આયુષ નાયક કહે છે, "અમારા શરીરને પેઈન્ટ કરવાનું મુશ્કેલ છે. [એ માટે] અમારે આખી રાત જાગતા રહેવું પડશે." તેઓ પહેલી જ વખત પોતાના શરીર પર ઓઇલ પેઇન્ટ લગાવી રહ્યા છે. 17 વર્ષના આયુષ કહે છે, “મારું આખું શરીર જાણે બળતું હોય એવું લાગે છે. તેથી અમારે બને તેટલી વહેલી તકે (શરીર પર લગાડેલા) પેઇન્ટને સૂકવવા પડશે."
આયુષ એ દશેરા અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કરવામાં આવતા લોક નૃત્ય પિલી વેશા (જેને હુલી વેશા તરીકે પણ ઓળખવામાં આવે છે) ની તૈયારી માટે પોતાના શરીરને ચળકતા રંગીન પટ્ટાઓથી રંગતા તટીય કર્ણાટકના ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓમાંથી એક છે. પ્રસ્તુતિ દરમિયાન તેઓ વાઘના માસ્ક પહેરીને ગર્જના કરે છે અને નૃત્ય કરે છે અને તેમની આસપાસ જોર-જોરથી ડ્રમ ગુંજતા રહે છે.
કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં બોલાતી તુળુ ભાષામાં પિલીનો અર્થ થાય છે વાઘ અને વેશા એટલે મેક-અપ. છેલ્લા 22 વર્ષથી પિલી વેશા કરી રહેલા વીરેન્દ્ર શેટ્ટીગાર કહે છે, “(આ માટે) તમારે કોઈની પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. એ તો અમારા આત્મામાં છે." તેઓ ઉમેરે છે, "ડ્રમના અવાજો અને આસપાસની ઉત્તેજના મળીને એક એવું વાતાવરણ સર્જે છે કે તમે આપોઆપ જ એ તાલ પર નૃત્ય કરવા લાગો છો." 30 વર્ષના વીરેન્દ્ર એમેઝોનમાં વિતરક તરીકે કામ કરે છે અને પોતાના ગામના યુવાનોને (પિલી વેશાની) પ્રસ્તુતિ કરવા પ્રોત્સાહિત કરે છે.
નર્તકો વાઘ, ચિત્તા અને દીપડા જેવા દેખાવા એક્રેલિક પેઇન્ટના પીળા અને ભૂખરા રંગના પટ્ટાઓથી પોતાના શરીરને રંગે છે. અગાઉ વાઘ નર્તકોના શરીર પરના ચમકીલા રંગો બનાવવા માટે કોલસા, ભીની માટી, મૂળ અને ફૂગનો ઉપયોગ થતો હતો.
સમય જતા આ નૃત્યની રંપરાગત શૈલીનું સ્થાન લોકોના મનોરંજન માટેના મુશ્કેલ શારીરિક દાવપેચોએ લીધું છે જેમાં આગળ અને પાછળ પલટી મારવી, માથા વડે નાળિયેર ફોડવા, મોંમાંથી આગની જ્વાળાઓ કાઢવી વિગેરે પર વધુ ભાર મૂકવામાં આવે છે. અને આ આખું નૃત્ય-સંયોજન એટલી બધી શારીરિક મહેનત માગી લે છે કે પ્રૌઢ કલાકારોએ હવે આ પરંપરાગત નૃત્યને આગળ લઈ જવાની જવાબદારી યુવાનો ઉપર છોડી દીધી છે.

આયુષ નાયક એ દશેરા અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કરવામાં આવતા લોક નૃત્ય પિલી વેશાની તૈયારી માટે પોતાના શરીરને ચળકતા રંગીન પટ્ટાઓથી રંગતા તટીય કર્ણાટકના ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓમાંથી એક છે
આ પરંપરાગત નૃત્યની તૈયારી તેની પ્રસ્તુતિના એક દિવસ પહેલા જ શરૂ થઈ જાય છે. શરીર અને ચહેરાના પેઇન્ટિંગ માટે કલાકોની મહેનતની જરૂર પડે છે, અને તહેવારોની ઉજવણી પૂરી થાય ત્યાં સુધી થોડા દિવસો માટે એને એમ ને એમ જ રાખવામાં આવે છે. પોતાનો 12 મા ધોરણનો અભ્યાસ પૂરો કરી રહેલા આયુષ કહે છે, “શરૂઆતમાં આ મુશ્કેલ લાગે છે. પરંતુ ડ્રમના અવાજો સાંભળ્યા પછી તમે એના તાલ પર નૃત્ય કર્યા વિના રહી શકતા નથી."
તાસે (ડ્રમ) ના પડઘાતા તાલ પર પિલી તરીકે રંગાયેલા લોકો તેમનો આદર દર્શાવવા તેમજ લોકોનું મનોરંજન કરવા માટે નૃત્ય કરે છે. જ્યારે છોકરાઓ વાઘની સામ્યતા અકબંધ રાખવા માટે તેમના શરીરને રંગે છે, ત્યારે છોકરીઓ માત્ર તેમના ચહેરાને રંગે છે અને સુતરાઉ કાપડમાંથી બનાવેલ વાઘ જેવો દેખાતો પોશાક પહેરે છે. પિલી વેશામાં છોકરીઓની ભાગીદારી તાજેતરના સમયમાં જ વધી છે.
પ્રસ્તુતિ કરનારા જૂથોને અગાઉ તેમના કાર્યક્રમ માટે (પુરસ્કાર અથવા માનદ વેતન રૂપે) ચોખા અને ડાંગર – સામાન્ય રીતે તટીય કર્ણાટકમાં ઉગાડવામાં આવતા પાક – આપવામાં આવતા હતા. આજે અનાજનું સ્થાન પૈસાએ લીધું છે. દરેક કલાકાર બે દિવસની પ્રસ્તુતિ માટે લગભગ 2500 રુપિયા કમાઈ શકે છે. શારીરિક દાવપેચ કરનાર નૃત્ય કલાકાર ઉજવણીના બે દિવસ માટે વધારાના 6000 રુપિયા કમાય છે. આયુષ ઉમેરે છે, "આટલા બધા લોકોને નૃત્ય કરતા જોયા પછી, તમને આપોઆપ પિલી વેશા પ્રસ્તુત કરવાનું મન થઈ જાય છે."
સામાન્ય રીતે આવાસ વસાહતો (હાઉસિંગ કોલોની) ની સમિતિઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આયુષ અને તેના સાથીઓ યુવા ટાઈગર્સ મંચી જૂથના છે, આ જૂથ ઉડુપીના મણિપાલમાં આખા વર્ષ દરમિયાન પિલી વેશાની ઉજવણી માટે ભંડોળ પૂરું પાડે છે. રજૂઆતોના આયોજન માટે બે લાખ રુપિયાથી વધુ રકમની જરૂર પડે છે. આ ભંડોળ ચિત્રકારો અને નર્તકોનું મહેનતાણું ચૂકવવા ખર્ચવામાં આવે છે. મુસાફરી, ભોજન, રંગોનો પુરવઠો અને પોશાક માટેનો ખર્ચ પણ આ ભંડોળમાંથી જ કરવામાં આવે છે.
નર્તકો માટે જાહેર મનોરંજન એ પ્રાથમિકતા હોવા છતાં, સદીઓ જૂની મનાતી આ પરંપરાની શિસ્ત જાળવી રાખવા માટે આ લોક કલાની પ્રસ્તુતિ અનેક કડક ધારાધોરણોનું પાલન કરે છે. આયુષ કહે છે કે દિવસના અંતે, "અમારા શરીર ખૂબ દુઃખે છે, પરંતુ અમે લોકોનું મનોરંજન કરવા અને આ પરંપરાને જીવંત રાખવા માટે આ બધું કરીએ છીએ."

રજૂઆત પહેલા રમઝાન અશ્વિત પૂજારીને પેઇન્ટ કરે છે. વ્યવસાયે ક્લે મૉડલ કલાકાર ( માટીમાંથી શિલ્પ ઘડતા કલાકાર) રમઝાન ( તહેવારોની) મોસમ દરમિયાન ( પિલી વેશાની) પ્રસ્તુતિમાં મદદ કરે છે

જયકર પૂજારી એક નર્તકના શરીર પર વાઘના પટ્ટાઓ દોરે છે ત્યારે ( ડાબેથી જમણે) નિખિલ, ક્રિષ્ના, ભુવન અમીન અને સાગર પૂજારી પોતાના વારાની રાહ જુએ છે

( ડાબેથી જમણે) શ્રેયાન શેટ્ટી, આશ્લેષ રાજ અને કાર્તિક આચાર્ય પેઇન્ટનો પહેલો કોટ સુકાય તેની રાહ જોઈ રહ્યા છે. શરીર અને ચહેરાના પેઇન્ટિંગ માટે કલાકોની મહેનતની જરૂર પડે છે

નર્તકો વાઘ, ચિત્તા અને દીપડા જેવા દેખાવા એક્રેલિક પેઇન્ટનો ઉપયોગ કરીને પોતાના આખા શરીરને પીળા, સફેદ અને ભૂખરા રંગના પટ્ટાઓથી રંગે છે. અગાઉ આ રંગો કોલસા, ભીની માટી, મૂળ અને ફૂગમાંથી બનાવવામાં આવતા

પિલી વેશા પ્રસ્તુતિ દરમિયાન નર્તકો હાથેથી પેઇન્ટ કરેલા વાઘના માસ્ક પહેરીને ગર્જના કરે છે અને નૃત્ય કરે છે

વાઘ જેવો દેખાવ આપવા માટે પેઇન્ટેડ શરીર પર ઘેટાંના વાળ છાંટવામાં આવે છે

સંદેશ શેટ્ટી પ્રસ્તુતિ પહેલા અશ્વિત પૂજારીને પેઇન્ટ કરે છે. અશ્વિત અને તેના સાથીઓ યુવા ટાઈગર્સ મંચી જૂથના છે, આ જૂથ ઉડુપીના મણિપાલમાં આખા વર્ષ દરમિયાન પિલી વેશાની ઉજવણી માટે ભંડોળ પૂરું પાડે છે

મેક- અપ, તુળુ ભાષામાં વેશા, આ લોક કલાનો અભિન્ન ભાગ છે. તહેવારોની ઉજવણી પૂરી થાય ત્યાં સુધી થોડા દિવસો માટે એને એમ ને એમ જ રાખવામાં આવે છે

ભુવન અમીન પંખા નીચે ઊભા રહીને પેઇન્ટ સૂકવી રહ્યા છે. 11 વર્ષનો ભુવન અમીન કહે છે, ' આ હું આઠમી વખત પિલી વેશા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.' તે ત્રણ વર્ષનો હતો ત્યારથી આ નૃત્યમાં ભાગ લઈ રહ્યો છે

લાંબી પ્રસ્તુતિ દરમિયાન આ મુશ્કેલ નૃત્યમાં સંતુલન અને ટેકા માટે કમરની આસપાસ લાંબુ સફેદ કપડું - તુળુમાં જટ્ટી - બાંધવામાં આવે છે. શારીરિક દાવપેચ દરમિયાન જટ્ટી પોશાકને તેની જગ્યાએ અકબંધ જાળવી પણ રાખે છે

અભિનવ શેટ્ટી પહેલીવાર નૃત્ય પ્રસ્તુત કરશે. નૃત્ય શરૂ થાય તે પહેલાં તેની માતા 10 વર્ષના આ બાળકને ખવડાવી રહી છે

પ્રસ્તુતિ પહેલા પોતાની બહેન સાથે ફોટો પડાવતો અભિનવ

( ડાબેથી જમણે) સાગર પૂજારી, રણજીત હરિહરપુરા, વિશાલ અને નવીન નિતુર પ્રસ્તુતિ માટે તૈયાર થઈ રહ્યા છે

અમીને ( પોતાના શરીરને) તેલથી પેઇન્ટ કર્યું છે કારણ કે આ તેની પહેલી પ્રસ્તુતિ હશે. બીજા કિશોર વયના જ પરંતુ અનુભવી નર્તકો કાર્યક્રમ શરૂ થવાની થોડી મિનિટો પહેલા અમીનને સૂચનાઓ આપે છે

યુવા ટાઈગર્સ મંચીની ટીમ ફોટો પડાવી રહી છે - બધા તેમની વાઘ ડાન્સ કોરિયોગ્રાફી પ્રદર્શિત કરવા માટે તૈયાર છે

કાળા વાઘના રૂપમાં રંગાયેલ પ્રજ્વલ આચાર્ય પોતાની શારીરિક દાવપેચની કુશળતા બતાવે છે. આ નૃત્યમાં હવે પરંપરાગત શૈલીને સ્થાને મુશ્કેલ શારીરિક દાવપેચો પર વધુ ભાર મૂકવામાં આવે છે

આ પ્રસ્તુતિમાં આગળ અને પાછળ પલટી મારવી, માથા વડે નાળિયેર ફોડવા, મોંમાંથી આગની જ્વાળાઓ કાઢવી વિગેરે મુશ્કેલ શારીરિક દાવપેચોનો સમાવેશ થાય છે

આ આખું નૃત્ય- સંયોજન એટલી બધી શારીરિક મહેનત માગી લે છે કે પ્રૌઢ કલાકારોએ હવે આ પરંપરાગત નૃત્યને આગળ લઈ જવાની જવાબદારી યુવાનો ઉપર છોડી દીધી છે

તાસે ( ડ્રમ) ના પડઘાતા તાલ પર પિલી તરીકે રંગાયેલા લોકો તેમનો આદર દર્શાવવા તેમજ લોકોનું મનોરંજન કરવા માટે નૃત્ય કરે છે

પ્રસ્તુતિ કરનારા જૂથોને અગાઉ તેમના કાર્યક્રમ માટે ( પુરસ્કાર અથવા માનદ વેતન રૂપે) ચોખા અને ડાંગર – સામાન્ય રીતે તટીય કર્ણાટકમાં ઉગાડવામાં આવતા પાક – આપવામાં આવતા હતા. આજે અનાજનું સ્થાન પૈસાએ લીધું છે

દરેક કલાકાર બે દિવસની પ્રસ્તુતિ માટે લગભગ 2500 રુપિયા કમાઈ શકે છે. શારીરિક દાવપેચ કરનાર નૃત્ય કલાકાર વધારાના 6000 રુપિયા કમાય છે

સંદેશના દાદી, કમલા શેટ્ટી અને માતા, વિજયા શેટ્ટી, જ્યારે સંજય પિલી વેશા કરે છે ત્યારે તેમને ઉત્સાહિત કરે છે. સંદેશ ફોટોગ્રાફર અને ચિત્રકાર છે. 21 વર્ષના સંજય કહે છે, ' છેલ્લા ચાર વર્ષથી મેં પિલી વેશા કરવાનું શરૂ કર્યું છે અને ભવિષ્યમાં પણ પ્રસ્તુતિ કરવાનું ચાલુ રાખીશ'

વીરેન્દ્ર શેટ્ટીગર વાઘનું માસ્ક પહેરે છે. જે નર્તક માસ્ક પહેરે છે તે સામાન્ય રીતે જૂથનો મુખ્ય વાઘ હોય છે

વીરેન્દ્ર છેલ્લા 22 વર્ષથી પિલી વેશા કરી રહ્યા છે. તેઓ કહે છે, ' ડ્રમના અવાજો અને આસપાસની ઉત્તેજના મળીને એક એવું વાતાવરણ સર્જે છે કે તમે આપોઆપ જ એ તાલ પર નૃત્ય કરવા લાગો છો'

ગ્રામજનો નાનકડા વાઘ નર્તકોને ઊંચકી લે છે અને ડ્રમના તાલ પર નૃત્ય કરે છે

પ્રસ્તુતિના પહેલા ભાગ પછી પ્રોપ્સ બદલતા વીરેન્દ્ર. 30 વર્ષના વીરેન્દ્ર એમેઝોનમાં વિતરક તરીકે કામ કરે છે અને પોતાના ગામના યુવાનોને ( પિલી વેશાની) પ્રસ્તુતિ કરવા પ્રોત્સાહિત કરે છે

નર્તકો
માટે
જાહેર
મનોરંજન
એ
પ્રાથમિકતા
હોવા
છતાં,
આ
પરંપરાની
શિસ્ત
જાળવી
રાખવા
માટે
આ
લોક
કલાની
પ્રસ્તુતિ
અનેક
કડક
ધારાધોરણોનું
પાલન
કરે
છે
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક