તેજલીબાઈ ઢેઢિયાને ધીમે ધીમે તેમનાં દેશી બિયારણ પાછાં મળી રહ્યાં છે.
આશરે 15 વર્ષ પહેલાં, મધ્યપ્રદેશના અલીરાજપુર અને દેવાસ જિલ્લાઓમાં ખેતી કરતાં તેજલીબાઈ જેવા ભીલ આદિવાસીઓ જૈવિક ખેતી પદ્ધતિથી ઉગાડવામાં આવતાં દેશી બિયારણના બદલે રાસાયણિક ખાતર વગેરે સાથે ઉગાડવામાં આવતાં સંકર બિયારણ તરફ વળ્યા હતા. તેજલીબાઈ કહે છે કે તેનાથી પરંપરાગત બિયારણની ખોટ સર્જાઈ હતી, અને આનાથી થયેલ પરિવર્તન સમજાવતાં કહે છે, “અમારી પરંપરાગત ખેતીમાં ઘણાં મજૂરની જરૂર પડતી હતી અને બજારમાં અમને જે ભાવ મળતા હતા તેનાથી તેની ભરપાઈ પણ નહોતી થઈ શકતી.” 71 વર્ષીય તેજલીબાઈ ઉમેરે છે, “મજૂરના સમયની બચતથી અમે સ્થળાંતર કરી શક્યાં અને ગુજરાતમાં સ્થળાંતર કામદારો તરીકે ઊંચા દરે વેતન મજૂર કરી શક્યાં.”
પરંતુ હવે, આ જિલ્લાઓનાં 20 ગામોમાં, લગભગ 500 મહિલાઓ તેમના પરંપરાગત બિયારણનું સંરક્ષણ કરી રહી છે અને ભીલ ભાષામાં દેવી કંસારીનું સન્માન (સ્થાનિક રીતે ભિલાલી તરીકે ઓળખાય છે) તરીકે ઓળખાતી સંસ્થા કંસારીનું વડાવનો (KnV)ના માર્ગદર્શન હેઠળ જૈવિક ખેતી તરફ પાછી ફરી રહી છે. ભીલ આદિવાસી મહિલાઓની સામૂહિક સંસ્થા એવી કેએનવીની સ્થાપના 1997માં મહિલાઓના અધિકારો માટે લડવા અને તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે કરવામાં આવી હતી. આરોગ્યના મુદ્દાઓ પર એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા પછી, કેએનવીની રચનાનો ભાગ રહેલી આદિવાસી મહિલાઓને સમજાયું કે તેમના પરંપરાગત પાક પર પાછા ફરવાથી તેમના આહારની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે.
કાવડા ગામના રહેવાસી રિંકુબાઈ અલાવા કહે છે KnV ખાતે, પસંદ કરેલાં બિયારણને દેશભરમાં જૈવવિવિધ જૈવિક ખેતીને ફેલાવવા માટે તેમ જ અન્ય ખેડૂતોને વેચવા અને વિતરણ કરવા માટે અલગથી સંગ્રહિત કરવામાં આવે છે, જ્યારે બાકીનો પાક વપરાશ માટે રાખવામાં આવે છે. 39 વર્ષીય રિંકુબાઈ ઉમેરે છે, “લણણી પછી, અમે શ્રેષ્ઠ બિયારણને અલગ રાખીએ છીએ.”
કાકરાના ગામનાં ખેડૂત અને KnVનાં સભ્ય રાયતીબાઈ સોલંકી આ સાથે સહમત થતાં કહે છે: “બિયારણની ગુણવત્તા સુધારવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે બિયારણની પસંદગી એ શ્રેષ્ઠ માર્ગ છે.”
40 વર્ષીય રાયતીબાઈ ઉમેરે છે, “બાજરી અને જુવાર જેવાં મિલેટ (બાજરાની વિવિધ જાતો) અને અનાજ અમારી ભીલ જનજાતિનો મુખ્ય ખોરાક હતાં. મિલેટ્સને અનાજમાં સૌથી ઓછું પાણી જોઈએ છે ને તે સૌથી વધુ પૌષ્ટિક પણ છે. તેમની ખેતી ડાંગર અને ઘઉં જેવા અન્ય અનાજ કરતાં સરળ છે.” તેઓ મિલેટ્સની જાતોનાં નામોની યાદી આપવાનું શરૂ કરે છે − બટ્ટી (બંટી), ભાદી, રાલા (કાંગ), રાગી (નાગલી), બાજરા (બાજરી), કોદો, કુટકી, સાંગરી (વરી). તેઓ ઉમેરે છે, “કુદરતી રીતે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે જૈવવિવિધ પાકમાં કઠોળ, દાળ, અને તેલીબિયાં જેવી ફળી સાથે તેને વારાફરતી વાવવામાં આવે છે.”


ડાબે: તેજલીબાઈ તેમના એક પાકપદ્ધતિ આધારે ઉગાડાતા ડાંગરના ખેતરમાં. જમણે: રાયતીબાઈ તેમના બંટીના ખેતરમાં


ડાબે: જુવાર. જમણે: સ્થાનિક રીતે ‘બંટી’ તરીકે ઓળખાતી બાર્નયાર્ડ મિલેટ્સની એક જાત
આદિવાસી મહિલાઓની સહકારી સંસ્થા કેએનવી, ફક્ત બિયારણ પર આવીને અટકી નથી જતી, પણ તે જૈવિક ખેતીને પાછી લાવવા માટે પણ કામ કરી રહી છે.
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખોડ આંબા ગામમાં રહેતાં તેજલીબાઈ કહે છે કે આ પરિવર્તન ધીમે ધીમે થઈ રહ્યું છે કારણ કે છાણ અને ખાતર તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. “હું મારા વપરાશ માટે મારી જમીનના એક નાનકડા ભાગમાં જ દેશી બિયારણ વાવી રહી છું. હું સંપૂર્ણપણે જૈવિક ખેતી તરફ આગળ વધી શકતી નથી.” તેઓ તેમના પરિવારની ત્રણ એકર ખેતીની જમીન પર જુવાર, મક્કા (મકાઈ), ડાંગર, કઠોળ અને શાકભાજીની વરસાદ આધારિત ખેતી કરે છે.
દેવાસ જિલ્લાના જમાસિંધના રહેવાસી વિક્રમ ભાર્ગવ સમજાવે છે કે, જૈવિક ખેતીમાં ઉપયોગમાં લેવાતાં ખાતર અને બાયો-કલ્ચર પણ પુનરાગમન કરી રહ્યાં છે. ગોળ, ચણાનો લોટ, છાણ અને પશુ મૂત્રને ભેળવીને અને તેને આથો લાવીને બાયો-કલ્ચર તૈયાર કરવામાં આવે છે.
25 વર્ષીય બારેલા આદિવાસી કહે છે, “ખેતરમાંથી નીકળતા જૈવદ્રવ્યને પશુઓના છાણ સાથે ભેળવીને ખાડામાં સ્તરવાર મૂકવામાં આવે છે, અને તેમાંથી ખાતર તૈયાર કરવા માટે સતત પાણી આપતા રહેવું પડે છે. પછી, તેને ખેતરમાં ફેલાવી દેવામાં આવે છે જેથી તે પાકને ફાયદો પહોંચાડી શકે.”


ડાબે: જૈવદ્રવ્યમાં ગાયનું છાણ ઉમેરતાં. જમણે: બાયો-કલ્ચર બનાવતાં


ડાબે: આ પ્રક્રિયામાં પાણીને સતત ઉમેરતા રહેવું પડે છે. જમણે: એક વાર આ બની જાય, પછી તેને ખેતરમાં ફેલાવી દેવામાં આવે છે
*****
વેસતી પડિયાર કહે છે કે જ્યારે બજારના પાકોના દબાણમાં આ દેશી બિયારણ ગાયબ થઈ ગયાં, ત્યારે તેમની પરંપરાગત વાનગીઓ પણ ગાયબ થઈ ગઈ હતી; સાથે જ બાજરીનાં ફોતરાં કાઢવાની અને હાથ વડે તેને કુટવાની પરંપરાગત રીતો પણ. એક વાર તેના પર પ્રક્રિયા કરવામાં આવે, તેના પછી, બાજરી વધારે સમય સુધી જાળવી શકાતી નથી, તેથી સ્ત્રીઓ જ્યારે તેને રાંધવાની હોય ત્યારે જ તેને કૂટીને તૈયાર કરતી.
વેસતી મિલેટ્સનાં નામ ગણાવતાં કહે છે, “અમે નાનપણમાં રાલા, ભાદી અને બંટી જેવી મિલેટ્સથી સ્વાદિષ્ટ વાનગીઓ રાંધતાં હતાં.” તેઓ સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા બાજરા વિશે ઉમેરે છે, “ભગવાને મનુષ્યોને સર્જીને તેમને જીવન મેળવવા માટે દેવી કંસારીનું ધાવણ પીવા કહ્યું. ભીલ લોકો જુવાર [દેવી કંસારીનું પ્રતીક]ને જીવનદાતા માને છે.” ભિલાલા સમુદાય (રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ)નાં આ 62 વર્ષીય ખેડૂત ચાર એકર જમીન પર ખેતી કરે છે, જેમાંથી અડધો એકર જમીન તેમના પોતાના ઉપયોગ માટે જૈવિક રીતે ઉગાડવામાં આવતા ખોરાક માટે રાખવામાં આવે છે.
બિછીબાઈ તેઓ મિલેટ્સ વડે જે વાનગીઓ રાંધતાં હતાં તેને યાદ કરે છે. દેવાસ જિલ્લાના પાંડુ તાલાબ ગામનાં રહેવાસી, તેઓ કહે છે કે તેમની પ્રિય વાનગી હતી માહ કુદરી — જે ચિકનને મિલેટ્સના ચોખા સાથે ખવાતી હતી. હવે તેઓ સાઠ વર્ષની વયને વટાવી ગયાં છે ને કહે છે કે દૂધ અને ગોળથી બનાવવામાં આવતી જુવાર ખીર તેઓને હજુ પણ યાદ આવે છે.
હાથથી અનાજને કુટવામાં બધી સ્ત્રીઓ એક સાથે કામ કરતી. 63 વર્ષીય બિછીબાઈ કહે છે, “અમે અમારાં લોકગીતો ગાતાં જે અમારું કામ સરળ બનાવતાં. પરંતુ હવે, સ્થળાંતર થવાના કારણે પરિવારોને નાના થઈ ગયા છે અને આના લીધે મહિલાઓને સાથે મળીને કામ વહેંચવાની તક મળતી નથી.”


ડાબે: પાંડુ તાલાબ ગામમાં, કંસારીનું વડાવનોના સભ્યો પરંપરાગત બિયારણના સંરક્ષણની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી રહ્યાં છે. જમણે: આ પાક પક્ષીઓનો પ્રિય છે. એટલે બિછીબાઈ પટેલ જેવાં ખેડૂતોએ તેમને હાંકી કાઢવાં પડે છે
જ્યારે કારલીબાઈ ભાવસિંહ યુવાન હતાં, ત્યારે તેઓ પોતાના હાથથી બાજરાને કૂટીને તેનો લોટ બનાવતાં હતાં, તેમને હજુય યાદ છે કે આ કામ કેટલું કઠીન રહેતું. કાટકુટ ગામનાં 60 વર્ષીય બારેલા આદિવાસી કહે છે, “આજકાલની યુવતીઓ મશીનથી સંચાલિત મિલોમાં જુવાર, મકાઈ, અને ઘઉંનો લોટ બનાવડાવવાનું પસંદ કરે છે. તેથી જ બાજરીનો વપરાશ ઘટ્યો છે.”
બિયારણનો સંગ્રહ કરવો પણ એક પડકાર છે. રાયતીબાઈ સમજાવે છે, “વાવેલા પાકને મુહતી [વાંસના બનેલા પાત્રમાં] સંગ્રહિત કરતા પહેલાં એક અઠવાડિયા સુધી તડકામાં સૂકવવા પડે છે, વધુમાં તેમને હવાચુસ્ત બનાવવા માટે કાદવ અને પશુઓના છાણના મિશ્રણના એક આવરણની અંદર રાખવામાં આવે છે. તેમ છતાં, લગભગ ચાર મહિના પછી સંગ્રહિત પાક પર જંતુઓનો હુમલો થાય છે અને તેથી તેને ફરી એક વાર તડકામાં સૂકવવો પડે છે.”
આ સિવાય બીજી સમસ્યા પક્ષીઓની છે; તેમને પણ બાજરી ખૂબ પસંદ પડે છે. બાજરાની જુદી જુદી જાતો જુદા જુદા સમયે પાકે છે અને તેથી આ સ્ત્રીઓએ તેમની સતત તકેદારી રાખવી પડે છે. બિછીબાઈ કહે છે, “અમારે એ સુનિશ્ચિત કરવું પડે છે કે પક્ષીઓ આખો પાક ન ખાઈ જાય અને અમારા માટે કશું જ ન છોડે!”

ભીલ આદિવાસી ખેડૂતો ( ડાબેથી જમણે : ગિલદરિયા સોલંકી , રાયતીબાઈ , રામા સસ્તિયા અને રિંકી અલાવા ) કકરાના ગામમાં જુવાર અને બાજરી વાવી રહ્યાં છે


ડાબે: તાજી લણવામાં આવેલ ગોંગુરા — આ તંતુમય પાકના ઘણા ઉપયોગો છે:, જેમકે શાકભાજી તરીકે કે પછી ફૂલ અને તેલીબિયાં કાઢવા માટે. જમણે: ગોંગુરાની એક જાતી: લણણી પહેલાં અને તેનાં બીજ

બાજરા ( બાજરી ) ને જુવાર , રાલા ( કાંગ ) અને કઠોળ અને ફળીની અન્ય જાતો સાથે ઉગાડવામાં આવે છે


ડાબે: કકરાના ગામના ખેતરમાં જુવારની એક સ્વદેશી જાત. જમણે: કાંગ

ખેડૂત અને કેએનવીનાં અનુભવી સભ્ય , વેસતીબાઈ પડીયાર , એક દાયકા પછી ઉગાડેલા તેમના કાંગને બતાવતાં


ડાબે: ભીંડાની એક જાત. જમણે: રાઈ

રાયતીબાઈ ( કેમેરાની તરફ પીઠ ફેરવીને કામ કરતાં ), રિંકુ ( વચ્ચે ), અને ઉમા સોલંકી શિયાળુ પાકની વાવણી પહેલાં જુવારની કાપણી કરી રહ્યાં છે


ડાબે: લણણી પછી એકત્રિત કરાયેલા વાલ/ બાલર (ઇન્ડિયન ફ્લેટ બીન્સ) બીજ . જમણે: તુવેરની દાળ અને કારેલા સાથે મિલેટની રોટલી


ડાબે: અરંડી (એરંડા). જમણે: સૂકા મહુઆ (મધુકા ઇન્ડિકા) ફૂલ


ડાબે: બારેલા આદિવાસી સમુદાયનાં હીરાબાઈ ભાર્ગવ આગામી સીઝન માટે હાથથી વીણેલાં મકાઈનાં બિયારણનો સંગ્રહ કરી રહ્યાં છે. જમણે: એક પથ્થરની હાથઘંટી જેનો ઉપયોગ વાંસની કુશકી અને ચાળણીની મદદથી કઠોળ પર પ્રક્રિયા કરવા માટે થાય છે


ડાબે: હાલના પાકમાંથી બીજ ઝાડ પર લટકાવેલી બોરીઓમાં સંગ્રહિત કરવામાં આવે છે , જે આવતા વર્ષે ફરીથી ઉપયોગમાં લેવાશે. જમણે: ઓર્ગેનિક ફાર્મિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના મધ્યપ્રદેશ વિભાગનાં ઉપપ્રમુખ સુભદ્રા ખાપરડે એવાં બીજ પસંદ કરી રહ્યાં છે જેનું સંરક્ષણ કરવામાં આવશે અને બિછીબાઈ સાથે દેશભરમાં મોકલવામાં આવશે


ડાબે: વેસતીબાઈ અને તેમનાં પુત્રવધૂ જસી તેમનાં મકાઈના ખેતરમાં જ્યાં તેઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે . જૈવિક ખેતી સમય અને શ્રમ માગી લે છે , તેથી ખેડૂતો માટે સંપૂર્ણપણે ખેતીની આ પદ્ધતિ અપનાવી લેવી શક્ય નથી. જમણે: અલીરાજપુર જિલ્લાનું ખોડંબા ગામ
અનુવાદ: ફૈઝ મોહંમદ