70 વર્ષીય ગુરમીત કૌર કહે છે, “કોઈ સરકાર નહીં ચંગી, આમ લોકા લઈ [આમ જનતા માટે કોઈ સરકાર સારી નથી].” તેઓ લુધિયાણાના બસિયાં ગામમાંથી જગરાંવમાં કિસાન-મઝદૂર મહાપંચાયત (ખેડૂતો અને કામદારોની મેગા ગ્રામ સભા) માં ભાગ લેવા આવેલી મહિલાઓના જૂથ સાથે એક શેડના છાંયામાં બેઠાં છે.
તેઓ કહે છે, “[પ્રધાન મંત્રી] મોદીએ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ એક પણ વચન પૂરું કર્યું નથી. [તો હવે] એના દા કોઈ હક્ક નહીં સાડે એથ્થે આતે આકે વોટાન મંગન દા [તેમને અહીં આવીને મત માંગવાનો કોઈ હક જ નથી].” ગુરમીત કૌર ભારતીય કિસાન યુનિયન (બીકેયુ એકતા) દકૌંદા સાથે સંકળાયેલાં છે અને પારીને કહે છે કે તેમણે 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદીને મત આપ્યો હતો.
જ્યાં 21 મેના રોજ મહાપંચાયત યોજાઈ હતી તેવા જગરાંવના નવા અનાજ બજારમાં રાજ્યભરમાંથી લગભગ 50,000 લોકો ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો, આંગણવાડી કામદારોના સંઘો અને તબીબી વ્યવસાયીઓના સંઘોના બેનર નીચે તેમની તાકાતનો પરચો આપવા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે તેમના વિરોધને ચિહ્નિત કરવા માટે એકત્ર થયા હતા. મંચ પરના બેનર પર લખેલું હતું, ‘બીજેપી હરાઓ, કોર્પોરેટ ભગાઓ, દેશ બચાઓ. [ભાજપને હરાવો. કોર્પોરેટ્સને હટાવો. દેશ બચાવો.]’
મહાપંચાયતમાં હાજર બીકેયુના લખ્ખોવાલ શાખાના અધ્યક્ષ હરિંદર સિંહ લખ્ખોવાલ કહે છે, “અમે પંજાબમાં મોદીને કાળા વાવટા બતાવીશું.”
પંજાબમાં 1 જૂન, 2024ના રોજ ચૂંટણી યોજાવાની છે અને નરેન્દ્ર મોદી રાજ્યમાં તેમના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જ્યાં ખેડૂતો તેમની માંગણીઓ પ્રત્યે કેન્દ્રની ઉદાસીનતાનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગણીઓ છે: સ્વામીનાથન આયોગની ભલામણો અનુસાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની બાંયધરી, દેવાની સંપૂર્ણ માફી, લખીમપુર ખેરી હત્યાકાંડમાં ન્યાય, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન યોજના અને વિરોધ પ્રદર્શનમાં શહીદ થયેલા લોકો માટે વળતર. આ પણ વાંચોઃ ખેડૂત આંદોલનનું પારીનું સંપૂર્ણ કવરેજ


ડાબેઃ કિસાન-મઝદૂર મહાપંચાયતમાં સંયુક્ત કિસાન મોરચાના પોસ્ટર પર ‘બીજેપી હરાઓ , કોર્પોરેટ ભગાઓ , દેશ બચાઓ’ લખેલું છે. જમણેઃ લુધિયાણાના સુધાર બ્લોકથી આંગણવાડી કામદાર સંઘના સભ્યો જગરાંવ ખાતે વિરોધ પ્રદર્શન સ્થળ પર આવી રહ્યા છે


ડાબેઃ ગુરમીત કૌર લુધિયાણાના બાસિયાં ગામમાંથી આવેલી મહિલાઓમાંનાં એક છે. તેઓ કહે છે કે , મોદીએ નોકરી આપવાનું પોતાનું વચન પૂરું કર્યું નથી અને હવે તેમને આવીને મત માંગવાનો કોઈ જ હક નથી. જમણેઃ ખેડૂત નેતાઓ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ દરમિયાન જીવ ગુમાવનારા 750 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપે છે. તેમણે શુભકરણ સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી , જેમણે ફેબ્રુઆરી , 2024માં ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ દરમિયાન માથામાં ઈજા થતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો
ખેડૂત નેતાઓએ ભીડને સંબોધતા પહેલાં 2020-21ના વિરોધ પ્રદર્શન દરમિયાન જીવ ગુમાવનારા 750 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. આમાં 21 વર્ષીય ખેડૂત શુભકરણ સિંહનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં પટિયાલાના ધાબી ગુજરાનમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે દિલ્હી તરફ શાંતિપૂર્ણ કૂચ દરમિયાન થયેલી અથડામણ દરમિયાન માથામાં ગંભીર ઈજા થતાં મૃત્યુ પામ્યા હતા. આ પણ વાંચોઃ ‘ જો અમે અમારા પોતાના જ રાજ્યમાં સુરક્ષિત નહીં હોઈએ, તો બીજે તો ક્યાંથી રહેવાના? ’
થોડા મહિના પહેલાં, ફેબ્રુઆરી 2024માં, ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ તેમની અધૂરી માંગણીઓને ફરી ઉઠાવવાની યોજના બનાવી રહ્યા હતા — શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને બેરિકેડ્સ, પાણીની તોપ અને આંસુ ગેસના ગોળાનો સામનો કરવો પડ્યો હતો.
હવે તેઓ ભાજપને તેમનાં ગામોમાં પ્રચાર કરવા નથી દેવા માગતા.
બીકેયુ શાદીપુરના પ્રમુખ બૂટ્ટા સિંહ પણ આ જ લાગણી વ્યક્ત કરતાં કહે છે, “મોદી પંજાબમાં હવે કેમ આવી રહ્યા છે? અમે તેમને પ્રચાર નહીં કરવા દઈએ.”
સંયુક્ત કિસાન મોરચાના આહવાન પર સમગ્ર પંજાબમાં લોકોએ ભાજપના નેતાઓ અને ઉમેદવારોને તેમના ગામડાઓમાં પ્રવેશવા અને પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.


ડાબેઃ ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ ડૉ. દર્શન પાલ , સંસ્થાના સભ્યો સાથે. જમણેઃ 21 મે , 2024ના રોજ યોજાયેલી મહાપંચાયતમાં લગભગ 50,000 લોકોએ હાજરી આપી હતી
જગરાંવમાં ખેડૂત નેતાઓના ભાષણો દરમિયાન અનુક્રમે ફરીદકોટ અને લુધિયાણાના ભાજપના ઉમેદવાર હંસ રાજ હંસ અને રવનીત બિટ્ટૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
લખ્ખોવાલ તેમના ભાષણમાં કહે છે, “નેતાઓ હાથ જોડીને મત માંગે છે. પછી આ લોકો કહે છે કે તેઓ આપણને પછીથી જોઈ લેશે. અમને જોઈ લેવાવાળા તે કોણ છે?” હંસની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેમણે કહ્યું હતું કે 1 જૂનના રોજ મતદાન પછી તેમનો વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચે એસકેએમ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનના સંબંધમાં હંસને નોટિસ ફટકારી છે.
74 વર્ષીય ચેતન સિંહ ચૌધરી લુધિયાણાના સંગતપુરા ગામથી આવ્યા છે. તેઓ કહે છે, “પહેલાં અમે જેને અમારા માતા-પિતા અને દાદા-દાદી મત આપે, એમને જ મત આપતા હતા. પણ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ઉદ્દેશ મોદીને [પદભ્રષ્ટ કરીને] હાંકી કાઢવાનો છે.”
તેઓ બીકેયુ રાજેવાલના સભ્ય છે. તેઓ પંજાબ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું કાર્ડ બતાવતાં પારીને કહે છે કે, મારા પિતા, બાબુ સિંહ, એક સ્વતંત્રતા સેનાની હતા. બાબુ સિંહ ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ) માં એક સૈનિક હતા. ચેતન ભાજપનો ઉલ્લેખ કરતાં કહે છે, “તેઓ ખેડૂતોના ભલા વિશે વિચારતા નથી.”


ડાબેઃ જ્યાં મહાપંચાયત યોજાઈ હતી તે અનાજ બજારમાં પહોંચતા કીર્તિ કિસાન યુનિયનના સભ્યો. જમણેઃ નછતર સિંહ ગ્રેવાલ (ડાબે) અને ચેતન સિંહ ચૌધરી (જમણે) લુધિયાણાના ખેડૂતો છે. ચૌધરી , કે જેમના પિતા સ્વતંત્રતા સેનાની હતા અને જેમણે ભારતીય રાષ્ટ્રીય સેના (આઈએનએ) માં સેવા આપી હતી , તેઓ કહે છે , ‘ પહેલાં અમે જેને અમારા માતા-પિતા અને દાદા-દાદી મત આપે , એમને જ મત આપતા હતા. પણ , હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ઉદ્દેશ મોદીને [પદભ્રષ્ટ કરીને] હાંકી કાઢવાનો છે’’


ડાબેઃ મેડિકલ પ્રેક્ટિશનર્સ યુનિયન , જે 2020-21 વિરોધ પ્રદર્શનનો પણ ભાગ હતા , તેમણે સ્થળ પર તબીબી સુવિધાઓ પૂરી પાડી હતી. જમણે: સ્થળ પર લગભગ ડઝનેક પુસ્તકોની દુકાનો ગોઠવવામાં આવી હતી. સામાન્ય ચૂંટણીઓ 2024 પરના પેમ્ફલેટ્સ ઉપસ્થિત લોકોમાં વહેંચવામાં આવ્યા હતા
જેમ જેમ નેતાઓ તેમના ભાષણો ચાલુ રાખે છે, તેમ તેમ અનાજ બજારની આસપાસ સૂત્રોચ્ચાર થાય છે. “કિસાન મઝદૂર એકતા ઝિંદાબાદ. નરેન્દ્ર મોદી પાછા જાઓ!”
કિસાન-મઝદૂર મહાપંચાયતના સ્થળની આસપાસ, નજીકના ગામોના ખેડૂત સંગઠનોના એકમો દ્વારા લંગર (ફૂડ સ્ટોલ) ઉભા કરવામાં આવ્યા છે. મેડિકલ પ્રેક્ટિશનર્સ યુનિયન દ્વારા તબીબી શિબિરો પણ ચલાવવામાં આવી રહી છે, જેણે 2020-21 વિરોધ દરમિયાન 13 મહિના સુધી ટિકરી સરહદ પર ખેડૂતોની તબીબી સેવા કરી હતી. ઇંકલાબી કેન્દ્ર અને જમહૂરી અધિકાર સભા, પંજાબના સભ્યો ચૂંટણીઓ અને શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને ધર્મ, જાતિ અને લિંગ જેવા સામાન્ય લોકો સાથે સંબંધિત મુદ્દાઓ પર પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે.
જ્યારે એસકેએમના સભ્યો લોકોને ભાજપને હરાવવા માટે કહી રહ્યા છે, ત્યારે તેઓ કોઈ ચોક્કસ પક્ષને મત આપવાનું આહ્વાન નથી કરી રહ્યા. કીર્તિ કિસાન યુનિયનના નેતા રાજિન્દર દીપસિંહવાલા કહે છે, “તે વ્યક્તિને મત આપો જે ભાજપના ઉમેદવારને હરાવી શકે.”
જેમ જેમ મહાપંચાયત સમાપ્ત થાય છે, તેમ તેમ સંદેશ સ્પષ્ટ છે — પ્રચાર દરમિયાન ભાજપનો વિરોધ કરો, ચૂંટણીમાં ભાજપને હરાવો. નિર્ણયની જાહેરાત કરતી વખતે લખ્ખોવાલ કહે છે, “કોઈ પણ હિંસાનો આશરો નહીં લે, અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ