હું રંગભૂમિની કલાકાર બનીશ એવું તો મેં સપનામાંય વિચાર્યું નહોતું'


તેઓ યાદ કરે છે, 'મારા પરિવારે મારો ઉછેર એક છોકરી તરીકે કર્યો હતો. એ સાવ સ્વાભાવિક લાગતું હતું.' શાળામાં દાદાગીરી સહન ન થતા તેમણે 10 મા ધોરણ પછી અધવચ્ચે ભણવાનું છોડી દીધું હતું. શર્મી હવે તેમના 57 વર્ષના માતા (જમણે) અને 10 બકરીઓ સાથે રહે છે, જે મહિનાઓ દરમિયાન તેરુક્કૂતના ખેલ થતા નથી ત્યારે આ બકરીઓ જ તેમને માટે આવકનો સ્ત્રોત છે
શર્મી [અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ] આદિ દ્રાવિડર સમુદાયના છે , હવે તેઓ તેમના 57 વર્ષના માતા (જમણે) અને 10 બકરીઓ સાથે રહે છે, જે મહિનાઓ દરમિયાન તેરુક્કૂતના ખેલ થતા નથી ત્યારે આ બકરીઓ જ તેમને માટે આવકનો સ્ત્રોત છે.
તેઓ કહે છે, “તેરુક્કૂત એ મારો એકમાત્ર વ્યવસાય છે. તે એક આદરણીય વ્યવસાય પણ છે. લોકોની વચ્ચે હું મારું સ્વાભિમાન જાળવી શકું છું એનો મને આનંદ છે. [ઓક્ટોબરથી માર્ચ વચ્ચે] તેરુક્કૂતના કોઈ ખેલ થતા નથી ત્યારે ગુજરાન ચલાવવા માટે અમે બકરીઓ વેચીએ છીએ. હું પિચ્છઈ [ભીખ માંગવા] કે દેહ વ્યાપાર કરવા માગતી નથી.”
શર્મીને નર્સિંગમાં પણ ઊંડો રસ છે. તેઓ કહે છે, “મારી બકરીઓ બીમાર હોય ત્યારે હું જ તેમની સારવાર કરું છું. તેમને વેણ ઉપડે ત્યારે હું જ તેમની દાયણ પણ બની જાઉં છું. પણ હું વ્યાવસાયિક નર્સ નહીં બની શકું."
*****
પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે રંગલાના ગાયન અને ગમ્મત સાથે ખેલ શરૂ થાય છે. પછી મુખ્ય પાત્ર ભજવનાર પુરુષ કલાકાર મંચ પર આવે છે. મેગરાજન અને કોડિક્કલાદેવી તેમના શરૂઆતના ગીતો રજૂ કરે છે અને ખેલ શરૂ થયાની જાહેરાત કરે છે.


અહીં ભજવાયેલ નાટક, મિન્નલોલી શિવ પૂજા, મહાભારતના પાંડવ રાજકુમાર અર્જુન અને તેમની આઠ પત્નીઓ વિશેની વાર્તા પર આધારિત છે. શર્મી ભોગવતીની ભૂમિકા ભજવી રહ્યા છે


શર્મી અને બીજા કલાકારો નાટક દરમિયાન, દર્શકોના આશ્ચર્ય વચ્ચે, લગભગ 10 વખત વેશભૂષા બદલે છે
ગમ્મત, ગીતો અને વિલાપના ગીતો સાથે વાર્તા ઝડપથી આગળ વધે છે. રંગલો, મુન્નુસામી, તેમના શબ્દો અને કામથી લોકોનાં દિલ જીતી લે છે, લોકોની આંખોમાં પાણી આવી જાય ત્યાં સુધી એ લોકોને હસાવે છે. શર્મી અને બીજા કલાકારો નાટક દરમિયાન, દર્શકોના આશ્ચર્ય વચ્ચે, લગભગ 10 વખત વેશભૂષા બદલે છે. સમગ્ર નાટક દરમિયાન વચ્ચે વચ્ચે કરવામાં આવતા ચાબુકના સટાકા મંચ પર ચાલતી કાર્યવાહીમાં થોડી નાટકીયતા ઉમેરે છે તેમજ પ્રેક્ષકોની ઊંઘ ઊડાડવાનું કામ કરે છે.
લગભગ વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ, ક્રોધિત અર્જુન દ્વારા એક વિધવા તરીકેનું જીવન વ્યતીત કરવાનો શ્રાપ મેળવનાર મિન્નાલોલી મંચ પર દેખાય છે. નાટ્યકાર રુબન આ ભૂમિકા ભજવે છે. ઓપ્પારી (વિલાપ ગીત) ની તેમની રજૂઆત શ્રોતાઓમાંના ઘણાને રડાવી દે છે. રુબન ગાય છે ત્યારે કેટલાક લોકો તેમના હાથમાં રોકડ થમાવે છે. આ દ્રશ્ય પૂરું થયા પછી થોડી હાસ્યજનક રાહત આપવા માટે રંગલો મંચ પર પાછો આવે છે.
સૂર્ય ઊગવાની તૈયારી છે. મિન્નલોલી અને અર્જુન હમણાં જ ફરીથી એક થયાં છે. રુબન મૃતકનું નામ બોલે છે અને તેમના આશીર્વાદ માગે છે. એ પછી તેઓ પ્રેક્ષકોનો આભાર માને છે અને ખેલ પૂરો થયાની જાહેરાત કરે છે. સવારના 6 વાગ્યા છે. પેક-અપનો સમય થઈ ગયો છે.
કલાકારો ઘેર જવાની તૈયારી કરવા લાગે છે. તેઓ અત્યારે થાકેલા છે પણ ખુશ છે – ખેલ સફળ રહ્યો છે અને ખેલ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શર્મી કહે છે, “કેટલીકવાર લોકો [ખેલ દરમિયાન] અમને ચીડવે છે. હકીકતમાં, એક વખત મેં એક વ્યક્તિને મારો ફોન નંબર આપવાનો ઇનકાર કર્યો હતો તેથી એ વ્યક્તિએ છરી વડે મારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો." તેઓ ઉમેરે છે, "એકવાર જો તેઓને ખબર પડે કે અમે પરલૈંગિક મહિલાઓ છીએ તો પુરુષો કેટલીકવાર અમારી સાથે અસભ્ય વર્તન કરે છે અને શારીરિક સંબંધની માગણી પણ કરે છે. પરંતુ તેઓને એ ખ્યાલ નથી કે અમે પણ માણસ છીએ. જો તેઓ એક ક્ષણ માટે પણ થોભીને અમારે જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના વિશે વિચારે તો તેઓ આવું બધું નહીં કરે."


નાટકમાં ગમ્મત અને વિલાપના ગીતો પણ હોય છે. કૃષ્ણનું પાત્ર ભજવતા ગોબી (જમણે) ની સાથે શર્મી


મિન્નલોલીનું પાત્ર ભજવતા રુબન (ડાબે) અને અર્જુનનું પાત્ર ભજવતા અપ્પુન, ખેલની પરાકાષ્ઠાએ. નાટક પછી તેલથી પોતાનો મેક-અપ હટાવી રહેલા શર્મી (જમણે)
અરિદારમ સરળતાથી લૂછી શકાતો નથી, તેથી કલાકારો તેના પર તેલ લગાવવાનું શરૂ કરે છે અને તેને ટુવાલથી લૂછી નાખે છે. શર્મી કહે છે, “અમારે કેટલું અંતર કાપવાનું છે એને આધારે અમે ઘેર પહોંચીશું ત્યારે સવારના 9 કે 10 વાગ્યા હશે. ઘેર પહોંચીને હું રાંધી, ખાઈને સૂઈ જઈશ. કદાચ હું બપોર પછી જાગીશ ત્યારે જમીશ. અથવા હું સાંજ સુધી સૂઈ રહીશ." તેઓ ઉમેરે છે, “[કૂતની સીઝન દરમિયાન] જ્યારે તમારે સતત ખેલ કરવાના હોય છે ત્યારે ક્યારેય થાક લાગતો નથી. ખેલ વચ્ચે બહુ લાંબા વિરામને કારણે તહેવાર સિવાયના સમયગાળા દરમિયાન ખેલ કરવાનું વધુ થકવી નાખનારું હોય છે.”
શર્મી જણાવે છે કે આરામ કરવાનું અથવા ઓછા ખેલ કરવાનું તેમને ન પોસાય. તેરુક્કૂત કલાકાર તરીકેની સફરમાં ઉંમર એ મુખ્ય પરિબળ છે: કલાકાર જેટલા યુવાન અને સ્વસ્થ તેટલી તેમની રોજગારીની તકો વધારે અને ખેલદીઠ 700-800 રુપિયાનું પ્રમાણભૂત મહેનતાણું કમાવવાની તકો પણ એટલી જ વધારે. જેમ જેમ તેઓ વૃદ્ધ થવા માંડે તેમ તેમ તેઓને ઓછા ખેલ ઓફર કરવામાં આવે, (અને તે પણ) ઘણા ઓછા મહેનતાણા પેટે - ખેલદીઠ લગભગ 400-500 રુપિયા પેટે.
શર્મી કહે છે, “રંગભૂમિના કલાકારો તરીકે જ્યાં સુધી અમારા ચહેરા સુંદર રહે અને અમારા શરીરમાં તાકાત હોય ત્યાં સુધી જ અમને રોજગાર મળે. હું એ [દેખાવ, આદર, રોજગાર] ગુમાવી બેસું એ પહેલાં મારે રહેવા માટે ઘર [બનાવવા] પૂરતું કમાવું પડશે અને અમારું પેટ ભરવા માટે એક નાનો વ્યવસાય [શરુ] કરવો પડશે. તો જ અમે વૃદ્ધ થઈએ ત્યારે અમારું ગુજરાન ચલાવી શકીએ.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક