'સિંગલ ઇકત પટોળામાં 3500 તાણાના તાર આવે અને 13570 વાણાના તાર આવે. ડબલ ઇકતમાં 2200 (તાણા) આવે અને 9870 (વાણા) આવે' આટલું જણાવી રેખાબહેન વાઘેલા નળા(Shuttle)માં બૉબિન ભરાવી હળવું હસીને બોલ્યાં, 'સરૂઆતમાં સિંગલ તારથી રીલ ભર્યું અને અંતમાં સિંગલ તારથી બૉબિન ભર્યું.' પછી હાથસાળ પર પટોળાના વણાટકામ પહેલાં, એટલે કે બૉબિન ભરવા સુધીની વાણા પર થતી સરળ-સૂક્ષ્મ પ્રક્રિયાઓ સમજાવી.
ચાલીસી વટાવેલાં રેખાબહેન મોટા ટીંબલા ગામનાં. રેખાબહેન સિંગલ ઇકત અને ડબલ ઇકત ડિઝાઇનમાં પટોળાં વણતાં એકમાત્ર દલિત મહિલા-કારીગર. સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ટીંબલાના વણકરવાસમાં વણાટ-કારીગરો જગતજાણીતાં પટોળાં બનાવે. સુરેન્દ્રનગરમાં બનતાં પટોળાં ‘ઝાલાવાડી’ પટોળાં તરીકે ઓળખાય. 'ઝાલાવડી' પટોળાં સિંગલ ઇકત માટે જાણીતાં. અહીંના વણાટ-કારીગરો ડબલ ઇકતનાં પટોળાં પણ બનાવે. 'સિંગલ ઇકતમાં દાંડી વાણામાં હોય, ડબલ ઇકતમાં તાણાવાણા બંનેમાં હોય'. રેખાબહેનની વાત સાથે કટારિયા ગામના 42 વર્ષીય રમેશ દાનાભાઈ દુલેરાની વાત મૂકવાથી થોડી સ્પષ્ટતા થશે : ‘સિંગલ ઇકતમાં ખાલી વાણામાં જ ડિઝાઇન આવે અને ડબલમાં તાણાવાણા બંનેમાં ડિઝાઇન આવે.' વાંચો: રેખાબહેનના જીવનના તાણાવાણા

'સરૂઆતમાં સિંગલ તારથી રીલ ભર્યું અને અંતમાં સિંગલ તારથી બૉબિન ભર્યું.' ગુજરાતના લીંબડી તાલુકામાં પટોળાં બનાવતાં એકમાત્ર દલિત-મહિલા રેખાબહેન વાઘેલાના આ શબ્દો. સિંગલ તારથી બૉબિન ભર્યા પછી શરૂ થતું વણાટકામ 252 ઇંચ લાંબા પટોળાના છેલ્લા તારે પૂરું થવાની પ્રક્રિયા જણાવી રેખાબહેન ઉમેર્યું કે પટોળાનું વણાટકામ કારીગરોના 6 મહિનાનો શ્રમ પણ વણી લેતું હોય છે
ડિઝાઇનને કારણે જ વણાટકામ પહેલાંની પ્રક્રિયાઓ ઘણી સંકુલ બને. રેખાબહેને સંકુલ પ્રક્રિયાઓને સરળતાથી સમજાવવા વણાટકામ બંધ કર્યું અને કહ્યું 'લખો!' એમની આંખ મારી ડાયરી પર ઠરી, અને મને ઘાઘરેટિયા ગામનાં 55 વર્ષનાં ગંગાબહેન પરમારના શબ્દો યાદ આવ્યા, 'વૉકળાને (તારનો મોટો લચ્છો) પીરતી પર ચડાવવાનું. પીરતી પરથી (મોટા) બૉબિન પર લેવાનું (મોટાભાગે રીલ પર લેવાય). રેંટિયો હોય તો જ બૉબિન પર ચડે. હંચો હોય તો જ પીરતી હલે. હંચો નૉ હોય તો પીરતી નૉ હલે.' 'ચ્યાં ખોવાઈ જ્યા?' કહી રેખાબહેને વણાટકામ પહેલાં એક અઠવાડિયું ચાલતી 12થી વધારે પ્રક્રિયાઓ તબક્કાવાર લખાવાનું કહ્યું, મેં લખી. અને જાણ્યું પણ ખરું કે એક પણ પ્રક્રિયામાં ગફલત એટલે ખામીભરેલું પટોળું. આ પ્રક્રિયાઓ પછી જ હાથસાળ પર વણાટકામ શરૂ થાય, અને '252 ઇંચ લાંબા પટોળા'ના છેલ્લા તારે પૂરું થાય. છેલ્લા તારે પૂરું થયેલું પટોળાનું વણાટકામ કારીગરોના 6 મહિનાનો શ્રમ પણ વણી લેતું હોય છે.

ઘાઘરોટિયા ગામનાં 55 વર્ષીય ગંગાબહેન પરમાર વૉકળામાંથી રેશમના તારને પીરતી પર અને રેંટિયાની મદદથી પીરતી પરથી બૉબિન પર લઈ જાય. 'તરી વરહથી કૉમ કરું. ઑંખે ઓછું દેખાય એકઅ્ બૉબિન ભરું. આખા દિવસના બેહી રઈએ તો પચ્ચી બૉબિન થાય (ભરાય), વીહ થાય'

બૉબિનના તારને આડા પર ચડાવતા મોટા ટીંબલાના ગૌતમભાઈ વાઘેલા. આડા પર તાર ચડાવવાની પ્રક્રિયા એટલે પાટી તણવી. પાટી તણવી એટલે ડિઝાઇન પ્રમાણે ગણતરી કરી ચોક્કસ સંખ્યામાં તારને અલગ કરવા. પાટી તણવી એ પાટી બાંધવા પહેલાની પ્રક્રિયા

ડિઝાઇન પ્રમાણે આંકા પાડતા પહેલાં પાટી તણવાના આડા પર ગણતરી પ્રમાણે ચોક્કસ સંખ્યામાં અલગ કરેલા તાર

પાટી તણવાના આડા પર ગણતરી પ્રમાણે ચોક્કસ સંખ્યામાં અલગ કરેલા તારને પાટી બાંધવાના આડા પર ચડાવતા નાના ટીંબલાના 30 વર્ષીય અશોક પરમાર. અા આડા પર કાગળ પરની ડિઝાઇન અનુસાર તાર પર કોલસાથી આંકા પાડી અશોક વાઘેલા પાટી બાંધવશે અથવા પાટી પર ડિઝાઇન તૈયાર કરશે

પાટી બાંધવાના આડા પર ડિઝાઇન અનુસાર જરૂરિયાત પ્રમાણે પાટી પર ગાંઠો મારતા કટારિયાના 36 વર્ષના કિશોર મનજીભાઈ ગોહિલ. ગાંઠો મારવા માટે સુતરાઉ દોરાનો ઉપયોગ થાય. ગાંઠો મારવી એટલે એક પ્રકારની તકનીક. આ તકનીકને કારણે કલરકામ દરમ્યાન કલર ગાંઠ નીચે ઊતરતો નથી અને ગાંઠ નીચેના તારને પટોળાની ડિઝાઇન પ્રમાણેના કલરમાં જ રાખે છે

બીજી ફેરા કલર માટે ડિઝાઇન પ્રમાણે ગાંઠો મારેલી પાટીને લઈ જતા 25 વર્ષીય મહેન્દ્ર વાઘેલા. તારને પટોળાની ડિઝાઇન પ્રમાણે અલગ- અલગ કલર કરવાની અને ગાંઠો મારવાની પ્રક્રિયા વારાફરતી અને ઘણી- ઘણીવાર કરવી પડતી હોય છે

ગાંઠો મારેલા અને અને એકવાર કલરકામ કરેલા તારને હાઇડ્રોયુક્ત ઊકળતા પાણીમાં ડૂબાડતા મહેન્દ્ર વાઘેલા. રેખાબહેન જણાવ્યું, ‘ જે કલર પર બીજો કલર ચડાવવાનો થાય, વાઇટ ( વ્હાઇટ) સિવાય, એને હાયડ્રોથી ઉડાડવાનો. ઊકળતા પાણીમાં બેત્રણ ચમચી હાયડ્રો નાખી તરત પાટી ડુબાડવાની એટલે કલર ઉડી જાય. હાયડ્રોનું પ્રમાણ કેટલો કલર ઉડાડવો એના પર રાખવાનું'

‘ કલરકામ કરતી વખતે એ જોવાનું કે કલર ગાંઠની અંદર નૉ જતો રે.' વરાળ નીકળતી ડોલમાં પાટી ડુબાડી- ડુબાડી મહેન્દ્ર વાઘેલાએ ઉમેર્યું, ‘ અનુમાનથી ખબર પડે કે કલર અંદર ગ્યો કે નંઈ. કેટલો કલર નાખ્યો એ પ્રમાણે પાટી હલાવવાની. જોવાનું એ કે બે ગાંઠની વચ્ચેની જગ્યામાં કલર ઊતર્યો ક નંઈ, એ પ્રમાણે પાટી હલાવવાની'

કલર કરેલા તારને ઠંડા પાણીમાં ખંગાળતા મહેન્દ્ર. વિક્રમભાઈ પરમારે કહ્યું, ' સૂતર ( રેશમ) તો એકજ હોય, પણ કલર કૉમ્બિનેશન અગત્યનું સે. ડિઝાઇનમાં ( પાટી બાંધવી) જમ રંગોળી પૂરીએ ઈમ હારી લાગઅ્. કલરકામની કલા અગત્યની સે. કોયનો કલર ઊઘડે, કોયનો ઝાંખો થાય. ઉડીને આંખે વળગે એવો કલર હોવો જોઈએ. જેનો કલર ઊઘડે એનું પટોળું હારું દેખાય. પટોળું ઊપસી આવે, હામાન્ ગમી જ જાય'

કલર કરેલા તારને નિતારીને સૂકવવા જરૂરી. કલર કરેલા તારને પાટી બાંધવાના આડા પર લઈ સોયથી ગાંઠો ખોલતા કટારિયાના જગદીશ રઘુભાઈ ગોહિલ

સોયથી ગાંઠો ખોલતાં મોટા ટીંબલાનાં 75 વર્ષીય વાલીબહેન વાઘેલા. પટોળું બનાવતા પહેલાં પટોળાની ડિઝાઇનની બારીકાઈ પ્રમાણે ગાંઠો મારવાની અને કલર કરવાની પ્રક્રિયા વારેવારે કરવી પડે

ડિઝાઇન પ્રમાણે પાટી બાંધવાના આડા પર તૈયાર થયેલા વાણાને પીરતી પર લેતાં જસુબહેન વાઘેલા

પાટી બાંધવાના આડા પર તૈયાર થયેલા વાણાને પીરતી પર વીંટાળતાં કટારિયાનાં 58 વર્ષીય શાંતુબહેન રઘુભાઈ ગોહિલ

બૉબિન ભરવા માટે પીરતી પરથી ડિઝાઇન મુજબ કલર કરેલો વાણો લેતાં કટારિયાનાં 56 વર્ષનાં હીરાબહેન ગોહિલ. પટોળું વણવા માટે ભરેલા બૉબિનને નળા( શટલ) માં ફિટ કરવામાં આવે

કલરકામ કર્યા પછી તાણા પર પાણ ચડાવતા ( કાંજી કરતા) મોટા ટીંબલાના વણાટ- કારીગરો. ડબલ ઇકતના પટોળામાં તાણા અને વાણા બંને પર ડિઝાઇન પ્રમાણે કલર કરવાના હોય. જરૂર પ્રમાણે તાણા તૈયાર થાય પછી વાસમાં કે રસ્તામાં ટેકાની મદદથી લાંબા ખેંચવામાં આવે

રસ્તામાં ખેંચેલા તાણા પર કાંજી ચડાવતા મોટા ટીંબલાના વણાટ- કારીગર

પાણ ચડાવેલા ( કાંજી કરેલા) નવા તાણાના છેડાઓને રાસમાંથી નીકળેલા જૂના તાણાના બાકી રાખેલા છેડાઓ સાથે જોડતા મોટા ટીંબલાના સાંધણી- કારીગર વશરામભાઈ સોલંકી. વશરામભાઈએ સાંધણી માટે જરૂરી બાબત જણાવી, ‘ રખ્યાના ઉપયોગથી હાંધણી ચોંટી જાય, એકઅ્ બે તાર ચોંટી જાય'

કલર કરેલા તાણાથી ભરેલા બીમને લૂમ પર ચડાવી નૉંઝણી કરતા પૂંજાભાઈ વાઘેલા

કટારિયામાં સિંગલ ઇકતનું પટોળું વણતાં પ્રવીણભાઈ ગોહિલ (50 વર્ષ) અને પ્રેમિલાબહેન ગોહિલ (45). સાગમાંથી બનેલી હાથસાળની કિંમત 35 હજારથી 40 હજાર રૂપિયા સુધીની હોઈ શકે. આટલી ઊંચી કિંમત દરેક વણાટ- કારીગરને પરવડી ના શકે

દાનાભાઈ દુલેરા, કટારિયાના દલિતસમાજમાં પટોળા- કારીગરી લાવનારા શરૂઆતના કારીગરોમાંના એક

સિંગલ ઇકતનું પટોળું વણતા અશોક વાઘેલા

ડબલ ઇકતની બાંધણી વણતા મોટા ટીંબલાના ભાવેશકુમાર સોલંકી

ડબલ ઇકતના પટોળામાં તાણા અને વાણા બંને પર ડિઝાઈન હોય, જ્યારે સિંગલ ઇકતના પટોળામાં માત્ર વાણા પર ડિઝાઇન હોય

પટોળાં, હાથથી વણેલાં રેશમી વસ્ત્ર કે સાડીઓ, જે ડબલ ઇકતના સંકુલ વણાટ માટે જાણીતાં અને દુનિયાભરમાં લોકપ્રિય પણ