દક્ષિણ મુંબઈમાં ભુલેશ્વરની સાંકડી ગલીઓમાં રહેતા મંઝુર આલમ શેખ દરરોજ સવારે ૫ વાગે ઊઠીને કામે લાગી જાય છે. મંઝુર ઊંચા બાંધાના છે અને મોટેભાગે લુંગી પહેરે છે. તેઓ તેમની ભાડે લીધેલી ૫૫૦ લિટરની ધાતુની હાથગાડીને પાણીથી ભરવા માટે કોવાસજી પટેલ ટાંકી સુધી ધકેલીને લઇ જાય છે. તેઓ મિર્ઝા ગાલિબ માર્કેટ પાસે દૂધ બજાર વિસ્તારમાં જાહેર શૌચાલયના એક ખૂણા પાસે ખુલ્લામાં રહે છે, ત્યાંથી આ વિસ્તાર લગભગ એક કિલોમીટર દૂર છે. તેઓ તેમની હાથગાડી લઈને દૂધબજાર પાછા આવે છે, એક જગ્યાએ તેને પાર્ક કરીને નજીકની દુકાનો અને ઘરોમાં તેમના ગ્રાહકોને પાણી પહોંચાડવાનું શરૂ કરે છે.
૫૦ વર્ષીય મંઝુર છેલ્લા બાકી રહેલા ભિસ્તીઓમાંના એક છે, જેઓ આ કામ કરીને આજીવિકા મેળવે છે. તેઓ લગભગ ત્રણ દાયકાથી મુંબઈના ઐતિહાસિક આંતરિક શહેરના આ ભાગમાં રહેવાસીઓને પીવા માટે, સફાઈ માટે અને ધોવા માટે પાણી પૂરું પાડે છે. જ્યાં સુધી કોવિડ-૧૯ મહામારીના લીધે ભિસ્તીઓના વ્યવસાયમાં વિક્ષેપ પડ્યો ન હતો, ત્યાં સુધી, મંઝુર ભુલેશ્વરના એવા કેટલાક મશકવાળાઓમાંના એક હતા જેઓ લગભગ ૩૦ લિટર પાણી વહન કરવા માટે રચાયેલ ચામડાની થેલીમાં (જેને‘મશક’તરીકે પણ ઓળખવામાં આવે છે)ભરીને પાણી વેચતા હતા.
પરંતુ મંઝુર કહે છે, મશકમાંથી પાણી પૂરું પાડવાની પરંપરા “હવે ખતમ થઇ ગઈ છે.” મંઝુરે પણ ૨૦૨૧માં મશક છોડીને પ્લાસ્ટિકની ડોલ અપનાવી લીધી હતી. તેઓ કહે છે, “જૂના ભિસ્તીઓએ હવે તેમના ગામડે પાછા જવું પડશે અને નવી પેઢીએ કંઈ નવી નોકરી શોધવી પડશે.”ભિસ્તીઓનું કામ એ ઉત્તર ભારતમાં મુસલમાન ભિસ્તી સમુદાયના પરંપરાગત વ્યવસાયનો અવશેષ છે.‘ભિસ્તી’શબ્દ ફારસી મૂળનો છે અને તેનો અર્થ‘પાણીનો વાહક’ થાય છે. આ સમુદાયને સક્કા નામથી પણ ઓળખવામાં આવે છે, જેનો અરબીમાં અર્થ થાય છે ‘પાણીનો વાહક’કે‘કપ બેરર’. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં (જ્યાં આ સમુદાય પખાલી તરીકે ઓળખાય છે) માં ભિસ્તી સમુદાયને અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

મંઝુર આલમ શેખ ( ગુલાબી શર્ટમાં ) ને દક્ષિણ મુંબઈના ભુલેશ્વરમાં સીપી ટાંકી વિસ્તારમાંથી પાણીથી ભરેલી તેમની ધાતુની હાથગાડીને આગળ ધકેલવા માટે મદદની જરૂર છે . તેમની મશક ગાડીની ટોચ પર મૂકેલી જોઈ શકાય છે
મંઝુર કહે છે, “ભિસ્તીઓનો પાણી પુરવઠાના વ્યવસાય પર ઈજારો હતો. તેમની પાસે મુંબઈના વિવિધ સ્થળોએ ધાતુની આવી હાથગાડીઓ હતી. પાણી પહોંચાડવા માટે દરેક હાથગાડી પર ૮-૧૨ વ્યક્તિઓને કામે લગાડવામાં આવતા હતા.” તેઓ ઉમેરે છે, જ્યારે જૂના મુંબઈમાં ભિસ્તીઓનો એક સમયનો સમૃદ્ધ વ્યવસાય ઘટવા લાગ્યો, ત્યારે તેઓએ અન્ય તકો શોધવાનું શરૂ કર્યું. ભુલેશ્વરમાં, ગ્રામીણ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી સ્થળાંતર કરીને આવેલા મજૂરોએ ધીમે ધીમે તેમનું સ્થાન લઇ લીધું.
મંઝુર ૧૯૮૦માં બિહારના કટિહાર જિલ્લામાં આવેલા તેમના ગામ ગચ્છ રસુલપુરથી મુંબઈ આવ્યા હતા. આ કામ અપનાવતા પહેલા તેમણે બે મહિના માટે વડાપાવ વેચવાનું કામ કર્યું હતું. તેઓ જન્મથી ભિસ્તી ન હોવા છતાંય, તેમણે ભુલેશ્વરના ડોંગરી અને ભીંડી બજાર વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું કામ હાથ ધર્યું.
મંઝુર કહે છે, “મને રાજસ્થાનના ભિસ્તી મુમતાઝે નોકરી રાખ્યો હતો અને તાલીમ આપી હતી. તે સમયે તેમની પાસે ચાર પાણીની ગાડીઓ હતી. દરેક હાથગાડી અલગ-અલગ મહોલ્લામાં ઊભી રાખવામાં આવતી હતી, જ્યાંથી ૭-૮ વ્યક્તિઓ મશકમાં પાણી કાઢીને લોકો સુધી પહોંચાડતા હતા.”

કોવિડ - ૧૯ લોકડાઉન પછી , મંઝુરને પાણી પુરવઠા માટે મશક છોડી દેવાની અને પ્લાસ્ટિકની ડોલ અપનાવવાની ફરજ પડી હતી
મુમતાઝ સાથે લગભગ પાંચ વર્ષ કામ કરીને મંઝુરે પોતાની જાતે જ આ વ્યવસાય કરવાનું નક્કી કરીને પાણીની એક હાથગાડી ભાડા પર લીધી. મંઝુર કહે છે, “૨૦ વર્ષ પહેલા અમારી પાસે ઘણું કામ હતું, પણ હવે તેમાંથી ફક્ત ચોથા ભાગનું કામ મળે છે. પ્લાસ્ટિકની બોટલોમાં પાણી વેચાવાનું શરૂ થયું તેનાથી અમારા ધંધાને માઠી અસર થઇ છે.” ૧૯૯૧માં ભારતીય અર્થવ્યવસ્થાના ઉદારીકરણ પછી બોટલોમાં પાણી ભરીને વેચવાના ઉદ્યોગની ઝડપી વૃદ્ધિએ ભુલેશ્વરના ભિસ્તીઓને મોટો ફટકો પડ્યો છે. ૧૯૯૯ અને ૨૦૦૪ વચ્ચે ભારતમાં પાણીની બોટલોનો કુલ વપરાશ ત્રણ ગણો થયો; અને ૨૦૦૨માં એ ઉદ્યોગનું અંદાજિત વાર્ષિક ટર્નઓવર ૧,૦૦૦ કરોડ રૂપિયા હતું.
ઉદારીકરણની નીતિએ ઘણી બધી બાબતો બદલી નાખી - નાની દુકાનોની જગ્યા મોલ્સે લઈ લીધી, ઊંચી ઈમારતોએ ચાલ પર કબજો જમાવી લીધો અને ટેન્કરોએ મોટરાઈઝ્ડ પાઈપો વડે પાણી આપવાનું શરૂ કર્યું. રહેણાંક મકાનોમાંથી પાણીની માંગમાં સતત ઘટાડો થતો ગયો અને માત્ર દુકાનો અને વર્કશોપ જેવી નાની વ્યાપારી સંસ્થાઓ જ મશકવાળાઓ પર નિર્ભર રહી. મંઝુર કહે છે, “ઇમારતોમાં રહેતા લોકોએ ટેન્કરથી પાણી મંગાવવાનું શરૂ કર્યું. લોકોએ પાણી માટે પાઈપલાઈન પણ લગાવી દીધી. અને હવે, લગ્નમાં બોટલમાં પાણી આપવાની પ્રથા બની ગઈ છે, પરંતુ પહેલા એ પ્રસંગોમાં અમે પાણી પૂરું પાડતા હતા.”
મહામારી પહેલા, મંઝુર એક મશકમાંથી (આશરે ૩૦ લિટર) ૧૫ રૂપિયા કમાણી કરતા હતા. હવે, તેઓ પ્લાસ્ટિકની ડોલમાં ૧૫ લિટર પાણી વેચીને ૧૦ રૂપિયા કમાય છે. તેઓ પાણીના હાથગાડીના ભાડા પાછળ દર મહીને ૧૭૦ રૂ. ખર્ચ કરે છે, અને પાણી ભરવા માટે તેના સ્ત્રોત મુજબ દૈનિક ૫૦ થી ૮૦ રૂ. ખર્ચ કરે છે. જે મંદિરો અને શાળાઓમાં કૂવાઓ હોય તેઓ ભિસ્તીઓને પાણી વેચે છે. મંઝુર તેમનો વ્યવસાય ચરમસીમાએ હતો ત્યારની અને અત્યારની પરિસ્થિતિની સરખામણી કરતા કહે છે, “પહેલાં અમે દર મહિને ઓછામાં ઓછા ૧૦,૦૦૦-૧૫,૦૦૦ રૂપિયાની બચત કરતા હતા, પરંતુ હવે અમારી પાસે ભાગ્યે જ ૪,૦૦૦-૫,૦૦૦ રૂપિયા બચે છે.”

ડિલિવરી કરીને પાછા ફરતી વખતે ( ડિસેમ્બર ૨૦૨૦માં ), મંઝુર તેમનો ફોન ચેક કરે છે કે કદાચ તેઓ એકે ઓર્ડર ચૂકી તો નથી ગયા ને . તેમના ગ્રાહકો નિર્ધારિત છે અને તેમને એક દિવસમાં ૧૦ - ૩૦ ઓર્ડર મળે છે . અમુક લોકો તેમને રૂબરૂ મળે છે , જ્યારે બાકીના લોકો ફોન કરીને તેમને પાણી આપી જવાનું કહે છે
તેમના ભાગીદાર, ૫૦ વર્ષીય આલમ (જેઓ ફક્ત તેમનું પ્રથમ નામ જ વાપરે છે), પણ બિહારના તેમના ગામના જ વતની છે. આલમ અને મંઝુર ૩-૬ મહિના મુંબઈમાં કામ કરે છે અને બાકીનો સમય તેમના પરિવાર સાથે ગામમાં વિતાવે છે. ઘેર, તેઓ તેમના ખેતરોનું ધ્યાન રાખે છે કે પછી ખેતમજૂર તરીકે કામ કરે છે.
માર્ચ ૨૦૨૦માં દેશવ્યાપી લોકડાઉન, કે જેને જૂન ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું હતું, તે દરમિયાન મશકવાળાઓ પાસે ભુલેશ્વરમાં માત્ર થોડા ગ્રાહકો જ બચ્યા હતા. તેમના ગ્રાહકો આ વિસ્તારના નાના વેપારી સંસ્થાઓના સહાયક સ્ટાફ હતા, જેઓ દિવસ દરમિયાન કામ કરતા હતા અને રાત્રે ફૂટપાથ પર સૂતા હતા. પરંતુ ઘણી દુકાનો બંધ હતી અને તેમના કામદારો ઘેર પરત ફર્યા હતા. તેથી, મંઝુર, કે જેમણે ઘેર તેમના પાંચ બાળકો માટે ખોરાકનો બંદોબસ્ત કરવાનો હતો, તેઓ તેમના પરિવારને પૈસા મોકલી શકે તેટલી કમાણી કરી શકવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે ૨૦૨૧ની શરૂઆતમાં શહેરના હાજી અલી વિસ્તારમાં મકાન પુનઃનિર્માણ સ્થળ પર એક કડિયાની મદદ કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને દિવસના ૬૦૦ રૂપિયા મળતા હતા.
માર્ચ ૨૦૨૧માં, મંઝુર તેમના ગામ ગચ્છ રસુલપુર જવા રવાના થયા, જ્યાં તેઓ ખેતમજૂર તરીકે કામ કરીને દૈનિક ૨૦૦ રૂપિયા કમાતા હતા. કમાયેલા પૈસાથી તેમણે પોતાના ઘરનું સમારકામ કરાવ્યું. ચાર મહિના પછી, તેઓ મુંબઈ પાછા આવ્યા અને નુલ બજાર વિસ્તારમાં મશકવાળા તરીકે કામ ફરી શરૂ કર્યું. પરંતુ તેમની ચામડાની થેલીને સમારકામની જરૂર છે - એક મશકને દર બે મહિને સમારકામની જરૂર હોય છે. આથી મંઝુર તેનું સમારકામ કરાવવા માટે યુનુસ શેખને શોધી રહ્યા હતા.

યુનુસ શેખ જાન્યુઆરી ૨૦૨૧માં , મુંબઈના ભેંડી બજાર વિસ્તારમાં મશક સરખી કરી રહ્યા છે . થોડા મહિનાઓ પછી તેઓ બહરાઈચ જિલ્લામાં પોતાના ઘેર પાછા જતા રહ્યા હતા
૬૦ વર્ષીય યુનુસ, ભીંડી બજારમાં મશક બનાવવાનું અને તેનું સમારકામ કરવાનું કામ કરતા હતા. માર્ચ ૨૦૨૦માં લોકડાઉન લદાયું એના ચાર મહિના પછી, યુનુસ ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં તેમના ઘેર પાછા જતા રહ્યા. જ્યારે તેઓ તે વર્ષે ડિસેમ્બરમાં મુંબઈ પાછા આવ્યા, ત્યારે તેમની પાસે બહુ કામ ન હતું. આ વિસ્તારમાં ફક્ત ૧૦ એક જેટલા જ મશકવાળા કામ કરે છે, અને કોવિડ-૧૯ લોકડાઉન પછી, તેઓએ યુનુસની સેવા માટે ઓછા પૈસા ચૂકવવાનું શરૂ કર્યું હતું. બહુ આશા ન દેખાતા, યુનુસ ૨૦૨૧ની શરૂઆતમાં બહરાઇચ પાછા ફર્યા, અને ત્યારબાદ ક્યારેય મુંબઈ ગયા નહીં. તેઓ કહે છે કે તેમનામાં હવે મશકનું સમારકામ કરવાની તાકાત નથી.
૩૫ વર્ષીય બાબુ નય્યર માટે, તેનો અર્થ હતો તેમના મશક-વહનના દિવસોની સમાપ્તિ. “મેં તેને ફેંકી દીધી છે, કારણ કે તેનું સમારકામ હવે શક્ય નથી.” તેઓ હવે ભેંડી બજારમાં નવાબ અયાઝ મસ્જિદની આસપાસની દુકાનોમાં પાણી પહોંચાડવા માટે પ્લાસ્ટિકના કેનનો ઉપયોગ કરે છે. યુનુસના ગયા પછી બાબુએ કહ્યું, “છ મહિના પહેલા સુધી, અહીં ૫-૬ લોકો હતા જેઓ મશકનો ઉપયોગ કરતા હતા. બધાએ હવે ડોલ કે પછી હાંડા [એલ્યુમિનિયમ પોટ] અપનાવી લીધું છે.”
તેમની ચામડાની થેલીનું સમારકામ કરનારું કોઈ ન મળતા મંઝુરને પણ પ્લાસ્ટિકની ડોલ અપનાવવાની ફરજ પડી હતી. મંઝુર ચોખવટ કરે છે, “યુનુસ સિવાય, મશકનું સમારકામ કરનારું કોઈ નથી.” તેમને હવે ડોલમાંથી પાણી ઉપાડવું અને સીડીઓ ચઢવું અઘરું લાગે છે. મશક લટકાવીને તે કામ સરળ હતું, જેને ખભા પર લટકાવવામાં આવતી હતી અને તેમાં પાણી પણ વધારે સમાતું હતું. બાબુ કહે છે, “અમારા ભિસ્તી તરીકેના કામનું આ અંતિમ પ્રકરણ છે. આમાં હવે પૈસા નથી. મોટરાઈઝ્ડ પાઈપોએ અમારું સ્થાન લઇ લીધું છે.”

ભુલેશ્વરના સીપી ટાંકી વિસ્તારમાં આવેલી ચંદ્રમજી હાઈસ્કૂલમાં મંઝુર તેમની પાણીની હાથગાડી ભરી રહ્યા છે . અહીં જે મંદિરો અને શાળાઓમાં કૂવા હોય છે તેઓ ભિસ્તીઓને પાણી વેચે છે

દૂધ બજારમાં એક ડિલિવરીની જગ્યાએ મંઝુર તેમની હાથગાડી માંથી પાણી ભરી રહ્યા છે . એ ડિસેમ્બર ૨૦૨૦નો સમય હતો , અને તેઓ હજુ પણ મશકનો ઉપયોગ કરી રહ્યા હતા . તેઓ પોતાની મશકના નીચેના ભાગને ગાડીના ટાયર પર ટકાવીને તેના મોં ને પાણીના આઉટલેટ પાસે લાવીને તે ભરાઈ જાય તેની રાહ જોતા

મશકને ખભા પર લટકાવીને પહેરવામાં આવે છે અને તેનું મોં એક હાથ વડે તેને સંતુલિત કરવા માટે પકડવામાં આવે છે

ભુલેશ્વરમાં નાની સંસ્થાઓ જ મશકવાળાઓ પાસેથી પાણી મંગાવે છે . અહીં , મંઝુર નુલ બજારની એક દુકાનમાં પાણી પૂરું પાડી રહ્યા છે . તેમને આ વિસ્તારમાં બાંધકામ સાઇટ્સ પરથી ઓર્ડર પણ મળે છે

નુલ બજારમાં એક જૂની , જર્જરિત ત્રણ માળની રહેણાંક ઇમારતની લાકડાની સીડી પર ચડતા મંઝુર . તેમણે બીજા માળે રહેતા રહેવાસીને ૬૦ લિટર પાણી પહોંચાડવાનું હતું , જેના માટે તેમણે તેમની મશક સાથે સીડી પરથી ઉપર - નીચે ૨ - ૩ વાર ચઢ - ઉતર કરવી પડી

દૂધ બજારમાં પાણીની ગાડીને ધક્કા મારીને અને પાણીનું વિતરણ કરીને વિરામ લેતા , મંઝુર અને તેમના મિત્ર રઝાક

સવારે સખત મહેનતકરીને બપોરે આરામ કરતા . ૨૦૨૦માં , મંઝુરનું ‘ઘર’ દૂધ બજારમાં જાહેર શૌચાલયની બાજુમાં ખુલ્લી જગ્યા હતી. તેઓ સવારે ૫ થી ૧૧ સુધી કામ કરે છે અને બપોરે ખાવાનું ખાઈને અને થોડો આરામ કરીને ૧ થી ૫ વાગ્યા સુધી ફરીથી કામ કરે છે

ભિસ્તીના વેપારમાં મંઝુરના ભાગીદાર , આલમ નુલ બજારમાં તેમની રસ્તાની બાજુની દુકાનમાં વિક્રેતાઓને પાણી પુરૂ પાડે છે . દર ૩ - ૬ મહિને , મંઝુર બિહારમાં તેમના પરિવારને મળવા જાય છે ત્યારે આલમ મંઝુર પાસેથી જવાબદારી ઉઠાવી લે છે

આલમ જાન્યુઆરી ૨૦૨૧માં , નુલ બજારમાં એક મજૂરને તેમની મશકમાંથી પાણી પૂરું પાડે છે

ભેંડી બજારમાં નવાબ અયાઝ મસ્જિદ પાસે બાબુ નય્યર પોતાની મશકથી એક દુકાન આગળ પાણી ભરી રહ્યા છે . તેઓ આ વિસ્તારમાં ભિસ્તીનું કામ કરે છે . કેટલાક દુકાન વાળા પોતાની દુકાન આગળનો વિસ્તાર સાફ કરવા માટે ભિસ્તીઓને બોલાવે છે . બાબુ , આલમ અને મંઝુર બધા બિહારના કટિહાર જિલ્લાના ગચ્છ રસુલપુર ગામના છે

જાન્યુઆરી ૨૦૨૧માં , બાબુ પોતાની મશક યુનુસ શેખ ( ડાબે ) ને બતાવી રહ્યા છે . મશકમાં ત્રણ કાણા હતા અને તેને સમારકામની જરૂર હતી . યુનુસે એ બદલ ૧૨૦ રૂપિયા માંગ્યા , પરંતુ બાબુ તેમને ફક્ત ૫૦ રૂ . જ આપી શકે તેમ હતા

ભેંડી બજારમાં નવાબ અયાઝ મસ્જિદ પાસે એક ઈમારતના પ્રવેશદ્વાર પર બેસીને બાબુની મશક પર કામ કરતા યુનુસ

યુનુસ પાંચ ફૂટ લાંબી મશકનું સમારકામ કર્યા પછી તેને પકડીને ઉભા છે . આ ફોટો લીધાના બે મહિના પછી , તેઓ બહરાઇચ પાછા જતા રહ્યા અને ફરી પાછા નથી આવ્યા . તેઓ કહે છે કે મુંબઈમાં તેમની આવક ઘટી ગઈ હતી અને તેમની પાસે હવે મશક બનાવવાની અને સુધારવાની તાકાત નથી

બાબુ હવે તેમના ગ્રાહકો સુધી પાણી પહોંચાડવા માટે પ્લાસ્ટિકના કેનનો ઉપયોગ કરે છે

યુનુસ ગામડે જતા રહ્યા પછી મંઝુરે પ્લાસ્ટિકની ડોલ વાપરવાનું શરૂ કરી દીધું , કારણ કે તેમની મશકનું સમારકામ કરનારું કોઈ ન હતું . અહીં , જાન્યુઆરી ૨૦૨૨માં , દિવસ દરમિયાન નુલ બજારની નાની દુકાનોમાં કામ કરનારા અને રાત્રે શેરીઓમાં રહેતા કામદારો માટે તેઓ પાણી ઊંચકીને લાવ્યા છે

ડિલિવરી કર્યા પછી મંઝુર તેમની ડોલ ભરવા માટે પોતાની હાથગાડી પાસે આવી રહ્યા છે

ટેન્કરોએ ભિસ્તીઓનું કામ હડપી લીધું છે , કારણ કે તેઓ ઈલેક્ટ્રીક મોટરની મદદથી ઈમારતોને સીધું પાણી પહોંચાડે છે

નુલ બજારની એક દુકાનમાં વેચાણ માટે રાખેલા પ્લાસ્ટિકના ડ્રમ . હવે તેઓ ભિસ્તીઓમાં લોકપ્રિય છે , જેઓ હવે હાથગાડી ભાડે લેવાના બદલે આમાં પાણી ભરીને તેમનું કામ પૂરું પાડી રહ્યા છે

નુલ બજારમાં પાણી પહોંચાડ્યા પછી મંઝુર આલમ શેખનો તેમની મશક સાથેનો જૂનો ફોટો . ‘મશકમાં પાણી લઈ જવાની પરંપરા હવે ખતમ થઇ ગઈ છે’
અનુવાદક: ફૈઝ મોહંમદ