"નરક હૈ એહ [આ તો નરક છે નરક]."
કાશ્મીરા બાઈ તેમના ઘરથી માત્ર સો મીટર દૂર આવેલા બુડ્ઢા નાળા વિશે વાત કરી રહ્યા છે, બુડ્ઢા નાળું એ તેમના ગામમાં થઈને વહેતી ઔદ્યોગિક ગંદકી દ્વારા પ્રદૂષિત એક જળ સંરચના છે.
ઉંમરના ચાલીસના દાયકાના અંતમાં પહોંચેલા બાઈને પીવાના પાણી માટે લોકો જેના પર આધાર રાખતા હતા એવી એક વખતની સ્વચ્છ નદી યાદ છે. લુધિયાણાના કૂમકલાં ગામમાંથી શરૂ થતું બુડ્ઢા નાળું બાઈના ગામ વલીપુર કલાં પાસે સતલજમાં ભળી જતા પહેલા 14 કિલોમીટર સુધી લુધિયાણામાં થઈને વહે છે.
તેઓ કહે છે, “અસીં તાં નર્ક વિચ બૈઠે હાં [અમે તો નરકમાં બેઠા છીએ]. જ્યારે જ્યારે પૂર આવે ત્યારે ગંદુ કાળું પાણી અમારા ઘરોમાં ઘુસી જાય છે." તેઓ ઉમેરે છે, "વાસણોમાં ભરી રાખેલું પાણી એક રાતમાં પીળું થઈ જાય છે."


ડાબે: લુધિયાણાના કૂમકલાં ગામમાંથી શરૂ થતું બુડ્ઢા નાળું વલીપુર કલાં ગામ ખાતે સતલજમાં ભળી જતા પહેલા 14 કિલોમીટર સુધી લુધિયાણામાં થઈને વહે છે. જમણે: વલીપુર કલાંના કાશ્મીરા બાઈ કહે છે, 'જ્યારે જ્યારે પૂર આવે ત્યારે આ ગંદુ કાળું પાણી અમારા ઘરોમાં ઘુસી જાય છે'
પ્રદૂષિત પાણીથી અસરગ્રસ્ત લોકો પ્રત્યે સરકારની ઉદાસીનતાના વિરોધમાં સમગ્ર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના સેંકડો લોકો 24 મી ઓગસ્ટ, 2024 ના રોજ વિરોધ પ્રદર્શિત કરવા લુધિયાણામાં એકઠા થયા હતા. 'કાલે પાણી દા મોરચા' (જળ પ્રદૂષણ સામે વિરોધ) બેનર હેઠળ તેમાં સતલજના કિનારે આવેલા વિસ્તારોના અસરગ્રસ્ત લોકોને સામેલ હતા.
' બુડ્ઢા નાળા બચાવો, સતલજ બચાવો.’
બુડ્ઢા નાળામાં પ્રદૂષણ સામેનો હોબાળો નવો નથી અને તેને સ્વચ્છ કરવાની યોજનાઓ પણ નવી નથી. આ બધું ઓછામાં ઓછા ત્રણ દાયકાથી ચાલી રહ્યું છે પરંતુ કોઈ ફેર પડ્યો નથી. પહેલી યોજના – એક્શન પ્લાન ફોર ક્લીન રિવર સતલજ – 1996 માં શરૂ કરવામાં આવી હતી; જમાલપુર, ભટ્ટિયાં અને બલ્લોકે ગામોમાં ત્રણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી - ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ્સ) શરૂ કરવામાં આવ્યા હતા.
2020 માં પંજાબ સરકારે બુડ્ઢા નાળા માટે 650 કરોડ રુપિયાના ખર્ચે બે વર્ષની કાયાકલ્પ યોજના શરૂ કરી હતી. મુખ્ય પ્રધાન ભગવંત માને અગાઉની સરકારને દોષી ઠેરવતા બુડ્ઢા નાળાની કાયાકલ્પ માટે જમાલપુર ખાતે રાજ્યના સૌથી મોટા એસટીપી અને 315 કરોડ રુપિયાની બીજી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.
આક્ષેપબાજીની રમત ચાલુ છે ત્યારે કાશ્મીરા બાઈ કહે છે કે સરકારે કે કોઈ રાજકીય પક્ષોએ આ સમસ્યાના ઉકેલ માટે કંઈ કરતા કંઈ કર્યું નથી. લુધિયાણાના આંદોલનકારો વારંવાર પંજાબ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે, પરંતુ કરોડો રુપિયા ખર્ચ્યા પછી પણ આ નાળું પ્રદૂષિત જ રહ્યું છે, જેના કારણે લોકોને અવારનવાર જાહેરમાં વિરોધ કરવાની ફરજ પડે છે.
60 વર્ષના મલકીત કૌર વિરોધમાં જોડાવા માટે છેક માનસા જિલ્લાના અહમદપુરથી આવ્યા હતા. તેમણે કહ્યું, “પ્રદૂષિત પાણી, ઉદ્યોગો દ્વારા જમીનમાં ઠલવાતો કચરો જ અમને સતાવતી આટલી બધી બિમારીઓનું કારણ છે. પાણી એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે, અને અમને સ્વચ્છ પાણી મળવું જ જોઈએ."


ડાબે: 24 મી ઓગસ્ટ 2024 ના રોજ વિરોધ કૂચ, કાલે પાણી દા મોરચા (જળ પ્રદૂષણ સામે વિરોધ) આયોજિત કરવામાં આવી હતી. બુડ્ઢા નાળા એ મોસમી પ્રવાહ છે જે લુધિયાણામાંથી પસાર થયા પછી સતલજ નદીમાં ભળી જાય છે. જમણે: રાજસ્થાનના આંદોલનકારોએ પણ વિરોધ કૂચમાં ભાગ લીધો હતો


ડાબે: 'નલ હૈ લેકિન જલ નહીં' (અમારે ત્યાં નળ છે પણ જળ નથી) લખેલા પોસ્ટર સાથે એક આંદોલનકાર. જમણે મલકીત કૌર (ડાબેથી ચોથા) વિરોધમાં જોડાવા માટે છેક માનસા જિલ્લાના અહમદપુરથી આવ્યા હતા. તેઓ કહે છે, 'પ્રદૂષિત પાણી, ઉદ્યોગો દ્વારા જમીનમાં ઠલવાતો કચરો જ અમને સતાવતી આટલી બધી બિમારીઓનું કારણ છે. પાણી એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે, અને અમને સ્વચ્છ પાણી મળવું જ જોઈએ'
કાશ્મીરા બાઈ કહે છે કે વલીપુર કલાંમાં આખું ગામ ભૂગર્ભજળ પર આધાર રાખે છે - બોર 300 ફૂટ ઊંડો ખોદવો છે અને તેને ખોદવાનો ખર્ચ 35000 - 40000 રુપિયા જેટલો થઈ શકે છે. તેઓ કહે છે પરંતુ બોર ખોદવા છતાં પણ તેમને સ્વચ્છ પાણી મળશે એની કોઈ ખાતરી નથી. આ ગામોમાં પૈસેટકે સુખી પરિવારો પાસે તેમના ઘરોમાં પીવાના પાણી માટે વોટર ફિલ્ટર છે, અને તેની સતત સર્વિસ કરાવતા રહેવું પડે છે.
તે જ ગામના 50 વર્ષના બલજીત કૌરે હેપેટાઈટીસ સીને કારણે એક દીકરો ગુમાવ્યો હતો. આ ગામમાં અને નજીકના ગામોમાં અનેક દર્દીઓ છે એ વાતનો ઉલ્લેખ કરતા કૌર જણાવે છે કે “મારા બંને દીકરાને હેપેટાઈટીસ સી થયો હતા અને તેમાંથી એકનું મૃત્યુ થયું હતું."
ભટિંડાના ગોનિઆના મંડીના 45 વર્ષના રાજવિંદર કૌરે જણાવ્યું હતું કે, "અમે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે જો અમે હજી પણ જાગીશું નહીં, તો અમારી આગામી પેઢીઓને સંતોષકારક જીવન જીવવાની કોઈ તક નહીં મળે." તેઓ ઉમેરે છે, "પર્યાવરણીય પ્રદૂષણને કારણે હવે ઘેરેઘેર કેન્સરનો દર્દી છે. સતલજના પાણીને પ્રદૂષિત કરતી આ ફેક્ટરીઓ બંધ કરાવી દેવી જોઈએ. જો આ ફેક્ટરીઓ બંધ કરાવવામાં આવશે તો જ અમારી આગામી પેઢીઓને બચાવી શકાશે."
લુધિયાણા ખાતે કાલે પાણી દા મોરચામાં ભાગ લેનાર આંદોલનકાર બીબી જીવનજોત કૌરે કહ્યું, “એહ સાડી હોન્ડ દી લડાઈ હૈ [આ અમારા અસ્તિત્વની લડાઈ છે]. આ આગામી પેઢીને બચાવવાની લડાઈ છે."


ડાબે: બલજીત કૌરે હેપેટાઈટીસ સીને કારણે તેમનો એક દીકરો ગુમાવ્યો હતો. જમણે: ભટિંડાના ગોનિઆના મંડીના રાજવિંદર કૌરે (ગુલાબી દુપટ્ટામાં) જણાવ્યું હતું કે, 'અમે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે જો અમે હજી પણ જાગીશું નહીં, તો અમારી આગામી પેઢીઓને સંતોષકારક જીવન જીવવાની કોઈ તક નહીં મળે'


ડાબે: 'આઓ પંજાબ દે દર્યાવાં દે ઝેહરી કાલે પરદૂષન નુ રોકિયે' (ચાલો પંજાબની નદીઓના ઝેરી પ્રદૂષણને અટકાવીએ) લખેલા બેનર સાથે કૂચના સહભાગીઓ. જમણે: કૃષિ નિષ્ણાત દેવિન્દર શર્માએ આ વિરોધ પ્રદર્શનમાં બોલતા કહ્યું, 'ઉદ્યોગો 40 વર્ષથી અમારી નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે અને કોઈને તેની કંઈ પરવા હોય એમ લાગતું નથી'
અમનદીપ સિંહ બેંસ આંદોલનમાં મોખરે રહેલા એક કાર્યકર છે. તેઓ કહે છે, “સમસ્યાના મૂળ કારણ પર ધ્યાન આપવામાં આવતું નથી. સરકાર પાણીના સ્ત્રોતને સ્વચ્છ કરવા માટે યોજનાઓ બનાવે છે, પરંતુ તે ઉદ્યોગોને એમાં કચરો ઠાલવવા શા માટે દે છે? પ્રદૂષકો દર્યા [નદી] ના પાણીમાં બિલકુલ પ્રવેશવા ન જોઈએ.”
લુધિયાણા સ્થિત વકીલ ઉમેરે છે, "ડાઈંગ ઉદ્યોગ બંધ કરાવી દેવો જોઈએ."
લુધિયાણામાં લગભગ 2000 ઔદ્યોગિક ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમો અને 300 ડાઇંગ એકમો છે. બુડ્ઢા નાળામાં પ્રદૂષણ માટે બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. લુધિયાણા સ્થિત ઉદ્યોગપતિ બદિશ જિંદલે પારીને જણાવ્યું હતું કે, “પંજાબ પોઈઝન્સ પઝેશન એન્ડ સેલ રૂલ્સ, 2014 મુજબ, વહીવટીતંત્રે કોઈપણ ઝેરી રસાયણોના વેચાણ અને ખરીદીનો રેકોર્ડ રાખવાનો હોય છે. પરંતુ વહીવટીતંત્ર પાસે આવા રેકોર્ડ નથી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉદ્યોગોએ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) પ્રક્રિયા અપનાવવી જ પડશે જે પાણીના શુદ્ધિકરણની એક પ્રક્રિયા છે. તેમણે કહ્યું, "કોઈપણ પ્રકારનો ઔદ્યોગિક કચરો, પ્રક્રિયા કરેલો કે કર્યા વગરનો, બુડ્ઢા નાળામાં ન જવો જોઈએ."
કૃષિ નિષ્ણાત દેવિન્દર શર્માએ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને સંપૂર્ણપણે બંધ કરી દેવાની હાકલ કરી હતી. પારી સાથે વાત કરતા તેમણે કહ્યું, “ઉદ્યોગો 40 વર્ષથી આપણી નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે અને કોઈને તેની કંઈ પરવા હોય એમ લાગતું નથી. શા માટે આપણે ગંદા ઉદ્યોગને આવકારીએ છીએ? માત્ર મૂડીરોકાણ ખાતર? સરકારોએ પર્યાવરણીય સલામતી અને જાહેર આરોગ્યમાંની પાછળ ખર્ચ કરવો જોઈએ.”


પ્રદૂષિત પાણી (જમણે) થી અસરગ્રસ્ત વલીપુર કલાં ગામના (ડાબેથી જમણે) નારંગ સિંહ, દવિન્દર સિંહ, જગજીવન સિંહ, વિશાખા સિંહ ગ્રેવાલ


લુધિયાણામાં લગભગ 2000 ઔદ્યોગિક ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમો અને 300 ડાઇંગ એકમો છે. બુડ્ઢા નાળામાં પ્રદૂષણ માટે બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. લુધિયાણા જિલ્લામાં ઘૌંસપુર ગામની બાજુમાં થઈને પસાર થતું બુડ્ઢા નાળું (જમણે)
આંદોલનકારોએ ખુલાસો કર્યો કે ડાઈંગ ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટ આદેશો હતા કે કોઈપણ પ્રવાહી કે પ્રક્રિયા કરેલ કચરો સુદ્ધાં બુડ્ઢા નાળામાં છોડવા નહીં. તાજેતરમાં એનજીટીની સુનાવણી દરમિયાન સામે આવેલા દસ્તાવેજોમાં આ વાત બહાર આવી છે. આંદોલનકારો પૂછે છે કે આ અંગે પંજાબ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પીપીસીબી 10-11 વર્ષ સુધી મૌન કેમ રહ્યું હતું?
પંજાબના આંદોલનકારો પૂછે છે કે, "જો ત્રિપુરા પ્રદૂષિત ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકી શકે છે, તો પંજાબ કેમ નહીં?"
*****
બુડ્ઢા નાળાનું ચોખ્ખું પાણી લુધિયાણા અને નીચેવાસના ગામડાઓમાંથી પસાર થતાં થતાં નર્યા કાળા પ્રવાહમાં ફેરવાઈ જાય છે. તે સતલજને મળે છે ત્યારે કાળું ડિબાંગ દેખાય છે. આ ચીકણું પ્રવાહી રાજસ્થાન સુધી વહીને પાકિસ્તાનમાં અને પછીથી અરબી સમુદ્રમાં ભળે છે. હરિકે પટ્ટન (બેરેજ) ખાતે જ્યાં બિયાસ અને સતલજ એ બે નદીઓ મળે છે ત્યાં આ બે નદીઓનાં પાણી વચ્ચેનો તફાવત સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.


આંદોલનકારો કહે છે કે સમસ્યાના મૂળ કારણ પર ધ્યાન આપવામાં આવતું નથી અને સરકાર આ પાણી સ્વચ્છ કરવા માટેની યોજનાઓ બનાવે છે પરંતુ ઉદ્યોગોને પાણીમાં કચરો ઠાલવવાની મંજૂરી પણ આપે છે. જમણે: સતલજમાં ભળી જતું બુડ્ઢા નાળું (2022 નો ફોટો)
13 મી ઓગસ્ટ 2024 ના રોજ એક પ્રતિભાવમાં (જેની એક નકલ પારી પાસે છે), સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી - કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) એ બુડ્ઢા નાળામાં પ્રદૂષણની સ્થિતિ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) ને જવાબ આપ્યો હતો. તેમાં શહેરના ત્રણ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સીઈટીપી) "મિનિસ્ટ્રી ઓફ એન્વિરોન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાયમેટ ચેઈન્જ (પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય) દ્વારા જારી કરાયેલ પર્યાવરણીય મંજૂરીમાં નિર્ધારિત નિકાલના નિયમોનું પાલન કરતા ન હોવાનું" જાણમાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સીપીસીબીએ એનજીટીને વધુમાં માહિતી આપી હતી કે તેણે 12 મી ઓગસ્ટ 2024 ના રોજ પીપીસીબીને "પર્યાવરણ વળતર લાદવા સહિત યોગ્ય પગલાં લેવા માટેના નિર્દેશો જારી કર્યા હતા. બદલામાં પીપીસીબીએ અગાઉના એક અહેવાલમાં સ્વીકાર્યું છે કે બુડ્ઢા નાળાનું પાણી સિંચાઈને લાયક નથી. આંદોલનકારોએ દલીલ કરી હતી, "જો એ પાણી ખેતી માટે અયોગ્ય છે તો શું તમને લાગે છે કે એ પીવા માટે લાયક છે?"
વિરોધ કૂચના આયોજકોએ એક સંયુક્ત નિવેદનમાં 15 મી સપ્ટેમ્બરે બુડ્ઢા નાળાના મોં પર ડૂચો મારવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી, પછીથી આ યોજના 1 લી ઓક્ટોબર 2024 પર મુલતવી રાખવામાં આવી હતી. આ આખરીનામાં પછી 25 મી સપ્ટેમ્બરના રોજ પીપીસીબીએ ત્રણ સીટીઈપીમાંથી પ્રક્રિયા કરેલ ગંદકીના નિકાલને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે અહેવાલો મુજબ આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પ્રવાહના મોં પર ડૂચો મારવાને બદલે અંદોલનકારોએ 1 લી ઓક્ટોબરના રોજ લુધિયાણાના ફિરોઝપુર રોડ પર ધરણાનું આયોજન કર્યું હતું અને સરકારને 3 જી ડિસેમ્બર 2024 સુધીમાં કાર્યવાહી કરવા માટેનું આખરીનામું આપ્યું હતું.
સરકારી સર્વેક્ષણો અને વચનોથી નારાજ બલજીત કૌર કહે છે, “ક્યારેક ક્યારેક કોઈ આવે છે અને બુડ્ઢા નાળામાંથી નમૂનાઓ લે છે પણ હુંદા કુછ નાહિ [કંઈ થતું નથી]. કાં તો આ પ્રદૂષણ અટકાવવું જોઈએ અથવા અમને શુદ્ધ પાણી પૂરું પાડવું જોઈએ જેથી કરીને અમારી આવનારી પેઢી જીવતી રહી શકે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક