કિશનગઢ સેધા સિંહ વાલામાં પોતાના વરંડામાં બેઠેલા સુરજીત કૌર કહે છે, "અમારી પેઢીની મહિલાઓ શિક્ષિત હોત તો પરિસ્થિતિ અલગ હોત." તેમની પૌત્રી અને પૌત્ર તેમની બાજુમાં બેઠા છે, એ બંનેની ઉંમર, હર્ષદીપને 5 મા ધોરણમાં શાળા છોડી દેવાની ફરજ પડી ત્યારે તેમની જે ઉંમર હતી તેના કરતાં ખાસ મોટી નથી.
63 વર્ષના હર્ષદીપ ભારપૂર્વક જણાવે છે, "શિક્ષણ વ્યક્તિની ત્રીજી આંખ ખોલે છે."
તેમના 75 વર્ષના પાડોશી જસવિન્દર કૌર સંમતિસૂચક હકારમાં માથું હલાવે છે. તેઓ કહે છે, "જ્યારે મહિલાઓ બહાર જાય છે, ત્યારે તેઓ દુનિયા વિષે જાણે છે."
તેઓ કહે છે કે તેમને પોતાનું શાળાનું શિક્ષણ પૂરું કરવાની ક્યારેય તક મળી નહોતી, પરંતુ બીજી એક ઘટનાએ તેમને ઘણું શીખવ્યું. સુરજીત અને જસવિંદર તેમના ગામની એ 16 મહિલાઓમાંથી હતા જેમણે 2020-2021 માં ખેડૂતોના ઐતિહાસિક વિરોધ પ્રદર્શન દરમિયાન 13 મહિના સુધી દિલ્હીની સરહદો પર પડાવ નાખ્યો હતો. તેમના જેવા લાખો ખેડૂતોએ એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર કબજો જમાવી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે વિરોધ કર્યો હતો, તેમને ડર હતો કે આ કાયદાઓ લઘુત્તમ (ન્યૂનતમ) ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ - એમએસપી) ની ગોઠવણને નબળી પાડશે અને ખાનગી વેપારીઓ અને કોર્પોરેશનોને ફાયદો કરશે. ખેડૂત આંદોલનોનું પારીનું સંપૂર્ણ કવરેજ અહીં વાંચો.
આ પત્રકારે મે 2024 માં કિશનગઢ સેધા સિંહ વાલાની મુલાકાત લીધી ત્યારે સમગ્ર પંજાબના ઘણા ગામોની જેમ આ ગામ પણ લણણીની મોસમની તૈયારીઓથી ધમધમતું હતું. શાસક પક્ષના ખેડૂત વિરોધી પગલાં સામેના આંદોલનોથી ગરમાયેલ રાજકીય વાતાવરણ સાથે રહેવાસીઓ 1લી જૂને યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી માટે પણ તૈયાર થઈ રહ્યા હતા.
60 વર્ષના જરનૈલ કૌર કહે છે, "જો ભાજપ ફરીથી જીતશે તો તેઓ એક યા બીજી રીતે ફરીથી આ [કૃષિ] કાયદાઓ લાવશે." તેમનો પરિવાર કિશનગઢ સેધા સિંહ વાલા ખાતે 10 એકર જમીન ધરાવે છે. તેઓ ઉમેરે છે, "આપણે સમજદારીપૂર્વક મતદાન કરવાની જરૂર છે."
(શિરોમણિ અકાલી દળના હરસિમરત કૌર બાદલે 2024 ની ચૂંટણીમાં ભટિંડા લોકસભા બેઠક પરથી જીત મેળવી. પરિણામો 4 થી જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.)


ડાબે: સુરજીત કૌર કિશનગઢ ગામમાં પોતાને ઘેર. જમણે: પંજાબના માનસા જિલ્લાના એ જ ગામમાં તેમને ઘેર જસવિન્દર કૌરનો ફોટો પાડવામાં આવી રહ્યો છે
ડિસેમ્બર 2021 માં પાછા ખેંચાયેલ ખેડૂતોના વિરોધ આંદોલન પરથી શીખવા મળેલા પાઠ હજી પણ ગામમાં ગુંજે છે. જસવિંદર કૌર કહે છે, "સરકાર અમારી આજીવિકા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે." તેઓ સવાલ કરે છે, "અમે તેમને કેવી રીતે એવું કરવા દઈ શકીએ?"
બીજી ચિંતાઓ પણ છે. સુરજીત કહે છે, “થોડા વર્ષો પહેલા કિશનગઢ સેધા સિંહ વાલામાંથી ભાગ્યે જ કોઈ બાળકો બીજા દેશોમાં સ્થળાંતર કરતા હતા. તેમના મનમાં ઘણી વખત, તાજેતરમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડાના બ્રેમ્પટનમાં સ્થળાંતરિત થયેલ તેમની ભત્રીજી કુશલદીપ કૌરના વિચારો આવ્યા કરે છે - આ એક એવું પ્રસ્થાન છે જે પોતાની પાછળ એક શૂન્યાવકાશ છોડી ગયું છે. સુરજીત ભારપૂર્વક કહે છે, આ બેરોજગારીને કારણે થયું છે." તેઓ સ્પષ્ટ સવાલ કરે છે, "જો અહીં નોકરીઓ મળી રહેતી હોય તેઓ કોઈ વિદેશ શા માટે જાય?"
તેથી આ ગામના મતદારો માટે, તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ અને તેમના બાળકો અને પૌત્રો માટે રોજગાર એ આગામી ચૂંટણીઓમાં નિર્ણાયક મુદ્દા તરીકે ઉભરી આવ્યા છે.
સુરજીત કહે છે, “તેઓ (રાજકારણીઓ) અમને ગ્રામજનોને દરેક ચૂંટણીમાં વૃદ્ધાવસ્થા પેન્શન, રસ્તાઓ અને ગટરના પ્રશ્નોમાં વ્યસ્ત રાખે છે. ઘણા લાંબા સમયથી ગામડાંના લોકો આ મુદ્દાઓ પર જ મતદાન કરી રહ્યા છે."


ડાબે: પોતાના ખેતરમાં ડુંગળી અને લસણનું ધ્યાન રાખતા સુરજીત કૌર. જમણે: અહીં તેઓ તેમના ખેતરમાં લણણી માટે તૈયાર પાકની વચ્ચે ચાલતા જોવા મળે છે.


ડાબે: મશીનોએ ખેતરોમાં મહિલાઓનો ઘણો સમય બચાવ્યો છે. તેઓ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈ શક્યા હતા અને લઈ શકે છે તેની પાછળનું આ એક મોટું કારણ છે. જમણે: લણણીમાંથી કુશકી એકઠી કરવામાં આવી રહી છે
*****
પંજાબના માનસા જિલ્લાના દક્ષિણમાં આવેલું ગામ, કિશનગઢ સેધા સિંહ વાલા, બિસ્વેદારી પ્રણાલી વિરુદ્ધ પેપ્સુ (પીઈપીએસયુ) મુઝારા ચળવળમાં તેની મુખ્ય ભૂમિકા માટે જાણીતું છે, આ ગામ લાંબા સંઘર્ષ પછી 1952 માં જમીનવિહોણા ખેડૂતોએ માલિકીનો અધિકાર મેળવ્યો એનું સાક્ષી બન્યું હતું. 19 મી માર્ચ 1949 ના રોજ અહીં ચાર વિરોધીઓ/ આંદોલનકારીઓ માર્યા ગયા હતા, અને તેમના વંશજોને દિલ્હી ખેડૂત આંદોલનો 2021-2021 દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગામની ઐતિહાસિક સક્રિયતા હોવા છતાં મોટાભાગની મહિલાઓ તાજેતરના ખેડૂત આંદોલન પહેલા અગાઉ ક્યારેય વિરોધમાં જોડાઈ ન હતી. હવે તેઓ દુનિયા વિશે જાણવા માટે આતુરતાથી આવી તકો શોધે છે. સુરજીત કૌર કહે છે, “અગાઉ અમારી પાસે સમય નહોતો. અમે ખેતરોમાં કામ કરતા, કપાસ લણતા અને સૂતર કાંતતા. પરંતુ હવે બધું મશીનોથી થાય છે."
તેમના ભાભી મનજીત કૌર કહે છે, “હવે અહીં કપાસનું વાવેતર થતું નથી અને લોકો ખદ્દર (ખાદી) પહેરતા નથી. ઘરમાં વણાટ કરવાની આખી પ્રક્રિયા હવે રહી નથી." તેમને લાગે છે કે આ બદલાવે મહિલાઓ માટે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનું સરળ બનાવ્યું છે.
આ ગામની કેટલીક મહિલાઓએ નેતૃત્વમાં તેમનો હિસ્સો મેળવ્યો છે પરંતુ તેમની વાતચીત પરથી એ સ્પષ્ટ છે કે એ હોદ્દાઓ મોટેભાગે કેવળ નામના હતા, બિનમહત્વના હતા, વ્યવહારુ નહોતા.


ડાબે- દક્ષિણ પંજાબના માનસા જિલ્લાના એક ગામ, કિશનગઢ સેધા સિંહ વાલાએ, પેપ્સુ (પીઈપીએસયુ) મુઝારા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં ભૂમિહીન ખેડૂતોએ 1952 માં માલિકીનો અધિકાર મેળવ્યો હતો. જમણે: દેરાણી-જેઠાણી સુરજીત કૌર અને મનજીત કૌર તેમનો દિવસ કેવો રહ્યો એ વિષે વાત કરી રહ્યાં છે


ડાબે: મનજીત કૌર ઘેર ગૂંથણ કરી રહ્યાં છે. જમણે: મનજીત કૌરના પતિ, કુલવંત સિંહ (માઈક પર), બીકેયુ (એકતા) ડાકુંડા- ધાનેર જૂથના નેતા છે
6000 ની વસ્તી ધરાવતા ગામ કિશનગઢ સેધા સિંહ વાલાના સરપંચ તરીકે સેવા આપનાર મનજીત પ્રથમ મહિલા હતા. બંને મહિલાઓએ બે પિતરાઈ ભાઈઓ સાથે લગ્ન કર્યા છે. મનજીત કહે છે, "હું પહેલી વાર ચૂંટણી લડી ત્યારે સર્વસંમતિથી ચૂંટાઈ હતી." એ વર્ષે, 1998 માં, એ બેઠક મહિલાઓ માટે અનામત હતી. તેઓ યાદ કરે છે, "એ પછીની ચૂંટણીમાં હું પુરુષો સામે લડી હતી અને 400-500 મતોથી જીતી હતી." મનજીત પોતાને ઘેર ગૂંથણ કરતા કરતા અમારી સાથે વાત કરી રહ્યા છે.
જોકે બીજી 12 મહિલાઓએ પણ આ ભૂમિકા નિભાવી છે પણ મનજીત કહે છે કે ઘણીવાર પુરુષો જ નિર્ણયો લેતા હતા. તેઓ કહે છે, "હું એકલી જ હતી જે કામ કેવી રીતે કઢાવવું એ જાણતી હતી." આ માટેનું શ્રેય તેઓ પોતાના 10 મા ધોરણ 10 સુધીના શિક્ષણને અને પોતાના પતિ, ભારતીય કિસાન યુનિયન (એકતા) ડાકૌંડાના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ સરપંચ, કુલવંત સિંહના સહકારને આપે છે. કુલવંત સિંહે 1993 થી પાંચ વર્ષ સુધી (સરપંચ તરીકે) સેવા આપી હતી.
પરંતુ સુરજીત કહે છે, “જ્યાં લોકો કોઈ એક ચોક્કસ ઉમેદવારને મત આપવા માટે એકબીજાને દબાણ કરે છે એ એક અઘરી ચૂંટણી હોય છે. મહિલાઓને તેમના પતિઓ અથવા તેમના સંબંધીઓ દ્વારા કોઈ એક ચોક્કસ ઉમેદવારને મત આપવા માટે કહેવામાં આવે છે. લોકસભા ચૂંટણીમાં એવું નથી થતું."
2009 થી શિરોમણિ અકાલી દળ (એસએડી) ના હરસિમરત કૌર બાદલે ભટિંડા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે, આ ગામનો સમાવેશ એ જ મતવિસ્તારમાં થાય છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરસિમરત ફરીથી ચૂંટણી લડવા માંગે છે. બીજા ઉમેદવારોમાં આઈએએસમાંથી રાજકારણી બનેલા પરમપાલ કૌર સિદ્ધુ (બીજેપી), ભૂતપૂર્વ એમએલએ (ધારાસભ્ય) જીત મોહિન્દર સિંહ સિદ્ધુ (કોંગ્રેસ) અને આમ આદમી પાર્ટી (એએપી - આપ) તરફથી પંજાબના કૃષિ પ્રધાન ગુરમીત સિંહ ખુદ્દિયન છે.


ડાબે: કિશનગઢ ગામની મહિલાઓ માર્ચ 2024 માં બીકેયુ (એકતા) ડાકૌંડાના પ્રમુખ મનજીત સિંહ ધાનેરના નેતૃત્વમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. જમણે-: મનજીત કૌર (છેક ડાબે) અને સુરજીત કૌરે (મનજીતની બાજુમાં ઉભેલા) અને તેમના ગામની બીજી મહિલાઓ સાથે આ વર્ષની શરૂઆતમાં લુધિયાણાના જગરાંવમાં કિસાન-મઝદૂર મહાપંચાયતમાં હાજરી આપી રહ્યા છે
2020-2021ના દિલ્હી વિરોધ પ્રદર્શનો ઘણી મહિલાઓ માટે નિર્ણાયક સાબિત થયા. તેઓ કહે છે કે આ વખતે કોઈ કરતા કોઈ તેમના મતને પ્રભાવિત કરી શકશે નહીં. સુરજીત કહે છે, “મહિલાઓ ઘરમાં કેદીઓ જેવી હતી. આ વિરોધ પ્રદર્શનો, જે અમારા માટે પાઠશાળા સમાન પણ છે, તેણે અમને ઘણું-ઘણું શીખવ્યું છે."
26 મી નવેમ્બર, 2020 ના રોજ તેમની દિલ્હીની સફરને યાદ કરતાં તેઓ કહે છે, “અમે તૈયારી વિના ગયા હતા. દરેકે વિચાર્યું હતું કે તેઓ (સુરક્ષા દળો) ખેડૂતોને પસાર થવા નહીં દે અને અમને જ્યાં રોકવામાં આવશે ત્યાં અમે બેસી જઈશું." બહાદુરગઢ નજીક ટિકરી સરહદ પર તેમના લાંબા સમય સુધીના પડાવ માટે તેઓ જે ન્યૂનતમ સાધનો લઈ ગયા હતા તે નોંધતા તેઓ કહે છે. "અમારી પાસે ભોજન બનાવવા માટેના સાધનો ન હતા, તેથી અમે કામચલાઉ વ્યવસ્થા કરી. ન તો અમારી પાસે શૌચાલય અને બાથરૂમની કોઇ વ્યવસ્થા હતી." અને તેમ છતાં, તેઓ એક વર્ષથી વધુ સમય સુધી ત્યાં રહ્યા હતા - જેના પરિણામે એ ત્રણ કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા હતા.
સુરજીત કહે છે કે ઉચ્ચ શિક્ષણ ન લીધું હોવા છતાં તેમને હંમેશા વાંચવાનું અને વધુ શીખવાનું ગમતું હતું, તેઓ કહે છે, "મહિલાઓને લાગે છે કે જો તેઓ શિક્ષિત હોત તો તેઓ આંદોલનમાં વધુ સારું યોગદાન આપી શક્યા હોત."
*****
હરસિમરત કૌર બાદલ તાજેતરમાં પ્રચાર માટે આ ગામની મુલાકાતે ગયા હતા. સુરજીત કૌર તેમના ખેતરમાંથી મુઠ્ઠીભર શેતૂરનો આનંદ માણતા કહે છે, "તેઓ માત્ર ચૂંટણી વખતે જ આવે છે."


ડાબે: સુરજીત કૌર તેમની પુત્રવધૂ અને પૌત્રો સાથે, તેમના ખેતર પાસે. જમણે: સુરજીત કૌર તેમના ખેતરમાં શેતૂર તોડી રહ્યાં છે
સપ્ટેમ્બર 2020 માં બાદલે ખેડૂત વિરોધી વટહુકમ અને કાયદાના વિરોધમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા અંગે શંકાશીલ સુરજીત કહે છે, "ખેડૂતોએ તેમના (શિરોમણિ અકાલી દળ) વિરુદ્ધ આંદોલન કરવાનું શરૂ કર્યું ત્યારે જ તેમણે રાજીનામું આપ્યું હતું." નારાજ થયેલા સુરજીત કહે છે, "એ પહેલા તેઓ અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ ખેડૂતોને ત્રણ કૃષિ કાયદાના ફાયદાઓ વિશે જ કહેતા હતા."
સાથી ખેડૂતો સાથે એકતામાં 13 મહિનાની કઠોર પરિસ્થિતિઓ સહન કર્યા પછી સુરજીત બાદલ વર્તમાન પ્રચાર ઝુંબેશથી પ્રભાવિત થયા નથી. તેઓ ભારપૂર્વક કહે છે, "હું તેમને સાંભળવા પણ નહોતી ગઈ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક