સંજય ગોપેએ તેમનું આખું જીવન વ્હીલચેરમાં જ પસાર કર્યું છે. હું તેમને ઝારખંડના પુરબી (પૂર્વ) સિંઘભૂમ જિલ્લામાં જાદુગોડા નગર (વસ્તી ગણતરીમાં જાદુગોરા તરીકે સૂચિબદ્ધ) યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (યુ.સી.આઈ.એલ.) ખાણથી લગભગ છ કિલોમીટર દૂર આવેલા ગામ બાંગોમાં મળ્યો હતો.
યુ.સી.આઈ.એલ. ભારત સરકાર હસ્તકની સંસ્થા છે, જેણે 1967માં અહીં તેની પ્રથમ ખાણ ખોદી હતી. જાદુગોડા અને નજીકની અન્ય છ ખાણોમાં પ્રક્રિયા કરાયેલી અયસ્કને યલો કેક (યુરેનિયમ ઓક્સાઈડનું મિશ્રણ)માં રૂપાંતરિત કરીને હૈદરાબાદના ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સમાં મોકલવામાં આવે છે.
જ્યારે તેઓ બે વર્ષના હતા, ત્યારે સંજયનાં ચિંતિત માતાપિતા તેમને યુ.સી.આઈ.એલ. હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, કારણ કે તેઓ હજુ સુધી ચાલતા ન હતા. તેમના પિતા દૈનિક મજૂર છે, જ્યારે તેમનાં માતા આ ગામડાઓમાં મોટાભાગના લોકોની જેમ ડાંગરના ખેતરોમાં કામ કરે છે. થોડાક લોકો યુ.સી.આઈ.એલ.ની ખાણોમાં કામ કરે છે, જ્યારે અન્ય લોકો કહે છે કે તેમને ત્યાં નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, જે તેમને ક્યારેય મળી જ નથી. ડૉક્ટરોએ સંજયનાં માતા-પિતાને ખાતરી આપી હતી કે આમાં ચિંતાનું કોઈ કારણ નથી. તેથી તેઓ ધીરજપૂર્વક રાહ જોતાં રહ્યાં, પરંતુ તેમના પુત્રએ ક્યારેય પોતાનું પહેલું — કે એકેય — પગલું ન ભર્યું.
સંજય, હવે 18 વર્ષના છે, જેઓ લગભગ 800 લોકોના ગામ (2011ની વસ્તી ગણતરી) બાંગોમાં જન્મજાત ખોડખાંપણ સાથે જન્મેલા અથવા તેમના કારણે મૃત્યુ પામેલાં ઘણાં બાળકો પૈકી એક છે, આવાં મોટાભાગનાં બાળકો સંતાલ, મુંડા, ઓરાઓન, હો, ભૂમિજ અને ખારિયા જાતિના લોકોનાં છે. ઈન્ડિયન ડૉક્ટર્સ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ નામના જૂથ દ્વારા હાથ ધરાયેલા 2007ના એક અભ્યાસ મુજબ, આ ખાણની નજીકનાં (0-2.5 કિલોમીટરની ત્રિજ્યામાં) ગામોમાં 30-35 કિલોમીટર દૂરની વસાહતો કરતાં આવી ખામીઓથી મૃત્યુ પામેલાં બાળકોની સંખ્યા 5.86 ગણી વધારે હતી.
આ ગામોમાં મહિલાઓને મોટી સંખ્યામાં કસુવાવડો થઈ હોવાનું પણ નોંધાયું છે. કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ જેવા રોગોએ આ ખાણોમાં કામ કરતા અથવા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને 'ટેઈલિંગ પોન્ડ્સ' (યુરેનિયમની અયસ્કના પ્રોસેસિંગમાંથી બચેલી ઝેરી ગળતરની થાપણો) ની નજીક રહેતા ઘણા લોકોને જીવ ભરખી લીધો છે.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો લાંબા સમયથી કહે છે કે આ વિકૃતિઓ અને રોગો કિરણોત્સર્ગના ઊંચા સ્તરો અને કિરણોત્સર્ગી કાટમાળ સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે કે ઝેરી 'ટેઈલિંગ પોન્ડ્સ'ની આસપાસની વસાહતો ખાસ કરીને સંવેદનશીલ છે કારણ કે ગ્રામવાસીઓ અનિવાર્યપણે આ પાણીના સંપર્કમાં આવે જ છે. જોકે, યુ.સી.આઈ.એલ. તેની વેબસાઇટ પર કહે છે કે, “બીમારીઓ…. કિરણોત્સર્ગને કારણે નથી પરંતુ કુપોષણ, મેલેરિયા અને [ગામોમાં] પ્રવર્તમાન અસ્વચ્છતાને આભારી છે.”
પૂર્વ સિંઘભૂમમાં યુ.સી.આઈ.એલ.ની સાત ખાણો છે — જાદુગોડા, ભાટીન, નરવાપહાર, બગજાતા, તુરામડીહ, માહુલડીહ અને બંધુહુડાંગમાં. અહીં કિરણોત્સર્ગની ઘાતક અસરોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી સહિત કોર્ટ કેસોમાં સામે આવ્યો છે. 2004માં, ત્રણ ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની એક બેન્ચે કથિત રીતે એટોમિક એનર્જી કમિશન દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટના આધારે એક જાહેર હિતની અરજીને ફગાવી દીધી હતી. તે એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે, “યુરેનિયમના કચરામાંથી કિરણોત્સર્ગને નિયંત્રિત કરવા માટે પર્યાપ્ત પગલાં લેવામાં આવ્યાં છે.” જાદુગોડામાં અને તેની આસપાસના લોકોની ચળવળો, જેમ કે ઝારખંડી ઓર્ગેનાઈઝેશન અગેઈન્સ્ટ રેડિયેશન, લાંબા સમયથી ગ્રામીણ લોકો તેમના દેશની યુરેનિયમની જરૂરિયાત માટે ભારે કિંમત ચૂકવી રહ્યા છે તેને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

જાદુગોડાની ટેકરીઓમાં પાંચ દાયકાઓથી યુરેનિયમ માટે ખનન કામ કરવામાં આવી રહ્યું છે — જે આસપાસનાં ગામોમાં છેલ્લી અડધી સધીથી ઝેર પ્રસરાવી રહી છે

તુરામદીહ (જાદુગોડાથી લગભગ 20 કિલોમીટર) ખાતે આવેલી ખુલ્લી કાસ્ટ ખાણ ; ત્યાંથી માંડ 500 મીટર દૂર લોકવસવાટ છે. 1998ના એક અહેવાલમાં , બિહાર વિધાનસભાની પર્યાવરણ સમિતિએ જણાવ્યું હતું કે ખાણના ડમ્પિંગ ગ્રાઉન્ડથી પાંચ કિલોમીટરની અંદર કોઈ ગામ ન હોવું જોઈએ

કાલિકાપુર ગામના વતની આશરે 7 વર્ષીય અમિત ગોપે માનસિક વિકાર સાથે જન્મ્યા હતા. તેઓ ચાલી કે બોલી શકતા નથી , અને મોટા ભાગનો દિવસ તેમના પલંગ પર આરામ કરીને વિતાવે છે

બાંગોમાં માટીના રસ્તા પર રમતા બાળકો — આ ગામ અયસ્ક પ્રોસેસિંગના ઝેરી પ્લાન્ટ્સ અને કચરાના ડમ્પથી બહુ દૂર નથી

18 વર્ષીય કાલિબુધિ ગોપને હાડકાની વિકૃતિ છે અને તેમની પીઠના ઉપરના ભાગમાં ખૂંધ છે. તેઓ લાંબા સમય સુધી ઊભાં રહી શકતાં નથી , પરંતુ અઠવાડિયામાં બે વાર લગભગ 35 કિલોમીટર દૂર જમશેદપુરની મધ્યવર્તી કૉલેજમાં જાય છે

14 વર્ષીય અનામિકા ઓરમને મોં પર ગાંઠ છે જે જીવલેણ બની શકે છે. ડૉક્ટરો કહે છે કે તેનું ઑપરેશન કરવું જરૂરી , પરંતુ તેમના પરિવારને ઑપરેશન કરાવવું પોસાય તેમ નથી

જ્યારે હું 35 વર્ષીય તારક દાસને કાલિકાપુરમાં તેમની કરિયાણાની દુકાન પર મળ્યો ત્યારે તેમણે મને પૂછ્યું કે તેમના પરિવારને ક્યારે મદદ મળશે. તેઓ કહે છે , “ દાદા , મારે બે બાળકો છે , એક દીકરી , એક દીકરો. મને દરેક સમયે તેમની ચિંતા રહે છે — જ્યારે હું વધુ કામ કરી શકીશ નહીં , પછી તેમનું શું થશે ? જો હું થોડા સમય માટે પણ ઊભો રહું છું તો મારી કમર ખૂબ દુખે છે , પરંતુ મારે મારા બાળકો માટે કામ કર્યા વિના છૂટકો નથી”

આ ટેઈલિંગ પોન્ડ્સમાં યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી નીકળતો કિરણોત્સર્ગી કચરો ઠાલવવામાં આવે છે. તે તુરામદીહ ખાણ પાસેના ગામ નજીકથી વહે છે

18 વર્ષીય હરાધન ગોપને ચહેરાની વિકૃતિ છે અને તેમનું માથું તેમના શરીરના પ્રમાણમાં નાનું છે. તેમ છતાં , તેઓ ખેતરોમાં કામ કરે છે , અને તેમના પિતાને ડાંગરની ખેતી કરવામાં મદદ કરે છે

એક નાનો છોકરો જાદુગોડા નજીક સુવર્ણરેખા નદીમાંથી શેલફિશ પકડે છે. ટેઈલિંગ પોન્ડ્સમાંથી નીકળતો ઝેરી કચરો , કે જેને સીધો આ નદીમાં ઠાલવવામાં આવે છે , તેના કારણે તેમનું જળચર જીવન ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું છે

લગભગ 18 વર્ષીય પાર્વતી ગોપે (મધ્યમાં) , બાંગોના ખાનગી કોચિંગ સેન્ટરમાં ; તેમના પિતા ખેડૂત છે. તેઓ કહે છે , ' મારે સરકારી નોકરી કરવી છે. પણ મારી પાસે ભણવા માટેનાં બધાં પુસ્તકો નથી. મારા પિતા મને કહે છે કે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે , તો તેમને મારી સારવાર કેવી રીતે પરવડે ?'

લગભગ 16 વર્ષીય રાકેશ ગોપેને મગજનો લકવો છે ; તેમનાં બહેન ગુડિયાનું સાત વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ તેમની વ્હીલચેર પર શાળાએ જવા માટે સંઘર્ષ કરે છે , જ્યાં તેમને મધ્યાહન ભોજન દર મહિને 600 રૂપિયાનું સરકારી વિકલાંગતા પેન્શન મળે છે. તેમનાં માતા મને કહે છે , ' હું હંમેશાં ભવિષ્ય વિશે વિચારતી રહું છું… અમારી ગેરહાજરીમાં શું થશે ? તે પોતાની મેળે કંઈ કરી શકતો નથી'

રાકેશ અને ગુડિયાનાં માતા [નામ ઉપલબ્ધ નથી] , ડાંગરના ખેતરોમાં મજૂરી કરે છે. તેઓ તેમની સાત વર્ષની પુત્રીની છબી બતાવે છે , જેને હાડકાની વિકૃતિ હતી અને તે વાઈના હુમલાથી મૃત્યુ પામી હતી. તેમના પુત્રને પણ મગજનો લકવો છે. તેઓ કહે છે , ' રાકેશના જન્મ પછી , જ્યારે અમને ખબર પડી કે તે ક્યારેય ચાલી શકશે નહીં અથવા પોતાની જાતે કંઈ કરી શકશે નહીં , ત્યારે અમને ખૂબ દુઃખ થયું હતું. જ્યારે ગુડિયાનો જન્મ થયો , ત્યારે અમને આનંદ થયો , પરંતુ અમને ટૂંક સમયમાં જાણવા મળ્યું કે તે પણ ક્યારેય ચાલી શકશે નહીં...'

રાકેશ તેમના પગ બિલકુલ હલાવી શકતા નથી. તેમનાં માતા તેમને દરરોજ નવડાવે છે અને પછી તેમને બાંગોમાં તેમના ઘરે પરત લઈ જાય છે
અનુવાદક: ફૈઝ મોહંમદ