ફકીરાણી જાટોના 70 વર્ષીય આધ્યાત્મિક નેતા આગા ખાન સાવલાની કહે છે, “અમે આ જે મઝાર [મકબરો] બનાવ્યો છે તે એક કામચલાઉ વ્યવસ્થા છે. સાવલા પીરનું મૂળ મંદિર તો વ્યૂહાત્મક રીતે ભારત-પાક દરિયાઈ સરહદ પર આવેલું છે.” તેઓ જે અસ્થાયી માળખાની વાત કરી રહ્યા છે તે લખપત તાલુકાના પીપર ગામ પાસે એક વિશાળ ખુલ્લી જગ્યાની વચ્ચે ઊભી કરેલી એક નાનકડી, એકલી અટૂલી, હળવા લીલા રંગની સાદી કબરનો ઉલ્લેખ કરી રહ્યા છે; ગણતરીના કલાકોમાં તે સાવલા પીર તહેવારની ઉજવણી કરવા આવેલા લોકોથી ભરાઈ જશે.
મૂળ મંદિર એક ટાપુ પર આવેલું છે, જે સુરક્ષાના કારણોસર 2019થી આરાધના માટે બંધ છે. હાલ તે જગ્યાએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)ની એક ચોકી આવેલી છે. બાયોકલ્ચરલ કોમ્યુનિટી પ્રોટોકોલમાં ઉલ્લેખિત છે કે, “આઝાદી પહેલાં કોટેશ્વરથી આગળ કોરી ખાડીની આવેલા ટાપુ પર સાવલા પીરના ઘરે મેળો ભરાયો હતો. તે સમયે, હાલના પાકિસ્તાનના સિંધના જાટ માલધારીઓ આમાં હાજરી આપવા અને પ્રાર્થના કરવા માટે હોડી દ્વારા મુસાફરી કરતા હતા.”
આ પ્રદેશમાં તમામ જાતિના હિન્દુ અને મુસ્લિમ પરિવારો માટે મેળામાં હાજરી આપીને પ્રાર્થના કરવાની પરંપરા રહી છે. સમુદાય દ્વારા આયોજિત આ મેળો એક વાર્ષિક કાર્યક્રમ છે, જે ગુજરાતી પંચાંગના ચૈત્ર મહિનાના ત્રીજા કે ચોથા દિવસે યોજાય છે, જે માર્ચ અને એપ્રિલની આસપાસ હોય છે.
કચ્છના પીપર ગામમાં રહેતા પચાસેક વર્ષના સોનુ જાટ કહે છે, “સાવલા પીરની દરગાહ પર, પ્રાર્થના માટે દરેકનું સ્વાગત છે; અહીં કોઈ પક્ષપાત નથી. કોઈપણ વ્યક્તિ આવીને તેમની સુખાકારી માટે માંગણી કરી શકે છે. તમે મોડી સાંજ સુધી રાહ જુઓ અને જાતે જ જુઓ કે કેટલી મોટી ભીડ જામે છે.” આ નેસમાં લગભગ 50 થી 80 ફકીરાણી જાટ સમુદાયના પરિવારો રહે છે.

ગુજરાત રાજ્યના લખપત તાલુકાના કચ્છના પીપર ગામમાં સાવલા પીરનું નવું મંદિર આવેલું છે. ભારત-પાકિસ્તાનની સરહદ વચ્ચે વ્યૂહાત્મક રીતે સ્થિત મૂળ મંદિર 2019 થી પૂજા માટે બંધ કરાયું છે
ફકીરાણી જાટો ઊંટો ઉછેરે છે અને કચ્છના દરિયાકાંઠાના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં પેઢીઓથી રહે છે. તેઓ ખારાઈ તેમજ કચ્છી ઊંટ તરીકે ઓળખાતી સ્વદેશી ઊંટની જાતિ રાખે છે. વ્યવસાયથી પશુપાલકો એવા આ લોકો સદીઓથી વિચરતું જીવન જીવે છે. પરંપરાગત રીતે, તેઓને ડેરી ખેડૂતો તરીકે જોવામાં આવે છે, જે શહેરો, નગરો અને ગામડાઓમાં માખણ, ઘી, દૂધ, ઊન અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડે છે. તેમના ટોળાઓમાં ઘેટાં, બકરા, ભેંસ, ગાય અને અન્ય સ્થાનિક જાતિઓનો સમાવેશ થાય છે. પરંતુ તેઓ પોતાને પ્રથમ ઊંટો ઉછેરનારા તરીકે જુએ છે, તેઓ ઊંટો અને તેમના પરિવાર સાથે આ પ્રદેશમાં ફરતા રહે છે. ફકીરાણી સ્ત્રીઓ સક્રિયપણે આ ટોળાની અને નવા જન્મેલા ઊંટોની સંભાળ રાખે છે.
આ પ્રદેશના ખ્રખ્યાત સૂફી કવિ ઉમર હાજી સુલેમાન કહે છે, “પરંતુ શરૂઆતમાં અમે ઊંટ ઉછેરનારા ન હતા.” તેઓ ફકીરાણી જાટની આજીવિકા પાછળની વાત કરતાં કહે છે, “એક વાર બે રબારી ભાઈઓમાં ઊંટ રાખવા બાબતે મતભેદ થયો હતો. તેમના વિવાદને ઉકેલવા માટે, તેઓ અમારા આદરણીય સંત સાવલા પીર પાસે ગયા, જેમણે મીણમાંથી ઊંટ બનાવ્યો અને ભાઈઓને કહ્યું કે તેઓ મીણમાંથી બનાવેલા ઊંટ અને વાસ્તવિક ઊંટમાંથી એકની પસંદગી કરે. મોટા ભાઈએ ઝડપથી જીવતો ઊંટ પસંદ કર્યો અને ચાલ્યો ગયો. નાના ભાઈ, દેવીદાસ રબારી, મીણના ઊંટ સાથે રહી ગયો હતો. સંતે દેવીદાસને આશીર્વાદ આપ્યા અને તેમને ખાતરી આપી કે દેવીદાસ પરત ફરશે ત્યારે ઊંટનું એક ટોળું તેમને મળશે. અને જો તે ઘરે પહોંચે ત્યાં સુધી પાછું વળીને ન જોવાનું વચન આપે તો તેમનું ટોળું વધશે.”
તેઓ કહે છે, “દેવીદાસે કુતુહલવશ થઈને ઘરે પહોંચવાની થોડી જ વાર પહેલાં પાછળ ફરીને નજર કરી લીધી. તેણે જોયું કે તેની પાછળ મોટી સંખ્યામાં ઊંટ હતા, પરંતુ હવે તેણે વચન તોડ્યું હોવાથી તેમની સંખ્યા વધતી બંધ થઈ ગઈ. સાવલા પીરે દેવીદાસને એમ પણ કહ્યું હતું કે, જો તેની પાસે ખૂબ વધારે ઊંટો થઈ જાય તો તેમને જાટોની દેખરેખમાં સોંપી દેજો. આ કારણે જ આજે પણ જાટ સમુદાયો રબારીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલા ઊંટોની સંભાળ રાખે છે. અને તમે જોઈ શકો છો કે ત્યારથી અહીંના બધા લોકો સાવલા પીરને અનુસરે છે.”
ફકીરાણી જાટ મુસ્લિમ છે, અને ‘સાવલા પીર’, લગભગ 400 વર્ષ પહેલાં કોરી ખાડીના એક ટાપુ પર તેમના ઊંટના ટોળા સાથે રહેતા હતા તેઓ તેમના પ્રિય સૂફી સંત છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ લખપતમાં બે દિવસીય મેળો — સાવલા પીરનો મેળો — યોજ્યો છે. 28 અને 29 એપ્રિલ, 2024ના રોજ.


આસ્તિકો દરગાહમાં ઉત્કૃષ્ટ સજાવટ સાથેની લાકડાની નાની હોડીઓ લઈ જાય છે. સૂફી કવિ ઉમર હાજી સુલેમાન કહે છે કે હોડી સાવલા પીરની હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે , કારણ કે સંત તેમની હોડીમાં જ આ ખાડીઓના ટાપુઓમાં મુસાફરી કરતા હતા
*****
આ મેળામાં ખૂબ મોટી ભીડ જામતી હોય છે ને રંગો, અવાજો, પ્રવૃત્તિઓ અને લાગણીઓનો પાર નથી હોતો. જાટોએ સાંજના પ્રદર્શન માટે તૈયાર કરેલા વિશાળ પ્લેટફોર્મ ઉપર પંડાલ ઊભો કર્યો; કપડાં, ખોરાક, વાસણો અને હસ્તકલા માટેની નાની દુકાનો ઉભરાઈ રહી છે. ચા પીતા વયસ્ક પુરુષોનું એક જૂથ મને જુએ છે અને મને શુભેચ્છા પાઠવતાં કહે છે, “અમને ખૂબ જ આનંદ છે કે તમે ઉત્સવનો ભાગ બનવા માટે આટલા દૂરથી આવ્યા છો.”
મેળામાં અત્યાર સુધીમાં ઘણા યાત્રાળુઓ આવી ગયા છે − પગપાળા, ઓટોમોબાઈલમાં, પરંતુ મોટાભાગે ટેમ્પોમાં જૂથ તરીકે. મેળામાં મોટી સંખ્યામાં મહિલાઓ હોય છે, જેઓ ચમકતા રંગોમાં સજ્જ હોય છે, અને વાત કરવામાં કે ફોટો પડાવવામાં ખચકાય છે.
રાતના 9 વાગ્યા છે ને ડ્રમર્સ સંગીત વગાડવાનું શરૂ કરે છે. ધીમી ગતિવાળા અને લયબદ્ધ ધબકારા હવામાં પ્રસરી રહી છે. એક વૃદ્ધ માણસ અચાનક સાવલા પીર માટેના સિંધી ભાષાનું ગીત ગાવા માંડે છે. થોડી વારમાં વધુ લોકો તેમની સાથે ગાવામાં જોડાય છે. કેટલાક અન્ય લોકો એક વર્તુળ બનાવે છે અને ગીત અને ડ્રમબીટ્સ સાથે તાલ મિલાવીને નૃત્ય કરવાનું શરૂ કરે છે, ધીમે ધીમે મધ્યરાત્રિનો સમય થવા લાગે છે.
બીજા દિવસે 29મી એપ્રિલે ઉત્સવના મુખ્ય દિવસની શરૂઆત સવારથી જ સમુદાયના આગેવાનો દ્વારા ધાર્મિક પ્રવચનો આપીને થાય છે. દુકાનો તૈયાર છે, અને લોકો આશીર્વાદ લેવા, મેળાની મજા માણવા ઉમટી રહ્યા છે.
“હવે સરઘસ કાઢવાની તૈયારી છે; બધા લોકો મહેરબાની કરીને પ્રાર્થનાના સ્થળે ભેગા થાઓ.” બપોરના 3 વાગ્યે એક મોટો અવાજ જાહેર કરે છે અને માણસોના ટોળાઓ તેમના માથા ઉપર સફેદ સઢ અને રંગબેરંગી ભરતકામ સાથે મસ્ટ પર બર્ગીથી શણગારેલી નાની લાકડાની હોડીઓ પકડીને ઊભા છે, ને મેળામાં આંખો અંજાઈ જાય તેવા પ્રકાશ અને ધૂળના વાદળો વચ્ચે દરગાહ તરફ જતાં અને પરિક્રમા કરતાં હર્ષોલ્લાસ કરે છે, ગાય છે અને સાવલા પીરનો નામોચ્ચાર કરે છે. હોડી સાવલા પીરની હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે આ સંત ખાડીમાંના ટાપુઓમાં હોડીમાં મુસાફરી કરતા હતા.
મને મેળામાં 40 વર્ષીય જયેશ રબારી મળે છે, જેઓ અંજારથી આવ્યા છે. તેઓ કહે છે, “હું દર વર્ષે અહીં આવું છું. અમને સાવલા બાબાના આશીર્વાદની જરૂર છે. અમે આખી રાત અહીં વિતાવીએ છીએ. ફકીરાણી ભાઈઓ સાથે ચા પીઈએ છીએ અને જ્યારે ઉજવણી પૂરી થાય ત્યારે અમે ખુશી મને ઘરે પાછા જઈએ છીએ.”
મેળામાં ભાગ લેવા માટે ભુજથી આખો રસ્તે ચાલીને આવેલાં 30 વર્ષીય ગીતા બેન રબારી કહે છે, “જ્યારે મારા પરિવારને કોઈ સમસ્યા અથવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે અમે અહીં પ્રાર્થના કરવા માટે આવીએ છીએ અને વસ્તુઓ ઉકેલાઈ જાય છે. હું છેલ્લા 14 વર્ષથી અહીં આવું છું.”
હું ઉત્સવોના બે દિવસ પછી વિદાય લેવા જાઉં છું ત્યારે કવિ ઉમર હાજી સુલેમાન કહે છે, “બધા ધર્મો મૂળભૂત રીતે પ્રેમ પર જ આધારિત હોય છે. યાદ રાખો કે પ્રેમ વિના કોઈ ધર્મ નથી.”

ફકીરાણી જાટ સમુદાયના પુરુષોના જૂથો ઊંટના દૂધનો ઉપયોગ કરીને ચા બનાવે છે , જે તેમની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે

સમુદાયના એક વૃદ્ધ સભ્ય મારૂફ જાટ ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે છે , ‘ હું તમારા અને તમારા પરિવાર સહિત દરેકની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું’

પીપર ગામમાં સાંજની નમાઝની તૈયારી કરી રહેલા સમુદાયના સભ્યો

કપડાં , ખોરાક , વાસણો અને હસ્તકલા માટેની નાની દુકાનો આગલી સાંજ સુધીમાં લાગી જાય છે

રાત્રે જ્યારે બધી વસ્તુઓ શાંત થઈ જાય છે , ત્યારે યાત્રાળુઓ તેમનું સંગીત પ્રદર્શન શરૂ કરે છે. રાત્રે 10 વાગ્યે જ્યારે ડ્રમવાદકો પ્રદર્શનની શરૂઆતની જાહેરાત કરે છે ત્યારે પ્રેક્ષકો મેળાના મેદાનના કેન્દ્ર તરફ ખેંચાય છે

વર્તુળમાં નૃત્ય કરતા પુરુષોનું પ્રદર્શન , અને તેમના પડછાયાઓ જાણે કોઈ અન્ય વિશ્વની આભા બનાવે છે , આ પ્રદર્શન છેક મધ્યરાત્રિ સુધી ચાલુ રહે છે

તમામ જાતિ અને સમુદાયના લોકો , પુરૂષો , સ્ત્રીઓ અને બાળકો આ બે દિવસીય ઉજવણીમાં ભાગ લે છે

યાત્રાળુઓ દરગાહમાં અર્પણ કરતા પહેલાં શણગારેલી લાકડાની નૌકાઓ પકડીને સરઘસ કાઢે છે

પુરુષો સરઘસ કાઢે છે. મહિલાઓ , જેઓ દરગાહમાં એટલી જ મોટી સંખ્યામાં આવે છે , તેઓ શોભાયાત્રા કે નૃત્યમાં ભાગ લેતી નથી

તેમના પીરનું નામ અને તેમને અર્પણ કરેલી શણગારાત્મક હોડીઓ તેમની વાર્ષિક તીર્થયાત્રા માટે એકઠા થયેલા ભક્તોના સમુદ્રમાં તરતી રહે છે

સરઘસ પસાર થતાં મેળાના મેદાનના ખૂણે ખૂણે સાવલા પીરનું નામ ગુંજતું હતું

મેળામાં પરિક્રમા કરતાં અને પ્રસાદી આપવા માટે દરગાહ તરફ જતાં જતાં માણસોના ટોળા હર્ષોલ્લાસ કરે છે , ગાય છે અને સાવલા પીરનો નામોચ્ચાર કરે છે

દરગાહમાં એક ટૂંકી પ્રાર્થના કરીને , યાત્રાળુઓ સાંજની પ્રાર્થના પછી ઘરે પાછા ફરે છે
અનુવાદક: ફૈઝ મોહંમદ