અબ્દુલ કુમાર માગરેએ છેલ્લે પટ્ટુ વણ્યાને 30 વર્ષ વીતી ગયા છે. તેઓ આ ઊની કાપડના છેલ્લા કેટલાક વણકરોમાંથી એક છે, તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસથીય નીચે જાય એવા કાશ્મીરના શિયાળાની હાડ ગાળી નાખતી ઠંડીનો સામનો કરવા માટે આ ઊની કાપડ જાણીતું છે.
હવે આંખોની રોશની લગભગ ગુમાવી ચૂકેલા આ 82 વર્ષના વૃદ્ધ યાદ કરે છે, "હું એક જ દિવસમાં 11 મીટર (પટ્ટુ) વણી શકતો હતો." ઓરડામાં એક તરફથી બીજી તરફ જવા માટે સાવધાનીપૂર્વક આગળ વધતા અબ્દુલ દિશાનો ખ્યાલ મેળવવા દિવાલ પર હાથ મૂકીને ચાલે છે. "વધુ પડતું વણાટકામ કરવાને કારણે હું લગભગ 50 વર્ષનો હતો ત્યારે જ મારી દૃષ્ટિ નબળી પડી ગઈ હતી."
અબ્દુલ હબ્બા ખાતૂન શિખરની નજીક 4253 લોકોની વસ્તી ધરાવતા (વસ્તી ગણતરી 2011) બાંદીપોર જિલ્લાના દાવર ગામમાં રહે છે. તેઓ અમને કહે છે કે હવે ત્યાં પટ્ટુ વણતા હોય એવા કોઈ કારીગરો નથી પરંતુ, "લગભગ એક દાયકા પહેલા સુધી, શિયાળાના મહિનાઓમાં ગામના એકેએક ઘરમાં વસંત ઋતુમાં અને ઉનાળામાં વેચવા માટે આ કાપડ વણાતું હતું."
અબ્દુલ અને તેમનો પરિવાર શ્રીનગર અને બીજા રાજ્યોમાં વેચવા માટે ફેરન (પરંપરાગત ગાઉન જેવું ઉપવસ્ત્ર), દુપાઠી (ધાબળો), મોજાં અને હાથ-મોજાં (ગ્લવ્ઝ) સહિત કેટલાક વસ્ત્રો તૈયાર કરે છે.
પરંતુ અબ્દુલને તેમની આ હસ્તકલા પ્રત્યે ખૂબ પ્રેમ હોવા છતાં આજે તેને ટકાવી રાખવાનું સરળ નથી કારણ કે એ માટે જરૂરી કાચો માલ – ઊન, હવે સરળતાથી ઉપલબ્ધ નથી. અગાઉ અબ્દુલ જેવા વણકરો ઘેટાં પાળતા અને પટ્ટુ વણવા માટે પોતે ઉછેરેલા પ્રાણીઓ પાસેથી જ તેમને ઊન મળી રહેતું. તેઓ કહે છે કે લગભગ 20 વર્ષ પહેલાં ઊન મેળવવાનું સરળ અને સસ્તું હતું કારણ કે તેમના પરિવાર પાસે જ લગભગ 40 થી 45 ઘેટાં હતાં." તેઓ યાદ કરે છે, "અમને સારો એવો નફો થતો હતો." હાલમાં આ પરિવાર પાસે માત્ર છ ઘેટાં છે.


ડાબે: અબ્દુલ કુમાર માગરે દાવરમાં પોતાને ઘેર જમણે: દાવર ગામ હબ્બા ખાતુન શિખરની નજીક ગુરેઝ ખીણમાં આવેલું છે


ડાબે: બે ભાઈઓ ગુલામ અને અબ્દુલ કાદિર લોન, અછુરા ચોરવન ગામના એ ગણ્યાગાંઠ્યા વણકરોમાંથી છે જેઓ હજી પણ પટ્ટુ વણાટના વ્યવસાયમાં છે જમણે: ડંગી થલના પટ્ટુ કારીગર હબીબુલ્લા શેખ, તેમના પૌત્રો સાથે પોતાને ઘેર
બાંદીપોર જિલ્લાના તુલેલ ઘાટીના ડંગી થલ ગામના હબીબુલ્લા શેખ અને તેમના પરિવારે લગભગ એક દાયકા પહેલા પટ્ટુનો વ્યવસાય છોડી દીધો હતો. તેઓ કહે છે, “પહેલા લોકો ઘેટાં પાળતા. દરેક પરિવાર પાસે ઓછામાં ઓછા 15-20 ઘેટાં રહેતાં જે પરિવારની સાથે - ભોંયતળિયે - રહેતાં.
બાંદીપોર જિલ્લાના અછુરા ચોરવન (જે શાહ પુરા તરીકે પણ ઓળખાય છે) ગામમાં હજી પણ પટ્ટુ વણતા કેટલાક વણકરોમાંના એક 70 વર્ષના ગુલામ કાદિર લોન જણાવે છે, પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. તેઓ કહે છે, “છેલ્લા દાયકામાં ગુરેઝની આબોહવા બદલાઈ ગઈ છે. શિયાળો ખૂબ આકરો બની ગયો છે. પરિણામે આ વિસ્તારમાં ઘાસ ઓછું ઉગે છે અને ઘાસ એ તો ઘેટાં માટેનો પ્રાથમિક ચારો છે. એટલે લોકોએ હવે ઘેટાંના મોટાં ટોળાં ઉછેરવાનું છોડી દીધું છે.”
*****
અબ્દુલ કુમારે પહેલીવાર પટ્ટુ વણવાનું શરૂ કર્યું ત્યારે તેઓ 25 વર્ષના હતા. તેઓ કહે છે, "હું મારા પિતાને મદદ કરતો હતો, અને વખત જતાં હું આ હસ્તકલામાં નિપુણ થઈ ગયો હતો." આ કળા તેમના પરિવારમાં પરંપરાગત પેઢી દર પેઢી ચાલી આવે છે, પરંતુ તેમના ત્રણ દીકરાઓમાંથી કોઈએ પટ્ટુ વણાટનો વ્યવસાય અપનાવ્યો નથી. તેઓ સમજાવે છે, “પટ્ટુ મેં આજ ભી ઉતની હી મેહનત હૈ જીતની પહેલે થી, મગર અબ મુનાફા ન હોને કે બરાબર હૈ [ પટ્ટુ વણાટમાં આજે પણ પહેલાના જેટલી જ મહેનત કરવી પડે છે, પરંતુ નફો સાવ નહિવત છે]."
અબ્દુલે શરૂઆતમાં વણાટ કરવાનું શરૂ કર્યું ત્યારે પટ્ટુ કાપડ 100 રુપિયે મીટર વેચાતું. સમયની સાથે તેના દરો વધતા જ રહ્યા છે. આજકાલ એક મીટરની કિંમત લગભગ 7000 રુપિયા છે. પરંતુ તૈયાર ઉત્પાદનની કિંમત ઊંચી હોવા છતાં વણકરોનો નફો નહિવત થઈ ગયો છે કારણ કે પટ્ટુના વાર્ષિક વેચાણથી થતી આવકની સરખામણીએ ઘેટાં ઉછેરનો વાર્ષિક ખર્ચ વર્ષોવર્ષ સતત વધતો જ રહ્યો છે.
અબ્દુલ કહે છે, “પટ્ટુ વણાટ એ ચોકસાઈ માગી લેતી કળા છે. એકાદ દોરો પણ સહેજ આઘોપાછો થઈ જાય તો બધી ગડબડ થઈ જાય. પછી નવેસરથી શરૂઆત કરવી પડે. [પરંતુ] આ સખત મહેનત વસૂલ છે કારણ કે ગુરેઝ જેવા ઠંડા પ્રદેશમાં આ કાપડ જેવી હૂંફ બીજા કશાયથી મળતી નથી."


પટ્ટુ કારીગરો માટે લાકડાની તકલી (ચક્કુ) અને હાથથી ચલાવવામાં આવતી લૂમ (વાન) એ બે જરૂરી સાધનો છે


કાશ્મીરની ગુરેઝ ખીણમાં અછુરા ચોરવન (ડાબે) અને બદુઆબ (જમણે) ગામો. ઊની પટ્ટુ કાપડમાંથી બનાવેલા કપડાં અહીંના આકરા શિયાળામાં હાડ ગાળી નાખે તેવી ઠંડીનો સામનો કરવા માટે જાણીતા છે
ઊનને કાંતીને યાર્ન બનાવવા માટે કારીગરો, વ્યક્તિની હથેળીના કદની લાકડાની તકલી, ચક્કુનો ઉપયોગ કરે છે. ચક્કુ ડાવલ (બે લાકડાંને સાંધવાની માથા વિનાની ખીલી) ના આકારનું હોય છે અને ધીમે ધીમે પાતળું થતા થતા બંને છેડે અણીદાર થઈ જાય છે. આ રીતે કાંતેલા યાર્નમાંથી લૂમ પર કાપડ વણવામાં આવે છે - સ્થાનિક ભાષામાં આ લૂમને વાન તરીકે ઓળખવામાં આવે છે.
પટ્ટુ કાપડ બનાવવું એ ક્યારેય કોઈ એક માણસનું કામ નથી. ઘણીવાર આખો પરિવાર આ પ્રક્રિયામાં ફાળો આપે છે. ઘેટાંમાંથી ઊન મેળવવાની જવાબદારી સામાન્ય રીતે પુરુષો સંભાળે છે જ્યારે મહિલાઓ ઊનને કાંતીને યાર્ન બનાવે છે. અનવર લોન જણાવે છે, "મહિલાઓ ઘરના કામકાજ સાંભળવા ઉપરાંત યાર્ન બનાવવાનું આ સૌથી મુશ્કેલ કામ કરે છે." લૂમ અથવા વાન પર વણાટનું કામ કરવું એ સામાન્ય રીતે પરિવારના પુરુષો દ્વારા હાથ ધરવામાં આવતું કામ હતું.
85 વર્ષના ઝૂની બેગમ દર્દ-શિન સમુદાયના છે અને પટ્ટુ વણી શકતી ખીણની બહુ ઓછી મહિલાઓમાંથી છે. સ્થાનિક શિના ભાષામાં બોલતા તેઓ કહે છે, "આ એકમાત્ર હસ્તકલા છે જે હું જાણું છું." તેમના દીકરા 36 વર્ષના ઇશ્તિયાક લોન તેમની માતાના શબ્દોનો અનુવાદ કરી અમને તેમના કહેવાનો અર્થ સમજાવે છે, ઇશ્તિયાક ખેડૂત છે.
"પટ્ટુનો વેપાર હવે બંધ થઈ ગયો છે પરંતુ હું હજી પણ દર થોડા-થોડા મહિને ખોયી [મહિલાઓ માટેની પરંપરાગત ટોપી] જેવી કેટલીક વસ્તુઓ બનાવું છું." પોતાના પૌત્રને ખોળામાં રાખીને ઝૂની ઘેટાંના ઊનમાંથી ચક્કુનો ઉપયોગ કરીને યાર્ન કાંતવાની પ્રક્રિયા દર્શાવે છે, શિના ભાષામાં આ ઊન પોશ તરીકે ઓળખાય છે. ઝૂની કહે છે, “મને આ કળા મારી માતા પાસેથી વારસામાં મળી છે. મને તેની આખી પ્રક્રિયા ગમે છે. જ્યાં સુધી મારા હાથ ચાલે છે ત્યાં સુધી હું મારે આ કામ કરતા રહેવું છે."
ગુરેઝ ખીણના પટ્ટુ વણકરો જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ દર્દ-શિન (જે દર્દ તરીકે પણ ઓળખાય છે તે) સમુદાયના છે. ખીણની લગભગ સમાંતર આવેલી નિયંત્રણ રેખાની બેઉ બાજુ સ્થાયી થયેલ આ સમુદાયમાં પટ્ટુ વણાટની પરંપરા છે પરંતુ માંગમાં ઘટાડો, સરકારી મદદનો અભાવ અને સ્થળાંતરના કારણે થઈ રહેલી આ હસ્તકલાની પડતીનો તેમને અફસોસ છે.


ડાબે: ઝૂની બેગમ તેના પૌત્ર સાથે બદુઆબમાં પોતાને ઘેર. જમણે: તેઓ અમને તેમણે બનાવેલી મહિલાઓ માટેની એક પરંપરાગત ટોપી, ખોયી બતાવે છે


ઝૂની બેગમ ચક્કુનો ઉપયોગ કરીને છૂટક ઊનમાંથી યાર્ન શી રીતે બનાવાય એ બતાવે છે
*****
દાવરથી લગભગ 40 કિલોમીટર પૂર્વમાં બડુઆબ ગામમાં વણકર અનવર લોન રહે છે જેઓ હવે ઉંમરના નેવુંમા દાયકામાં છે. 15 વર્ષ પહેલાં તેમણે બનાવેલા પટ્ટુ ધાબળાને બિછાવીને તેઓ કહે છે, “હું મારું કામ આઠ વાગ્યે શરૂ કરતો અને સાંજે ચાર વાગ્યે પૂરું કરતો. પછીથી જેમ જેમ મારી ઉંમર થતી ગઈ તેમ હું માત્ર ત્રણથી ચાર કલાક માટે વણાટ કરી શકતો." એક મીટર કાપડ વણવા માટે અનવરને લગભગ આખો દિવસ કામ કરવું પડતું.
અનવરે લગભગ ચાર દાયકા પહેલા પટ્ટુ વેચવાનું શરૂ કર્યું હતું. “સ્થાનિક સ્તરે અને ગુરેઝની બહાર એમ બંને જગ્યાએ માંગને કારણે મારો ધંધો વિકસ્યો. ગુરેઝની મુલાકાતે આવતા ઘણા વિદેશીઓને મેં પટ્ટુ વેચ્યું છે.”
અછુરા ચોરવાન (અથવા શાહ પુરા) ગામમાં ઘણા લોકોએ પટ્ટુનો ધંધો છોડી દીધો છે, પરંતુ આ બંને ભાઈઓ, 70 વર્ષના ગુલામ કાદર લોન અને 71 વર્ષના અબ્દુલ કાદર લોન હજી આજે પણ ઉત્સાહપૂર્વક આ પરંપરા જીવંત રાખે છે. શિયાળો એની ચરમસીમાએ હોય છે, કાશ્મીરના બાકીના ભાગ સાથેનો ખીણનો સંપર્ક તૂટી જાય છે અને મોટાભાગના પરિવારો નીચલા વિસ્તારોમાં સ્થળાંતર કરી જાય છે ત્યારે પણ આ ભાઈઓ અહીં (ખીણમાં) જ રહીને અને વણાટ કરવાનું પસંદ કરે છે.
ગુલામ કહે છે, “મેં કઈ ઉંમરે વણાટ કરવાનું શરૂ કર્યું તે તો મને બરાબર યાદ નથી, પણ ત્યારે હું ખૂબ નાનો હતો. અમે વણાટમાં ચારખાના અને ચશ્મ-એ-બુલબુલ જેવી ઘણી ભાત બનાવતા."
ચારખાના એ ચોકડીની ભાત છે જ્યારે ચશ્મ-એ-બુલબુલ એક ઝીણવટભર્યું વણાટ છે, તે બુલબુલ પક્ષીની આંખને મળતું આવતું હોવાનું હોવાનું કહેવાય છે. કાળજીપૂર્વક (હાથ વડે) કરેલ આ પટ્ટુ વણાટ મશીન વડે બનાવેલા કાપડ કરતાં વધુ બરછટ હોય છે.


ડાબે: અનવર લોન તેમણે 15 વર્ષ પહેલાં બનાવેલો વણેલો ધાબળો બતાવે છે. જમણે: ચારખાના ભાતવાળા કાપડ સાથે અબ્દુલ કાદિર


ડાબે: ગુલામ કાદિરે ચારખાના ભાતવાળું ફેરન, ગાઉન જેવું ઉપવસ્ત્ર પહેર્યું છે. જમણે: ઝીણવટભર્યું ચશ્મ-એ-બુલબુલ વણાટ બુલબુલ પક્ષીની આંખને મળતું આવતું હોવાનું કહેવાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ધાબળા બનાવવા માટે થાય છે
ગુલામ કહે છે, “વક્ત કે સાથ પહેનાવે કા હિસાબ ભી બદલ ગયા [સમયની સાથે સાથે કપડાંની ફેશન બદલાઈ છે]. પરંતુ પટ્ટુ (આજે પણ) એ જ છે જે 30 વર્ષ પહેલા હતું." આ ભાઈઓ કહે છે કે આજકાલ તેઓ વર્ષમાં માંડ એકવાર ખરીદી કરતા સ્થાનિક લોકોને પટ્ટુ વેચે છે, તેમને ભાગ્યે જ કોઈ નફો થાય છે.
અબ્દુલ કાદર કહે છે કે યુવાનોમાં આ હસ્તકલા શીખવા માટે જરૂરી ઉત્સાહ અને ધીરજનો અભાવ છે. અફસોસ સાથે અબ્દુલ કહે છે, "મને લાગે છે કે આગામી 10 વર્ષમાં પટ્ટુની હસ્તકલાનું નામોનિશાન નહીં રહે." તેઓ ઉમેરે છે, "આ કલાને નવી આશા અને નવી પહેલની જરૂર છે જે સરકાર દ્વારા સમયસર હસ્તક્ષેપ વડે જ શક્ય છે."
દાવર માર્કેટમાં કરિયાણાની દુકાન ચલાવતા અબ્દુલ કુમારના દીકરા રહેમાનનું કહેવું છે કે (પટ્ટુ) વણાટ એ હવે આર્થિક દ્રષ્ટિએ વ્યવહારુ વિકલ્પ નથી. તેઓ કહે છે, "આ ધંધો નફાના પ્રમાણમાં ઘણી વધારે મહેનત માગી લે છે. લોકો પાસે હવે કમાવાના બીજા ઘણા રસ્તા છે. પહેલે યા તો પટ્ટુ થા યા જમીનદારી [પહેલાં કાં તો પટ્ટુ હતું કે પછી જમીનદારી].”
ગુરેઝ એક દૂરસ્થ સરહદી વિસ્તાર છે અને સત્તાધિકારીઓ ભાગ્યે જ તેની પર ધ્યાન આપે છે. પરંતુ વણકરોનું કહેવું છે કે નવા વિચારો આ મૃત કલામાં પ્રાણ પૂરી શકે છે અને તેને ફરી એકવાર આ પ્રદેશના લોકો માટે આવકનો સ્થિર સ્ત્રોત બનાવી શકે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક